પાસવર્ડ કરતાં વધુ સિક્યોર પાસકી લઈને આવી રહ્યું છે ફેસબુક: આંગળીના ટેરવે લોગઇન કરી શકાશે યુઝર્સ
Meta New Log in Method: મેટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે ફેસબુકમાં આંગળીના ટેરવે લોગઇન કરી શકાશે. આ માટે કંપની એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસ માટે પાસકી ફીચર લોન્ચ કરી રહી છે. એના દ્વારા યુઝર તેમના ડિવાઇસનો પિન અથવા તો ફેસઆઇડી અથવા તો ફિંગરપ્રિન્ટ દ્વારા પોતાના એકાઉન્ટમાં લોગઇન કરી શકશે. આ માટે હવે પાસવર્ડ અને પિન નંબર વગેરેની જરૂર નથી. આ પાસકી વધુ સિક્યોર પણ છે કારણ કે એમાં બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે.
શું છે પાસકી અને કેમ એ પાસવર્ડ કરતાં વધુ સિક્યોર છે?
પાસકી એક રીતે જોવા જઈએ તો એ ડિજિટલ પાસવર્ડ છે જેને યુઝરે લખવાનો નથી હોતો. પાસવર્ડને યુઝરે લખવું પડે છે, પરંતુ આ પાસકી એક્સેસ માટે ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસઆઇડીનો ઉપયોગ કરે છે. ફિંગરપ્રિન્ટ અને ફેસઆઇડી એક્સેસ ન કરી શકાય ત્યારે મોબાઇલનો પિન નંબર અથવા તો પાસકોડનો પણ ઉપયોગ કરી શકાય છે. પાસકીની શોધ સાઇબર ક્રાઇમ સામે યુઝરને સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી હતી. ઘણી કંપનીઓ હવે પાસકીનો ઉપયોગ કરે છે અને ફેસબુક પણ હવે એનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યું છે. પાસવર્ડ અને મેસેજ દ્વારા મળતાં વન-ટાઇમ પાસવર્ડને હેક કરી શકાય છે. જોકે પાસકીમાં એવું નથી થતું કારણ કે એ મોબાઇલમાં હોય છે અને ટાઇપ નથી કરવું પડતું.
પાસકીને કેવી રીતે તૈયાર કરશો?
આ માટે યુઝર સેટિંગ મેનૂમાં જઈને પાસકીમાં જઈને સેટઅપ કરી શકે છે. જો યુઝરે લોગઆઉટ કર્યું હશે અને લોગઇન કરવા જઈ રહ્યો હશે તો એ દરમ્યાન ફેસબુક દ્વારા એક્ટિવેટ કરવા માટે પૂછવામાં આવશે. જોકે ઘણાં યુઝર્સ હવે તેમના મોબાઇલમાં ફેસબુકને લોગઆઉટ નથી કરતાં. આથી એ યુઝર સેટિંગ્સમાં જઈને કરી શકે છે. આગામી થોડા મહિનામાં આ પાસકીનો ઉપયોગ મેસેન્જરમાં લોગઇન કરવા માટે પણ થઈ શકશે. હાલમાં એ ફેસબુક માટે જ થઈ રહ્યું છે.
પેમેન્ટ માટે પણ ઉપયોગ કરી શકાશે
મેટા દ્વારા પાસકીનો ઉપયોગ ફક્ત સિક્યોર લોગઇન માટે જ નહીં, પરંતુ તમામ સર્વિસને વધુ સરળ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પાસકીના કારણે યુઝરે તેના પાસવર્ડને યાદ રાખવાની જરૂર નહીં પડે. આ સાથે જ જે યુઝર મેટા પેનો ઉપયોગ કરી રહ્યો હોય તો પેમેન્ટ કરવા માટે પણ પાસકીનો ઉપયોગ કરી શકશે. તેમ જ ઇન્ક્રિપ્ટેડ મેસેજ બેકઅપ માટે પણ હવે આ પાસકીનો ઉપયોગ કરી શકાશે. આથી ફેસબુક તેની દરેક સર્વિસને હવે સિક્યોર અને સરળ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.’