તમારાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ લિંક કર્યા છે ?
જો તમે સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ હો તો એવી પૂરી શક્યતા છે કે તમે
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર એક્ટિવ હશો. એવું પણ બને કે તમે બંને પર લગભગ
સરખું કન્ટેન્ટ પોસ્ટ કરતા હશો! ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ ખરીદી લીધી ત્યારથી આ
બંને પ્લેટફોર્મ સતત એકમેકની નજીક આવી રહ્યાં છે.
જો તમે ડિજિટલ માર્કેટિંગમાં એક્ટિવ હો તો ફેસબુક એકાઉન્ટથી તમે ફેસબુક અને
ઇન્સ્ટાગ્રામ બંને પ્લેટફોર્મ પરની તમારી એડ્સ મેનેજ કરી શકો છો. એ જ રીતે સરેરાશ યૂઝર
પણ પોતાનું કન્ટેન્ટ બંને પ્લેટફોર્મ પર સહેલાઈથી શેર કરી શકે છે - કોઈ એક જ
પ્લેટફોર્મ પર તેને પોસ્ટ કરીને.
આપણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનેે ફેસબુક એકાઉન્ટ સાથે લિંક કરવાનાં
સ્ટેપ્સ સમજીએ. એપલની આઇઓએસ અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ માટે આ પ્રક્રિયા લગભગ
સરખી જ છે. તે માટે તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને તેમાં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, પ્રોફાઇલ સ્ક્રીન પર જાઓ. તેમાં જમણી તરફ ઉપર દેખાતી ત્રણ લાઇન પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. તેમાં નીચેની તરફ એકાઉન્ટનો વિકલ્પ જોવા મળશે. અહીં લિંક્ડ એકાઉન્ટ અથવા શેરિંગ ટુ અધર એપ્સનો વિકલ્પ જોવા મળશે. તેમાં
ફેસબુકનો વિકલ્પ મળશે (બીજા વિકલ્પો પણ તપાસી જુઓ!). ફેસબુક પર ક્લિક કરતાં આપણે
ફેસબુકમાં લોગ-ઇન થવું પડશે. આટલું કરતાં આપણાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ
લિંક થઈ જશે. હવે ઇન્સ્ટાગ્રામના સેટિંગ્સમાં એકાઉન્ટ લિંક કરવાના પેજ પર તમારું
ફેસબુક એકાઉન્ટનું નામ પણ જોવા મળશે. હવે તમે જ્યારે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર
કંઈક પોસ્ટ કરો તે બીજા પ્લેટફોર્મમાં પણ પોસ્ટ થશે.
હવે પછી તમે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી કે પોસ્ટ કરો ત્યારે તે ફેસબુક
પર ઓટોમેટિકલી શેર થઈ જાય તેવું પણ સેટિંગ કરી શકાય. તે માટે શેર ટુ અધર એપ્સના પેજ પર ફેસબુક ને તમારા
નામ પર ક્લિક કરો. આથી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી કે પોસ્ટને ઓટોમેટિકલી ફેસબુકના
એકાઉન્ટમાં શેર કરવાના ઓપ્શન્સ મળશે. જો તમે ફેસબુકના પર્સનલ પ્રોફાઇલ ઉપરાંત કોઈ
ફેસબુક પેજ પણ ચલાવતા હો તો અહીં તેને પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે.
જો તમે ઇન્સ્ટાગ્રામમાંના જૂના ફોટોગ્રાફ્સ ફેસબુક પર શેર કરવા માગતા હો તો એ
પણ થઈ શકે. એ માટે ફક્ત જે તે ઇમેજ પર ક્લિક કરો અને ઇમેજના મેનૂમાં જવા માટે ત્રણ
ડોટ પર ક્લિક કરો. અહીં તે ઇમેજ શેર કરવાનું ઓપ્શન મળશે. ઇમેજ ફેસબુક પર શેર થશે
તો આખી ઇમેજ તરીકે શેર થશે પરંતુ અન્ય એપ્સમાં એ ઇમેજ ઇન્સ્ટાગ્રામની લિંક તરીકે
શેર થશે!