Science & Technology

મહત્ત્વના એકાઉન્ટની એક્સેસ ગુમાવી બેઠા ?

By GS TEAM
5 Jul 20254 mins read
મહત્ત્વના એકાઉન્ટની એક્સેસ ગુમાવી બેઠા ?

આપણે પોતાના જ એકાઉન્ટમાં લોગ ઇન ન થઈ શકીએ, ત્યારે અજાણ્યાની મદદ લેવામાં જોખમ છે

તમે તમારે માટે મહત્ત્વના કોઈ પણ એકાઉન્ટ જેમ કે ગૂગલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વગેરેની એક્સેસ ભૂલેચૂકે ગુમાવી દો તો તમારે માટે જીવવું મુશ્કેલ બની જાય! આ સમસ્યા કેમ ઉકેલવી તેના ઉપાયો શોધવા માટે તમે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કરો. એ પછી બને એવું કે ગૂગલ સર્ચમાં તથા વિવિધ સોશિયલ સાઇટ્સ પર તમને ‘એકાઉન્ટ રિકવરીની સકસેસ સ્ટોરી’નાં ઉદાહરણો દેખાવા લાગે. આ બધામાં લગભગ એકસરખી પેટર્ન હોય. જુદા જુદા યૂઝરે તમારા જેવી તેમની તકલીફ વર્ણવી હોય. તેઓ કેવી રીતે ગૂગલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વગેરેમાં લોગઇન થઈ શકતા નહોતા અને પછી કોઈ એક્સપર્ટ કે કંપનીએ તેમને કેવી રીતે મદદ કરી અને એકાઉન્ટ રિકવર કરી આપ્યું એની વાતો એ પોસ્ટમાં લખી હોય. સાથે એ વ્યક્તિ કે કંપનીની સંપર્ક વિગતો પણ આપી હોય. આપણે પોતે પોતાના એકાઉન્ટની એક્સેસ ફરી મેળવવા માટે એટલા અધીરા થયા હોઇએ કે એ પોસ્ટમાં જણાવેલી વ્યક્તિ કે કંપનીનો સંપર્ક કરવાનું મન થઈ આવે. 

ભૂલેચૂકે આપણે તેમનો સંપર્ક કરીએ તો એ વ્યક્તિ કે કંપની આપણા એકાઉન્ટ સંબંધિત કેટલીક મહત્ત્વની વિગતો માગે અને પછી એકાઉન્ટ રિકવર કરી આપવા માટે અમુક રકમની માગણી કરે. 

તમે સમજી જ ગયા હશો કે આ આખી વાત બિલકુલ તરકટી હોય છે. આપણે પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવી બેસીએ અને કોઈ વ્યક્તિ કે કંપની તેને રિકવર કરી આપવાનું પ્રોમિસ કરે એ બંને વચ્ચે સીધો કોઈ સંબંધ હોતો નથી. એ જ વ્યક્તિ કે કંપનીએ આપણા એકાઉન્ટ પર કબજો જમાવી દીધો હોય તેવું હોતું નથી. આપણે એકાઉન્ટની એક્સેસ ગુમાવી દઇએ તેનાં જુદાં જ કારણો હોઈ શકે. પરંતુ આખી દુનિયામાં જુદા જુદા અનેક લોકો, જુદાં જુદાં અનેક કારણોસર, મોટા ભાગે તેમની પોતાની ભૂલોને કારણે મહત્ત્વના એકાઉન્ટની એક્સેસ ગુમાવી દેતા હોય છે. એ જ કરાણે આવા લોકોને ‘મદદ કરવાનો ધંધો’ પણ પૂરબહારમાં ખીલ્યો છે. 

આપણું એકાઉન્ટ રિકવર કરી આપવાનું પ્રોમિસ આપતી વ્યક્તિ કે કંપનીને તે માગે એ રૂપિયા આપણે ચૂકવી આપીએ અને સાથોસાથ પોતાના એકાઉન્ટનું યૂઝરનેમ તથા છેલ્લો યાદ રહેલો પાસવર્ડ જેવી મહત્ત્વની વિગતો પણ આપીએ તો બે જ શક્યતા રહે છે. આપણે એકાઉન્ટ રિકવર કરવાની ફી પેટે ચૂકવેલા રૂપિયા ગુમાવીશું. ઉપરાંત એ જ યૂઝરનેમ અને પાસવર્ડનો બીજા કોઈ એકાઉન્ટમાં પણ ઉપયોગ કર્યો હશે તો તેની એક્સેસ પણ જોખમમાં મુકાઈ જશે. 

