Get The App

ઝકરબર્ગે રજૂ કરેલા પ્રોટોટાઇપ ઓરિયન ગ્લાસ નથી ખરીદવા? તો આ વિયરેબલ ગેજેટ્સ ખરીદી શકાય

Updated: Sep 26th, 2024

GS TEAM


Google News
Google News
ઝકરબર્ગે રજૂ કરેલા પ્રોટોટાઇપ ઓરિયન ગ્લાસ નથી ખરીદવા? તો આ વિયરેબલ ગેજેટ્સ ખરીદી શકાય 1 - image


Wearable Gadgets: માર્ક ઝકરબર્ગની કંપની મેટા દ્વારા ઓરિયન AR ગ્લાસ લોન્ચ કરવામાં આવ્યા છે. આ એક પ્રોટોટાઇપ છે એટલે કે એને ગ્રાહક નહીં ખરીદી શકે. મોટી-મોટી કાર કંપનીઓ જે રીતે પ્રોટોટાઇપ બનાવીને ઓટો એક્સપોમાં રજૂ કરે છે એ જ રીતે મેટાએ પણ પ્રોટોટાઇપ બનાવ્યું છે. આ પ્રોટોટાઇપ પર છેલ્લા દસ વર્ષથી કામ ચાલી રહ્યુ હતું.

કેમ ગ્રાહકોને નહીં મળે?

આ ચશ્મા ગ્રાહકો નહીં ખરીદી શકે એ માટેનું કારણ એ છે કે ટૅક્નોલૉજીમાં હજી ઘણી વસ્તુનો સમાવેશ કરવામાં આવશે અને એના પર કામ ચાલી રહ્યુ છે. મેટા કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ અને મેટાના ઇનવેસ્ટર્સને આ ચશ્માનો ઉપયોગ કરવા માટે આપવામાં આવશે. આ ચશ્મામાં શું પ્રોબ્લેમ છે અને એમાં શું સુધારા-વધારા કરી શકાય એ જોવામાં આવશે. તેમ જ આ ચશ્મામાં લર્નિંગ ટૅક્નોલૉજી છે એટલે તે પોતે કેવી રીતે કામ કરવું એ શીખશે. આથી એ યોગ્ય છે કે નહીં અને એના પર રિસ્ટ્રીક્શન લગાવવું કેટલું જરૂરી છે એ ચકાસવામાં આવશે.

શું કરી શકે છે ઓરિયન AR ગ્લાસ?

ઓરિયનમાં 70-ડિગ્રી ફીલ્ડ વ્યુ છે. મેટા અનુસાર ચશ્મામાં આ અત્યાર સુધીનું સૌથી વધુ ફીલ્ડ વ્યુ છે. આ ચશ્મા દ્વારા મલ્ટી-ટાસ્ક કરવા માટે વિન્ડો ઓપન કરી શકાશે. એન્ટરટેઇનમેન્ટ માટે મોટી સ્ક્રીન તો લોકો સાથે વાત કરવા માટે હોલોગ્રામ પણ બની શકે છે. એટલે કે કોઈ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તે આપણી સામે ઊભી રહીને કરતી હોય એ પ્રકારનું દેખાશે. સાયન્સ ફિક્શન ફિલ્મો સ્ટારવોર્સ અને અવેન્જર્સમાં આવું ઘણી વાર જોવા મળ્યું છે. આ સાથે જ કોઈનો મેસેજ આવ્યો હોય તો એ નાની પોપ-અપ વિન્ડોમાં જોવા મળશે અને જેસ્ચરની મદદથી રિપ્લાય પણ આપી શકાશે.

