મંગળ ગ્રહના ઉલ્કાપિંડની હરાજી યોજાશે : કિંમત રૂ. 34 કરોડને પાર
- NWA-16788નું વજન રેકોર્ડ 24.67 કિગ્રા
- કરોડો કિમીની મુસાફરી કરીને પૃથ્વી પર પડયો હતો : શાંઘાઈના એસ્ટ્રોનોમી મ્યુઝિયમે તેની ખરાઈ કરી છે
ન્યૂ યોર્ક : ન્યૂયોર્કમાં સદીની સૌથી અનોખી હરાજી યોજાવાની છે. વિશ્વ પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથર્બી મંગળ ગ્રહના સૌથી મોટા ઉલ્કાપિંંડ એનડબ્લ્યુએ-૧૬૭૮૮ને વેચવા જઈ રહી છે. આ ઉલ્કાપિંડ ૨૪.૬૭ કિલોગ્રામનું છે. તેની કિંમત ૩૪ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ હરાજી ૧૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ ન્યૂયોર્કમાં યોજાશે.
એનડબ્લ્યુએ- ૧૬૭૮૮ એક ઉલ્કાપિંડ છે. જે મંગળ ગ્રહ પરથી આવ્યું છે. તેને નવેમ્બર ૨૦૨૩માં આફ્રિકાના નાઇજર દેશના અગાદેઝ વિસ્તારમાં સહારાના રણમાં એક શિકારીએ શોધ્યું હતું. આ પથ્થર એટલો ખાસ છે કારણ કે તે પૃથ્વી પર મળેલા મંગળ ગ્રહનો સૌથી મોટો ટુકડો છે. તેનું વજન ૨૪.૬૭ કિલોગ્રામ છે, જે પહેલાના રેકોર્ડ ધરાવનાર ઉલ્કાપિંડ કરતાં ૭૦ ટકા વધુ છે.
પૃથ્વી પર અત્યાર સુધીમાં ૭૭,૦૦૦થી વધુ ઉલ્કાપિંડ મળ્યા છે, પરંતુ તેમાંથી માત્ર ૪૦૦ જ મંગળ ગ્રહના છે. એનડબ્લ્યુએ- ૧૬૭૮૮ આ ૪૦૦ ઉલ્કાપિંડમાંના ૬.૫ ટકા ભાગનું હોવાથી તે દુર્લભ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લાખો વર્ષ પહેલાં મંગળ ગ્રહ પર એક મોટો ઉલ્કાપાત થયો હતો. આ ટક્કરથી મંગળનો આ ટુકડો અંતરિક્ષમાં ઉછળી ગયો હતો. કરોડો કિલોમીટરની મુસાફરી કરીને તે પૃથ્વી પર પડયો છે.
આ ઉલ્કાપિંડનો રંગ રેડ અને બ્લૂ છે, જે મંગળ ગ્રહની માટી જેવો દેખાય છે. તેમાં કેટલાક ભાગોમાં કાચ જેવી પરત છે. તેનો ૨૧.૨ ટકા ભાગ માસ્કેલિનાઇટ (એક પ્રકારનો કાચ), પાયરોક્સીન અને ઓલિવાઇન જેવા ખનિજોનો બનેલો છે.આ ઉલ્કાપિંડનો એક નાનો ટુકડો શાંઘાઈ એસ્ટ્રોનોમી મ્યુઝિયમમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાં વૈજ્ઞાનિકોએ તપાસ કરીને ખાતરી કરી કે તે મંગળ ગ્રહ પરથી આવ્યો છે.