લો, હવે વિકિપીડીયામાં પણ ઉપયોગ થશે એઆઈ
કોઈ પણ બાબત અંગે આપણે વિગતવાર માહિતી જોઇતી હોય તો મોટા ભાગે આપણે અનેક
લોકોના ફેવરિટ સ્રોત વિકિપીડિયા તરફ વળીએ છીએ. જેમ કે હમણાં ચર્ચામાં રહેલાં સિંધુ
જળ સમજૂતિ કે પછી િશમલા કરાર જેવા વિષયની વિગતવાર માહિતી જોઇતી હોય તો વિકિપીડિયા
પર તેની અત્યંત વિસ્તૃત માહિતી મળી શકે. હવે સમાચાર છે કે વિકિપીડિયાનું સંચાલન
કરતા વિકિમીડિયા ફાઉન્ડેશને વિકિપીડિયામાં સત્તાવાર રીતે આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
આપણે જાણીએ છીએ કે વિકિપીડિયા પરના લેખ કોઈ પણ વ્યક્તિ એડિટ કરી શકે છે. આ
કારણે વિકિપીડિયા પરના લેખોની વિશ્વસનીયતા જોખમાય છે, પરંતુ સામે પક્ષે દરેક લેખમાંની વિગતોની ચોકસાઈ જળવાઈ રહે એ માટે વિકિપીડિયાએ
એડિટર્સની એક વિશાળ ફોજ તૈયાર કરી છે. આ એડિટર્સ મોટા ભાગે જે તે વિષયના નિષ્ણાત
હોય છે અને તેઓ વિકિપીડિયા તરફથી કોઈ રકમ મેળવ્યા વિના તેના પરના અનેક લેખોમાં કોઈ
ભૂલ જણાય તો ઝડપથી સુધારતા રહે છે.
આ આખી વ્યવસ્થા ધીમે ધીમે એટલી સચોટ બની છે કે વિકિપીડિયા પરના કોઈ લેખમાં
ઇરાદાપૂર્વક છેડછાડ કરવામાં આવે (એવું ઘણી વાર બનતું હોય છે) તો ગણતરીની
સેકન્ડ્સમાં નિષ્ઠાવાન એડિટર્સ એ બાબતો સુધારી લે છે.
અત્યારે મળતી માહિતી અનુસાર વિકિપીડિયા તેના લેખોમાંની ભૂલો સુધારવા માટે
એઆઇની મદદ લેશે. વિકિમીડિયા ફાઉન્ડેશને આવતાં ત્રણ વર્ષમાં તે આઇનો કેવી રીતે
ઉપયોગ કરવા માગે છે તેનો વિસ્તૃત પ્લાન તૈયાર કર્યો છે.
આમ જુઓ તો વિકિપીડિયાએ આમ કર્યા વગર છૂટકો પણ નથી. અત્યારે વિવિધ ચેટબોટ્સ
એટલા સ્માર્ટ બની ગયા છે કે જો આપણે તેને યોગ્ય રીતે પ્રશ્ન પૂછીએ તો તે આંખના
પલકારામાં વિકિપીડિયા જેટલો જ વિસ્તૃત જવાબ તૈયાર કરી આપી શકે છે. એટલું નહીં
વિકિપીડિયાની જેમ જ વિવિધ માહિતી ક્યા સ્રોતમાંથી લેવામાં આવી છે તે પણ આપણને
બતાવી શકે છે. આ લેખ રેડીમેડ નહીં, આપણા સવાલ અનુસાર કસ્ટમાઇઝ્ડ
હોય છે!
અત્યારે વિવિધ ક્ષેત્રમાં, ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએશનના
ક્ષેત્રમાં એઆઇને કારણે લોકો નોકરી ગુમાવી રહ્યા છે, પરંતુ વિકીપીડિયામાં એઆઇને કારણે હ્યુમન એડિટર્સની મદદ બંધ કરવાનું કોઈ આયોજન નથી.