મંગળ આવશે પૃથ્વીની નજીક, આવતીકાલે આકાશમાં જોવા મળશે અદ્દભૂત નજારો
- એક ખગોળીય ઘટનાને કારણે મંગળ ગ્રહ પૃથ્વીની નજીક જોવા મળશે
નવી દિલ્હી, તા. 05 ઑક્ટોબર 2020, સોમવાર
અંતરિક્ષમાં આવતીકાલે એક ખગોળીય ઘટના હેઠળ મંગળ ગ્રહ પૃથ્વીથી ઘણુ નજીક આવશે. આ ખગોળીય ઘટના ભારતીય સમયાનુસાર સાંજે સાત વાગ્યે 47 મિનિટ પર થશે જેમાં મંગળ ગ્રહ પૃથ્વીથી 6,20,83,116 કિલોમીટરના અંતરેથી પસાર થશે. પ્લેનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયા(પીએસઆઇ) ડાયરેક્ટર રઘુનંદન કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ખગોળીય ઘટના 26 મહિના બાદ થનાર 'માર્સ ઑપોઝિશન ટૂ સન' નામની ખગોળીય પરિસ્થિતિને કારણે જ બની રહી છે. આ વિચિત્ર ખગોળીય ઘટના હેઠળ મંગળ અને સૂર્ય એકબીજાની વિપરીત રહેશે.
પૃથ્વીની દ્રષ્ટિથી આ ત્રણ ગ્રહ એક સીધી રેખા પર આવી જશે. ડાયરેક્ટર કુમારે જ્યારે પણ કોઇ ગ્રહ સૂર્યની વિપરીત આવે છે ત્યારે તે પૃથ્વીની નજીક આવી જાય છે. એટલા માટે મંગળ ગ્રહ પૃથ્વીની ખૂબ જ નજીક, ચમકદાર અને ઘણો મોટો જોવા મળશે. મંગળ ગ્રહ દૂરબીન મારફતે જોઇ શકાશે. સામાન્ય રીતે પૃથ્વીથી મંગળ ગ્રહનું સૌથી ઓછું અંતર 55.7 મિલિયન કિલોમીટર જ્યારે સૌથી વધારે અંતર 401.3 મિલિયન કિલોમીટર હોય છે.
પીએસઆઇના ડાયરેક્ટરે જણાવ્યું કે ઑક્ટોબર 2020 સૌથી શ્રેષ્ઠ સમય છે જ્યારે સામાન્ય લોકો મંગળ ગ્રહને નજીકથી જોઇ શકશે. ત્યારબાદ 13 વર્ષ પછી જૂન 2033માં આ પ્રકારની ખગોળીય ઘટના થશે જ્યારે મંગળ પૃથ્વીની સૌથી નજીક હશે. સામાન્ય લોકો કોઇ પણ ઉપકરણની મદદ વગર આગામી અઠવાડિયા સુધી આકાશમાં મંગળ ગ્રહને જોઇ શકશે. સાંજે સૂર્યાસ્તના અડધા કલાક પછી લોકો આકાશમાં મંગળ ગ્રહને જોઇ શકશે.