Get The App

ફેસબુક સામે કેસ: સોશિયલ મીડિયાની માનસિક આરોગ્ય પરની અસરનો અભ્યાસ છુપાવી દેવાયો હતો

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
Facebook

Meta Hid Research Showing Facebook Break Improves Mental Health : ‘ફેસબુક’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ભારત સહિત દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય છે. તેના અબજો યુઝર્સ છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે ‘ફેસબુક’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ની માલિકી કંપની ‘મેટા’ દ્વારા તેમની સાથે એક ખેલ ખેલાઈ રહ્યો છે. તાજેતરમાં કેટલાક દસ્તાવેજો સામે આવતાં જાણવા મળ્યું છે કે, મેટા કંપનીએ 'પ્રોજેક્ટ મર્ક્યુરી' નામના એક આંતરિક અભ્યાસને ગુપ્ત રીતે બંધ કરી દીધો છે. આ એ અભ્યાસ હતો જેના પ્રારંભિક નિષ્કર્ષોએ સૂચવ્યું હતું કે ફેસબુકથી થોડો સમય દૂર રહેવાથી યુઝર્સની માનસિક આરોગ્યમાં સુધારો થઈ શકે છે. આ મુદ્દે મેટા પર કેસ કરાયો છે કે, ટેક કંપનીએ કિશોરોના મન પર પડતી નકારાત્મક અસરોના પુરાવા જાણી જોઈને છુપાવ્યા છે.

ગુપ્ત પ્રોજેક્ટની શરુઆત અને તેનો હેતુ

'પ્રોજેક્ટ મર્ક્યુરી' નામનો પ્રોજેક્ટ 2019ના અંતમાં મેટા કંપનીની અંદર શરુ કરાયો હતો. તેનો મુખ્ય ધ્યેય એ હતો ‘ફેસબુક અને મેટાની માલિકીના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝર્સની ભાવનાત્મક સુખાકારી અને તેમના સામાજિક વ્યવહારને કેવી રીતે પ્રભાવિત કરે છે’ તેની ચકાસણી કરવી. આ હેતુસર મેટાએ નીલ્સન નામની જાણીતી સર્વે અને સંશોધન સંસ્થા સાથે ભાગીદારી કરીને યુઝર્સ પાસેથી માહિતી એકત્રિત કરવાનું શરુ કર્યું હતું. આ સર્વેક્ષણમાં યુઝર્સના એક નિશ્ચિત સમૂહને કેટલાક સમય માટે ફેસબુકનો ઉપયોગ બંધ કરવાનું કહેવાયું હતું, જેથી પ્લેટફોર્મ વગર અને પ્લેટફોર્મ સાથેના તેમના જીવનમાં થતા ફેરફારોનું મૂલ્યાંકન કરી શકાય.

અભ્યાસના આશ્ચર્યજનક અને ચિંતાજનક નિષ્કર્ષ

આ અભ્યાસથી મળેલા પરિણામો મેટા કંપનીની અપેક્ષાઓથી સંપૂર્ણ વિરુદ્ધ હતા. જે સ્વયંસેવક યુઝર્સે માત્ર એક સપ્તાહ ફેસબુક પરથી વિરામ લીધો હતો, તેમણે નીચે મુજબના ફેરફાર અનુભવ્યા હતા.

- યુઝર્સે પોતાની માનસિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો અનુભવ્યો! 

- તેમણે પોતાને પહેલાં કરતાં ઓછા ચિંતાગ્રસ્ત અને ઓછા હતાશ અનુભવ્યા. 

- તેમનામાં એકલતાની લાગણી અને સામાજિક તુલના(બીજા સાથે પોતાની તુલના)ની વૃત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો. 

સરળ શબ્દોમાં કહીએ તો ફેસબુકથી દૂર રહેવું યુઝર્સના માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થયું હતું.

કંપનીની અંદર આંતરિક અસંતોષનો અવાજ 

આ નકારાત્મક પરિણામોએ મેટા કંપનીની અંદર પણ ચિંતા સર્જી હતી. કંપનીના કેટલાક કર્મચારીઓએ આ નિષ્કર્ષોને ગંભીરતાથી લેવાની માંગ કરી હતી. એક કર્મચારીએ તો આ સ્થિતિની તુલના તમાકુ કંપનીઓ સાથે કરી હતી, એવી કંપનીઓ જેમણે સિગરેટના નુકસાનના પુરાવાને જાહેર થતાં અટકાવ્યા હતા. તેણે એક આંતરિક સંદેશમાં કંપનીને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો આ ડેટા લીક થઈ ગયો તો લોકો મેટાને પણ તમાકુ કંપનીઓ જેવી જ ગણશે, જે જાણી જોઈને જનતાથી હકીકત છુપાવે છે, એમને અંધારામાં રાખે છે.

પ્રોજેક્ટની ગુપ્ત રીતે સમાપ્તિ કરી દેવાઈ 

મેટાએ નકારાત્મક પરિણામોને પગલે 'પ્રોજેક્ટ મર્ક્યુરી'ને ગુપ્ત રીતે બંધ કરી દીધો. ન તો એ અભ્યાસને વધુ વિસ્તૃત કરાયો અને ન તો તેના પરિણામો જાહેર કરાયા. ઊલટાનું કંપનીના અધિકારીઓએ અમેરિકાની સંસદમાં એવાં નિવેદનો આપ્યા કે તેમની પાસે એવી કોઈ વિશ્વસનીય માપન પદ્ધતિ નથી કે જેની મદદથી તેમના પ્લેટફોર્મ્સથી કિશોરવયના યુવાઓને નુકસાન થાય છે કે કેમ તે નક્કી કરી શકાય. 

મેટા પર કોર્ટ કેસ કરાયો 

આ મહત્ત્વપૂર્ણ સંશોધનને આગળ વધારવાને બદલે મેટાએ ‘પ્રોજેક્ટ મર્ક્યુરી’ ચૂપકિદીથી દબાવી દીધો. એટલું જ નહીં, તેના પરિણામોને ખામીયુક્ત ગણાવીને ફગાવી દીધા અને આ બધી માહિતી પ્રજાથી છુપાવી. આ બદલ અમેરિકાની સેંકડો સ્કૂલ-કૉલેજો, એટર્ની જનરલ્સ અને વિદ્યાર્થીઓના માતાપિતાના સંગઠને મેટા સામે કોર્ટ કેસ કર્યો છે. 

મેટાએ શું પ્રતિક્રિયા આપી?

'પ્રોજેક્ટ મર્ક્યુરી' બાબતે મેટાની પોલ ખુલી જતાં કંપનીના પ્રવક્તાએ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, એ અભ્યાસ ખામીયુક્ત હતો અને અભ્યાસ સંબંધિત સંપૂર્ણ રૅકોર્ડ જોશો તો ખ્યાલ આવશે કે કંપનીએ કિશોરોને સુરક્ષિત રાખવા માટે વાસ્તવિક ફેરફારો કર્યા છે. 

કેસ કોના પક્ષે સબળો છે?

આ કેસ સંબંધિત આગામી સુનાવણીનું આયોજન કેલિફોર્નિયામાં 26 જાન્યુઆરી, 2026ના રોજ કરાયું છે. હાલ પૂરતું તો લાગે છે કે કોર્ટ મેટાને દોષિત માનીને ભારે દંડ ફટકારશે. પણ શું કોર્ટ મેટાના સોશિયલ મીડિયા પ્લેટ્સફોર્મ્સની પોલિસીમાં બદલાવ કરવાની ફરજ પાડીને જનતાના હિતનું પગલું પણ ભરશે કે કેમ, એના પર સૌની નજર રહેશે.