વોટ્સએપમાં મેસેજના ભાવ વધ્યા
વોટ્સએપ આપણા સૌ માટે મફત છે એ વાત સાચી,
પણ ઘણી કંપનીઓએ તેના
ઉપયોગ માટે રૂપિયા ચૂકવવા પડે છે - ખાસ કરીને આપણા એકાઉન્ટની સલામતી માટે ઓટીપીના
મેસેજ મોકલવા માટે.
આપણે ગૂગલ, ફેસબુક, એમેઝોન, માઇક્રોસોફ્ટ કે તેના જેવી
અન્ય કોઈ ગ્લોબલ કંપનીના એકાઉન્ટ્સમાં લોગ ઇન થવાનો પ્રયાસ કરીએ અને ત્યારે તેમાં
ટુ-સ્ટેપ વેરિફિકેશન સિસ્ટમ ઓન રાખી હોય તો આવી કંપનીના એકાઉન્ટ પેજ પર આપણું
યૂઝરનેમ અને પાસવર્ડ લખતાં આપણાં મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો એસએમએસ
આવતો હોય છે. આપણે ફટાફટ મેસેજિંગ એપ ઓપન કરીએ, તેમાંથી પેલો ઓટીપી કોપી કરીએ અથવા ફોનની સિસ્ટમ આપોઆપ મેસેજમાંનો ઓટીપી રીડ
કરી લે અને આપણે જે તે એકાઉન્ટમાં લોગ ઇન કરી શકીએ. અહીં સુધી તો બધું બરાબર. આપણો
આ રોજબરોજનો અનુભવ છે. પરંતુ મેસેજમાં આવતા ઓટીપીનો ઉપયોગ કરતી વખતે આપણને એ અંદાજ
આવતો નથી કે આવા ઓટીપી મેસેજ પાછળ ટેક કંપનીઓ વચ્ચે કેવી બથંબથી ચાલે છે.
ભારતની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ ભારતની જ અન્ય કંપનીઓ (જેમ કે બેંક્સ કે
દેશનાં ઓટીટી પ્લેટફોર્મ્સ) જ્યારે આ રીતે એસએમએસ દ્વારા ઓટીપી મોકલે ત્યારે એ
કંપનીઓ સ્વદેશી કંપની પાસેથી મેસેજ દીઠ રૂ. ૦.૧૨નો ચાર્જ વસૂલ કરતી હોય છે. બીજી
તરફ જો ગૂગલ, એમેઝોન કે નેટફ્લિક્સ જેવી
વિદેશની કંપની મેસેજ દ્વારા ઓટીપી મોકલે ત્યારે ટેલિકોમ કંપની તેની પાસેથી મેસેજ
દીઠ ૦.૦૫ ડોલર એટલે કે રૂ. ૪.૧૩ જેવ ચાર્જ વસૂલ કરે છે.
આ વાતમાં વોટ્સએપની માલિક કંપની મેટાને મોટો બિઝનેસ દેખાયો! આમ પણ ભારતમાં અને
અન્ય દેશોમાં વોટ્સએપના મેસેજ પરંપરાગત એસએમએસ સાથે સીધી હરીફાઈ કરવા લાગ્યા છે.
સંખ્યાબંધ બિઝનેસ તેના કસ્ટમર સાથેના કમ્યૂનિકેશન માટે એસએમએસને બદલે વોટ્સએપનો
ઉપયોગ કરવા લાગ્યા છે. આથી ઓટીપી મેસેજ માટે પણ વોટ્સએપનો ઉપયોગ શરૂ થયો. શરૂઆતમાં
વોટ્સએપ કંપની દેશી કે વિદેશી બધી કંપનીઓ પાસેથી દરેક ઓટીપીના મેસેજ દીઠ રૂ.
૦.૧૧નો ચાર્જ લેતી હતી.
ભારતની કંપનીઓ માટે એસએમએસના રૂ. ૦.૧૨
અને વોટ્સએપ મેસેજના રૂ. ૦.૧૧ એમ ખર્ચમાં લગભગ કોઈ ફેર પડતો નહોતો. પરંતુ
પરદેશની કંપનીઓ માટે એસએમએસના રૂ. ૪.૧૩ સામે વોટ્સએપના રૂ. ૦.૧૧ નો ચાર્જ એકદમ
સસ્તો પડે. આથી વિદેશની કંપનીઓ વોટ્સએપ દ્વારા ઓટીપી મેસેજ મોકલવા તરફ વળવા લાગી.
પરંતુ હવે મેટા કંપનીને સમજાયું છે કે તે વિદેશની કંપનીઓને વધુ પડતા સસ્તા દરે
ઓટીપી મેસેજ મોકલવાની સગવડ આપે છે. આથી માર્ચ ૨૦૨૪ના અંત ભાગમાં કંપનીએ ભારતમાં
પરદેશની કંપનીઓ માટે ઓટીપી મેસેજ મોકલવાના ચાર્જમાં સીધો ૨૦ ગણો વધારો કરવાની
જાહેરાત કરી છે! જૂન ૧,૨૦૨૪થી વોટ્સએપ ભારત (અને
ઇન્ડોનેશિયા)માં વિદેશી કંપનીઓ પાસેથી એક ઓટીપી મેસેજ માટે રૂ. ૨.૩નો ચાર્જ
લેવાનું શરૂ કરશે. આ ચાર્જ હજી પણ એસએમએસ દીઠ રૂ. ૦.૧૨ કરતાં ઘણો ઓછો છે. આથી
વિદેશની કંપનીઓ ભારતના યૂઝર્સને ઓટીપી મોકલવા માટે વોટ્સએપ પર આધાર રાખે તેવી
શક્યતા છે.
સરેરાશ યૂઝર તરીકે આ બધી વાતોથી આપણને સીધો કોઈ ફેર પડતો નથી, પરંતુ આપણા રોજિંદા જીવનની વિવિધ બાબતોમાં વોટ્સએપનો ઉપયોગ હજી વધશે તેનો આ
સ્પષ્ટ સંકેત છે.
બીજી તરફ ટેલીગ્રામ એપમાં, આવી જ સગવડ માટે નવો પ્રયોગ
કરવામાં આવી રહ્યો છે. જો યૂઝર તેના એકાઉન્ટથી અન્ય યૂઝર્સને ઓટીપી મેસેજ મોકલવાની
છૂટ આપે તો તેને ટેલીગ્રામના પેઇડ ફીચર્સનો મફત લાભ આપવાની કંપનીએ જાહેરાત કરી છે.
જોકે આમાં પ્રાઇવસીનાં મોટાં જોખમો ઊભાં થઈ શકે છે.