યંગ જનરેશનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે સ્નેપચેટ બહુ પોપ્યુલર હોવાનું
એક કારણ એ છે કે સ્નેપચેટ તેના પર શેર થયેલા મેસેજ આપોઆપ ડિલીટ થાય તેવી સગવડ આપે
છે. કંઈક એ જ પ્રકારની સગવડ હવે વોટ્સએપમાં પણ આવી રહી છે. એ કારણે વોટ્સએપ પર
આપણે કોઈ મેસેજ શેર કરીએ ને પછી સામેની વ્યક્તિ એ મેસેજ વાંચી લે એ પછી શું થાય એ
પણ આપણે નક્કી કરી શકીશું.
આ ફીચર આમ તો બહુ સાદી રીતે કામ કરશે - આપણે તેને ઇનેબલ કરીએ એ પછી સામેની
વ્યક્તિ તેને વાંચી લે એ સાથે તેને માટે કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. સામેની
પાર્ટીના ફોન પર વોટ્સએપમાં આપણો મેસેજ ઓપન થઈ જાય એ પછી ૧૫ મિનિટ સુધી આ
કાઉન્ટડાઉન ચાલે છે. ૧૫ મિનિટ પૂરી થતાં જ મેસેજ મોકલનાર તથા મેળવનાર બંનેની
ચેટમાંથી મેસેજ આપોઆપ ડિલીટ થશે.
જો કોઈ કારણસર આપણે મોકલેલો મેસેજ સામેની વ્યક્તિ ઓપન કરે જ નહીં, તો તે ૨૪ કલાક સુધી ઉપલબ્ધ રહેશે અને એટલા સમયમાં સામેની વ્યક્તિ તેને ઓપન કરી
શકશે. પરંતુ આ સમયગાળો પૂરો થયા પછી મેસેજ આપોઆપ બંને છેડે ડિલીટ થઈ જશે.
વોટ્સએપ પર આપણે કોઈ પણ સર્વિસના ઓટીપી,
પાસવર્ડ, એડ્રેસ, વેરિફિકેશન કોડ વગેરે જેવી
સંવેદનશીલ વિગતો શેર કરવી હોય ત્યારે આ સુવિધા ઉપયોગી થશે. હાલમાં કોઈ પણ વ્યક્તિ
કે ગ્રૂપ માટે મેસેજ અમુક દિવસ પછી આપોઆપ ડિલીટ થાય એવી સગવડ છે, પરંતુ અત્યારે આવા ડિસેપિયરિંગ મેસેજ માટે આપણે ૨૪ કલાક, ૭ દિવસ કે ૯૦ દિવસનો સમયગાળો સિલેક્ટ કરી શકીએ છીએ. પરંતુ આ નવી સગવડથી મેસેજ
વંચાયાના ગણતરીના સમયમાં જ ડિલીટ થઈ જાય એવી સુવિધા મળશે.
વોટ્સએપમાં રીડ રિસિપ્ટ ઓફ હોય તો પણ તેના માટે આ ફીચર કામ કરશે. જોકે એ ખાસ
યાદ રાખવા જેવું છે કે ૧૫ મિનિટનો સમયગાળો વોટ્સએપ પર કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરવા
માટે પૂરતો છે.
આથી સામેની વ્યક્તિ ભરોસાપાત્ર ન હોય તો આ ફીચરનો ખરેખરો લાભ મળશે નહીં. એવું
હોય તો કોઈ પણ સંવેદનશીલ વિગતો શેર ન કરવામાં જ સાર છે.


