Get The App

WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં...

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં... 1 - image

WhatsApp New Feature: WhatsApp મેસેજિંગ એટલે કે ચેટિંગ માટેનું મહત્ત્વનું પ્લેટફોર્મ છે, પરંતુ હવે તેમાં એ સિવાય પણ અનેક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ધીમે ધીમે તે લોકોની રોજિંદી જરૂરિયાતો માટેનું મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. કંપનીએ હવે ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ હવે સીધા WhatsApp અંદર જ મોબાઇલ રિચાર્જ કરી શકશે. આ ફીચરની સૌથી મોટી ખાસ વાત એ છે કે હવે રિચાર્જ માટે અલગ-અલગ એપ્સ ખોલવાની જરૂર નહીં પડે. કંપની મુજબ આ ફીચર ધીમે ધીમે Android અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે અને આવતા થોડા અઠવાડિયામાં બધાને મળી જશે.

WhatsApp અને PayUની પાર્ટનરશિપ

WhatsAppનું આ નવું ફીચર પેમેન્ટ કંપની PayU સાથે ભાગીદારીમાં લાવવામાં આવ્યું છે, જેથી પેમેન્ટ પ્રોસેસ ઝડપી અને સરળ બની શકે. આ ફીચર આવ્યા પછી હવે યુઝર પોતાના નંબરની સાથે પરિવાર અથવા મિત્રોના નંબર પર પણ સરળતાથી રિચાર્જ કરી શકશે. Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea જેવા મોટા ટેલિકોમ ઓપરેટર્સના બધા પ્લાન્સ WhatsApp અંદર જ દેખાશે, જ્યાંથી યુઝર તેની જરૂર મુજબ પ્લાન પસંદ કરી શકશે.

WhatsAppમાં ₹ આઈકન

WhatsAppએ આ ફીચરને વધુ સરળ બનાવવા માટે એપના હોમ સ્ક્રીન પર એક નવું ₹ આઈકન ઉમેર્યું છે. આ આઈકન તમને સીધા પેમેન્ટ સેકશનમાં લઈ જાય છે. અહીંથી યુઝર રિચાર્જ કરી શકે છે, UPI પેમેન્ટ પણ મોકલી શકે છે અને ઘણા શહેરોમાં મેટ્રો ટિકિટ જેવી સેવાઓનો પણ ઉપયોગ કરી શકાશે.

WhatsAppથી કેવી રીતે કરશો મોબાઇલ રિચાર્જ?

જો તમે વિચારતા હો કે WhatsAppથી રિચાર્જ કેવી રીતે કરવું, તો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌપ્રથમ એપમાં દેખાતા ₹ આઈકન પર ટેપ કરો. પછી Mobile Prepaid Rechargeનો વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમે તમારો અથવા કોઈ બીજા વ્યક્તિનો નંબર પસંદ કરી શકો છો. ઓપરેટર કન્ફર્મ કરો અને ઉપલબ્ધ પ્લાન્સમાંથી યોગ્ય પ્લાન પસંદ કરો. પેમેન્ટ માટે UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. પેમેન્ટ કન્ફર્મ કરતા જ રિચાર્જ થઈ જશે.

રિચાર્જ ઉપરાંત ટિકિટ બુકિંગ પણ શક્ય

WhatsApp મુજબ ભારતમાં લોકો પહેલાથી જ આ એપનો ઉપયોગ ચેટ, બિઝનેસ અને અનેક જરૂરી સેવાઓ માટે કરી રહ્યા છે. આજના સમયમાં ઘણા શહેરોમાં લોકો WhatsApp મારફતે મેટ્રો ટિકિટ બુક કરે છે, બિલ ભરે છે અને સરકારી સેવાઓનો પણ ઉપયોગ કરે છે. આવા સમયમાં મોબાઇલ રિચાર્જને પણ આ જ પ્લેટફોર્મ પર લાવવું એક મોટું પગલું માનવામાં આવે છે. Meta Platforms ઇન્ડિયાના બિઝનેસ મેસેજિંગ ડિરેક્ટર રવિ ગર્ગએ જણાવ્યું છે કે ભારતમાં WhatsApp લોકોની રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું છે. તેથી કંપનીનો ફોકસ એ છે કે વધુમાં વધુ કામ એક જ જગ્યાએ સરળ રીતે થઈ શકે. એ જ કારણ છે કે હવે રિચાર્જ જેવી રોજિંદી જરૂરિયાતને પણ WhatsAppમાં ઉમેરવામાં આવી છે.

આ પણ વાંચો: હાઈવે ડ્રાઈવર્સ માટે એલર્ટ: NHAI દ્વારા ફેક FASTag Annual Pass સ્કેમ અંગે ચેતવણી

PayUના ચીફ બિઝનેસ ઓફિસર હેમંગ દત્તાણીના જણાવ્યા અનુસાર, લોકોને એવી સેવાઓ વધુ ગમે છે જે તેમને એ જ પ્લેટફોર્મ પર મળે જ્યાં તેઓ પહેલાથી સમય વિતાવે છે. WhatsApp પર રિચાર્જ લાવવું એ જ વિચારનો ભાગ છે, જેથી યુઝર્સને એપ બદલીને કામ કરવું ન પડે.

WhatsApp હવે એક ઓલ-ઇન-વન એપ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં ચેટ, પેમેન્ટ, ટિકિટ બુકિંગ અને હવે મોબાઇલ રિચાર્જ જેવી સુવિધાઓ એક જ જગ્યાએ મળશે. આવા પ્રકારની એપ્સને સુપર એપ પણ કહેવામાં આવે છે. આવનારા સમયમાં WhatsApp પોતાના પ્લેટફોર્મમાં વધુ કઈ સેવાઓ ઉમેરે છે તે જોવું રસપ્રદ રહેશે.