ઝકરબર્ગે રજૂ કરેલા પ્રોટોટાઇપ ઓરિયન ગ્લાસ નથી ખરીદવા? તો આ વિયરેબલ ગેજેટ્સ ખરીદી શકાય 2 - image

વિયરેબલ ગેજેટ્સ

મેટા દ્વારા ઓરિયન ગ્લાસ તો યુઝર નહીં ખરીદી શકે. જો કે એક તરફ મેટા હવે વિયરેબલ ગેજેટ્સ તરફ આગળ વધી રહી છે ત્યારે માર્કેટમાં સ્માર્ટ ગ્લાસ અને સ્માર્ટ વોચ-ફોન પહેલેથી ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: જેમ્સ બોન્ડની કારની જેમ કામ કરશે ટેસ્લા: ઓર્ડર આપતાં પાર્કિંગમાંથી માલિક પાસે ઓટોમેટિક આવી જશે

સ્માર્ટ ગ્લાસ: મેટા અને રે-બન કંપનીએ સાથે મળીને રે-બન મેટા ગ્લાસ બનાવ્યા છે. અમેરિકામાં આ ચશ્માની શરુઆત 300 ડૉલરથી થાય છે. ત્યાર બાદ ચશ્માની સ્ટાઇલ અનુસાર પૈસા અલગ અલગ છે. આ ચશ્મામાં બાર મેગાપિક્સલનો કેમેરા છે. એ કેમેરા ફોટોગ્રાફીની સાથે વીડિયો કોલ પણ કરશે. તેમ જ લાઇવ સ્ટ્રીમિંગ પણ એના દ્વારા કરી શકાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જે-તે જાણીતી બિલ્ડિંગ માટેની માહિતી પૂછતા એ વિશેની તમામ વિગત યુઝરને કાનમાં મળી જશે. એમાં બે સ્પીકર છે અને બન્ને કાન પાસે છે. એની મદદથી એન્ટરટેઇનમેન્ટ માટે મ્યુઝિક અને વીડિયો બન્ને જોઈ શકાશે. તેમ જ હવે લાઇવ સ્પીચ ટ્રાન્સલેશન અને કાર પાર્ક ક્યાં કરી છે જેવા ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સામે કોઈ સવાલ દેખાયો હોય તો એનો જવાબ પણ સરળતાથી મળી શકશે.

ઝકરબર્ગે રજૂ કરેલા પ્રોટોટાઇપ ઓરિયન ગ્લાસ નથી ખરીદવા? તો આ વિયરેબલ ગેજેટ્સ ખરીદી શકાય 3 - image

સ્માર્ટ વોચ-ફોન: સ્માર્ટ વોચ-ફોન એટલે કે સ્માર્ટ વોચના તમામ ફીચર હોય છે, પરંતુ એમાં મોબાઇલની જેમ સીમ કાર્ડ પણ નાખી શકાય છે. આ માટે મોબાઇલ સાથે રાખવાની જરૂર નથી પડતી. સ્માર્ટ વોચ જ મોબાઇલ હોય છે. આ માટે ઘણાં ચાઇનાના વોચ-ફોન ઉપલબ્ધ છે. જો કે હાલમાં ઇન્ડિયાની ફાયર-બોલ્ટ દ્વારા ક્લિક સ્માર્ટ વોચ-ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ વોચમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે. એમાં 4G નેનો સીમ કાર્ડની સાથે બે મેગાપિક્સલનો કેમેરા આવે છે. એમાં ઇન બિલ્ટ GPS અને વાય-ફાય પણ છે. પ્લે સ્ટોરમાંથી ગેમ ડાઉનલોડ કરીને સબવે સર્ફર જેવી ગેમ રમી શકાશે. તેમ જ ઝોમેટો પરથી ફૂડ પણ ઑર્ડર કરી શકાશે અને ટેક્સી પણ બોલાવી શકાશે. કેમેરાની મદદથી સ્કેન કરીને પેમેન્ટ પણ થઈ શકશે અને લાઇવ સ્ટ્રીમિંગ પણ કરી શકાશે. બે જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ સાથે આ વોચની કિંમત 5,999 છે અને ચાર જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે આ વોચની કિંમત 6,499 છે.

Tags :