Science & Technology

સારા લેપટોપની શોધમાં છો ? જરા 'ઊંચું' મોડેલ તપાસી જુઓ !

By GS TEAM
10 Aug 20252 mins read
સારા લેપટોપની શોધમાં છો ? જરા 'ઊંચું' મોડેલ તપાસી જુઓ !

તમારું બધું કામકાજ સતત સ્માર્ટફોન અને લેપટોપ વચ્ચે વહેંચાયેલું રહે છે? તો ઓફિસના ટેબલ પર તમને ત્રીજા સ્ક્રીનની પણ જરૂર પડતી હશે, જે લેપટોપની બાજુમાં ગોઠવાઈ શકે! કમ્પ્યૂટર-ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરતા લોકો હંમેશાં લેપટોપ કે પીસીના મોનિટર ઉપરાંત તેમાં વધારાના મોનિટર કનેક્ટ કરતા હોય છે. કેટલાક લોકો તો મૂળ મોનિટરની બંને બાજુ વર્ટિકલ મોનિટર અને પાછળની બાજુ ઉપર, ત્રીજું મોનિટર પણ ગોઠવીને સ્પેશિયલ વર્કસ્ટેશન સેટઅપ કરતા હોય છે.

એ કદાચ વધુ પડતું કહેવાય, પણ ૧૪ કે ૧૬ ઇંચનો લેપટોપનો સ્ક્રીન તમને નાનો પડી જ શકે અને ત્યારે બીજો મોનિટર એકદમ ઉપયોગી થાય. એક વાર તમને ડબલ મોનિટરમાં કામ કરવાની ટેવ પડે પછી એ સહેલાઈથી છૂટે નહીં. પરંતુ આવી જાહોજલાલી ઓફિસ કે ઘરના ટેબલ પર મળે, લેપટોપ લઈને બહાર જાઓ ત્યારે?

એનો ઉપાય લીનોવો કંપનીએ વર્ષ ૨૦૨૨માં સૂચવ્યો હતો - શટરની જેમ ઉપરની તરફ ખેંચીને મોટું કરી શકાય એવા સ્ક્રીનવાળું લેપટોપ! ટેક વર્લ્ડ ૨૦૨૨માં કંપનીએ આ લેપટોપ ફક્ત એક કન્સેપ્ટ તરીકે રજૂ કર્યું હતું. હવે તે વાસ્તવિકતા બન્યું છે અને વેચાવા માટે માર્કેટમાં આવી ગયું છે.

આ લેપટોપ પહેલી નજરે ૧૪ ઇંચના સ્ક્રીન ધરાવતા લેપટોપ જેવું જ છે. યૂઝરને વધુ મોટા સ્ક્રીનની જરૂર લાગે તો એક બટન દબાવતાં, સ્ક્રીન ઉપરની તરફ મોટો થતો જાય છે! ધ્યાન આપજો, આ બે સ્ક્રીન નથી, એક જ સપાટી પરનો સ્ક્રીન છે! રસ પડ્યો હોય તો ઇન્ટરનેટ કે યુટ્યૂબ પર સર્ચ કરી જુઓ ThinkBook Plus Gen 6 Rollable (14-16″ Intel) Laptop. કિંમત છે ૩,૨૯૯ ડોલર, રૂપિયા માટે બે મીંડાં ઉમેરી દો!