ઝડપથી ફેલાઈ રહ્યુ છે 'પ્રકાશ પ્રદૂષણ', રાત્રિના આકાશ વિશે વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી 2023 શનિવાર
રાતનું આકાશ અમુક વર્ષો બાદ આપણને દેખાવાનું બંધ થઈ જશે. વર્ષ 2011થી 2022ની વચ્ચે રાતના આકાશની બ્રાઈટનેસમાં 7થી 10 ટકાનો ઘટાડો થયો છે. જમીનને પ્રકાશિત કરી રહેલી માનવ નિર્મિત રોશની આકાશને ધૂંધળુ કરતી જઈ રહી છે. આ ખુલાસો સમગ્ર દુનિયામાં કરવામાં આવેલા એક સ્ટડીના દ્વારા સામે આવ્યો છે.
રાતનું આકાશ ધીમે-ધીમે પોતાની સુંદરતા ગુમાવી રહ્યુ છે. આનું કારણ છે પ્રકાશ પ્રદૂષણ. સમગ્ર દુનિયાને રોશન કરવાના ચક્કરમાં આપણે આપણા આકાશને ગુમાવી દઈશુ. કારણ કે વધતા લાઈટ પોલ્યુશનના કારણે આપણી આંખો અને વાયુમંડળની વચ્ચે રોશનીનું પરાવર્તન ખૂબ વધારે થઈ રહ્યુ છે. તેથી આપણીનજરને આકાશ ધૂંધળુ જોવા મળે છે. તારા જોવા મળતા નથી. આકાશમાં તારાને જોવાનું પ્રમાણ ઓછુ થતુ જઈ રહ્યુ છે.
આ બાબતની સ્ટડી માટે ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને પસંદ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર દુનિયાના 19 હજાર લોકેશનથી 29 હજાર લોકોને પૂછવામાં આવ્યુ કે તમને રાત્રે આકાશ સ્પષ્ટ જોવા મળે છે કે નહીં. છેલ્લા એક દાયકાથી અત્યાર સુધી કેટલો ફરક પડ્યો છે. તો સમગ્ર દુનિયાના સિટિજન સાયન્ટિસ્ટે આનો જવાબ મોકલ્યો. જે બાદ લાઈટ પોલ્યુશનનો આ રિપોર્ટ બનાવવામાં આવ્યો. જેમાં જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા એક દાયકામાં પૃથ્વી પર પ્રકાશ પ્રદૂષણ ખૂબ વધી ગયુ છે. આનાથી રાતના આકાશનું સ્પષ્ટ દેખાવુ 7થી 10 ટકા ઓછુ થઈ ગયુ છે.
જ્યાં પ્રદૂષણ ઓછુ ત્યાં તારા વધુ જોવા મળે છે
અત્યારની સ્થિતિ એ છે કે જો તમે ઓછા પ્રદૂષણવાળા સ્થળે જાવ તો તમને આકાશમાં ખૂબ તારા જોવા મળે છે પરંતુ કોઈ શહેરમાં જતા જ આ ઓછા થઈ જાય છે. હકીકતમાં તે ઓછા થતા નથી. તમને હવા અને પ્રકાશ પ્રદૂષણના કારણે ઓછા દેખાય છે. માનવીઓ દ્વારા બનાવવામાં આવેલી રોશનીથી ધરતી પર ચારે તરફ લાઈટ રિફ્લેક્શન એટલુ વધારે થઈ રહ્યુ છે કે આપણી આંખોથી આકાશના તારાનું ધૂંધળુ થઈ જવુ કે ન દેખાવુ સ્વાભાવિક છે.