આમ થવાનું કારણ સાવ સાદું છે. આપણે જ્યારે પણ કોઈ પણ એકાઉન્ટની એક્સેસ ગુમાવીએ ત્યારે ફક્ત આપણે જ તેને રિકવર કરવાના પ્રયાસ કરી શકીએ. બીજી કોઈ વ્યક્તિ કે કંપની તેમાં કશું કરી શકતી નથી. કેમ કે પેલા ઓનલાઇન એકાઉન્ટની સર્વિસ આપણી ઓળખ સાબિત કરવા માટે આપણા ફોન નંબર કે અન્ય ઇમેઇલ એકાઉન્ટ કે જન્મ તારીખ જેવી વિગતો અથવા પહેલેથી સેટ કરેલા સિક્રેટ ક્વેશ્ચન્સના જવાબો વગેરે પૂછે. એ બધી વાતોના ફક્ત આપણે જ જવાબ આપી શકીએ. કેમ કે એકાઉન્ટ રિકવર કરવાની પ્રોસેસ મૂળભૂત રીતે આપણી પોતાની ઓળખ સાબિત કરવા માટે ડિઝાઇન થયેલી છે. આ કામમાં બીજી કોઈ વ્યક્તિ કે કંપની આપણી મદદ કરી શકે નહીં. ઉલટાનું, એમની મદદ લેવા જતાં આપણે અન્ય સંવેદનશીલ માહિતી પણ તેમને આપી બેસીએ. 

તમારી ખરેખર નજીકની કોઈ વ્યક્તિ હોય, જે ઓનલાઇન સર્વિસિસની બધી આંટીઘૂંટી સમજતી હોય, તમે એ વ્યક્તિ પર પૂરો ભરોસો મૂકી શકતા હો તો જ એની મદદ લઈ શકાય. ત્યારે પણ, એ વ્યક્તિ તેમના નહીં, પણ તમારા પોતાના ડિવાઇસમાંથી એકાઉન્ટ રિકવર કરવાનો પ્રયાસ કરે એ મહત્ત્વનું છે. કેમ કે આપણા એકાઉન્ટ માટે કોઈ અજાણ્યા લોકેશન કે ડિવાઇસમાંથી તેને રિકવર કરવાનો પ્રયાસ થાય, તો પેલી સર્વિસ તેને પણ હેકિંગનો પ્રયાસ ગણી લે અને એકાઉન્ટ રિકવરી વધુ મુશ્કેલ બની જાય એવું બની શકે છે.

આ જ કારણે આપણે પોતાને માટે મહત્ત્વના ફોનનું એકાઉન્ટની એક્સેસ ગુમાવીએ નહીં એ માટે તેમાં આપેલા રિકવરી ઓપ્શન બરાબર સમજવા અને પહેલેથી સેટ કરવા જરૂરી છે. લગભગ તમામ ઓનલાઇન સર્વિસ આપણા એકાઉન્ટની રિકવરીમાં મદદ થઈ શકે તે માટે આપણા પોતાના ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ ઉપરાંત આપણો પોતાનો કે નજીકની વ્યક્તિનો ફોન નંબર તથા ઇમેઇલ એડ્રેસ પૂછે છે. આ વ્યવસ્થા આપણી જાસૂસી માટે નહીં પરંતુ આપણાં જ એકાઉન્ટની વધુ સલામતી માટે હોય છે. એ આપવામાં કશું જોખમ નથી.

છેલ્લે સૌથી મહત્ત્વની વાત - અગત્યના ઓનલાઇન એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેનને લાભ મળતો હોય અને તમે તેનો ઉપયોગ કરો તો પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવવાની નોબત ક્યારેય આવશે નહીં!