Science & Technology

સમુદ્રમાં 31,000 ફૂટની ઊંડાઈએ એવું મળ્યું કે વિજ્ઞાનજગત વિસ્મયમાં પડ્યું! સૂર્યપ્રકાશ વિના જીવન અશક્ય હોવાની થિયરી ખોટી પડી

By GS TEAM
2 Aug 20253 mins read
TukuTouch Logo
Life Found 31,000 Feet Deep Without Sunlight : પેસિફિક મહાસાગરના એક અજાણ્યા અને પહેલાં ક્યારેય ન ખંખોળાયેલા ખૂણામાં કરવામાં આવેલ સંશોધન અભિયાન દરમિયાન વિજ્ઞાનીઓને એક અનોખું જીવજગત મળી આવ્યું છે. અહીં સૂર્યપ્રકાશનો અણસાર પણ ન હોવા છતાં જીવન એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ સાથે પાંગર્યું છે. પૃથ્વી પર આવું જીવજગત મળી આવતાં વિજ્ઞાનીઓ હવે વિચારી રહ્યા છે કે શું પૃથ્વીની બહાર પણ આવું જીવન શક્ય હોઈ શકે?

Summarized by AI; it may make mistakes. Check important info

સમુદ્રમાં 31,000 ફૂટની ઊંડાઈએ એવું મળ્યું કે વિજ્ઞાનજગત વિસ્મયમાં પડ્યું! સૂર્યપ્રકાશ વિના જીવન અશક્ય હોવાની થિયરી ખોટી પડી

Life Found 31,000 Feet Deep Without Sunlight : પેસિફિક મહાસાગરના એક અજાણ્યા અને પહેલાં ક્યારેય ન ખંખોળાયેલા ખૂણામાં કરવામાં આવેલ સંશોધન અભિયાન દરમિયાન વિજ્ઞાનીઓને એક અનોખું જીવજગત મળી આવ્યું છે. અહીં સૂર્યપ્રકાશનો અણસાર પણ ન હોવા છતાં જીવન એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ સાથે પાંગર્યું છે. પૃથ્વી પર આવું જીવજગત મળી આવતાં વિજ્ઞાનીઓ હવે વિચારી રહ્યા છે કે શું પૃથ્વીની બહાર પણ આવું જીવન શક્ય હોઈ શકે?

સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પાંગરેલું જીવજગત

ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ચાઇનીઝ એકેડેમી ઑફ સાયન્સની એક વિશેષ ટીમે સંશોધન અભિયાન આદર્યું હતું, જે દરમિયાન જાપાન અને અલાસ્કા વચ્ચે લગભગ 31000 ફૂટની ઊંડાઈએ તેમને સમુદ્રના તળિયે એવા જીવો મળી આવ્યા જેમણે ક્યારેય સૂર્યપ્રકાશ જોયો જ નથી. એવા જીવો જે પ્રકાશ વિના સંપૂર્ણ પોષણશ્રેણી વિકસાવી શકે છે. વાત અવિશ્વસનીય લાગે એવી છે. નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ શોધ વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટું આશ્ચર્ય બની ગઈ છે.


પ્રકાશ સંશ્લેષણને બદલે આ રીતે જીવજગત ટકી રહે છે

જીવજગત માટે પ્રકાશ સંશ્લેષણ (ફોટોસિન્થેસિસ) અનિવાર્ય ગણાત છે, કેમ કે એ પદ્ધતિની મદદથી જ ખોરાક નિર્માણ થાય છે. એના માટે સૂર્યપ્રકાશ અને ઓક્સિજન જેવા તત્વોની હાજરી જરૂરી છે. જોકે, હાલમાં મળી આવેલા જીવજગતના સજીવો ફોટોસિન્થેસિસને બદલે કેમોસિન્થેસિસ નામની એક ખાસ પ્રક્રિયાથી પોષણ મેળવે છે. આ પ્રક્રિયા અંતર્ગત, સૂક્ષ્મ જીવો મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા રસાયણોને કાર્બનિક પદાર્થોમાં પરિવર્તિત કરે છે. એ રીતે સૂર્યપ્રકાશ વગર પણ ખાદ્યશૃંખલાનું સર્જન થાય છે. 

ટાઇટેનિક કરતાંય વધુ ઊંડાણમાં વસેલું છે આ રહસ્યમય જગત

કેમોસિન્થેસિસ આધારિત જીવન પૃથ્વી પર આ પહેલાં ક્યારેય શોધાયું ન હતું. 31000 ફૂટ એટલે લગભગ 9500 મીટર! ટાઇટેનિક જહાજનો ભંગાર પેસિફિક મહાસાગરમાં 12500 ફૂટની ઊંડાઈએ પડ્યો છે, જ્યાં પહોંચવું અત્યંત અઘરું છે. તો વિચારો કે એના કરતાં અઢી ગણી ઊંડાઈએ સંશોધકો કઈ રીતે પહોંચ્યા હશે? 

બહુ થોડાં સંશોધન જહાજો આટલી ઊંડાઈ સુધી જઈ શકે છે

સાગરતળિયે પાણીનું દબાણ એટલું વધારે હોય છે કે ભલભલી સમમરીન પણ અમુક ઊંડાઈએ ગયા પછી ભાંગીને ભુક્કો થઈ જાય. તેથી આ અભૂતપૂર્વ ઊંડો ખૂણો ખંખોળવા માટે વિજ્ઞાનીઓએ ‘ફેન્ડોઝેન’ નામના વિશિષ્ટ સબમર્સિબલ વ્હીકલનો સહારો લીધો હતો. સંશોધન દરમિયાન જે દૃશ્ય સામે આવ્યું હતું તે જાણે કોઈ કાલ્પનિક વિજ્ઞાન કથા જેવું હતું. માનવજાતે કદી ન જોયેલા જીવો, ટ્યુબવોર્મ્સ અને વિશાળ દરિયાઈ ગોકળગાયોની પુષ્કળ વસ્તી અંધકારભર્યા સાગરજળમાં વિકાસ પામી છે.

તો શું આવું જીવજગત બ્રહ્માંડમાં બીજે પણ હોઈ શકે?

આ શોધ પછી એવો પ્રશ્ન ઊભો થયો છે કે શું પૃથ્વીના અન્ય ભાગોમાં પણ આવી ગુપ્ત જીવનશ્રેણીઓ અસ્તિત્વમાં હોઈ શકે? આજ સુધીમાં માનવજાતે માત્ર પાંચ ટકા જેટલાં જ સમુદ્રોનું સંશોધન કર્યું છે, ત્યારે ઉપરોક્ત શક્યતાઓ સાવ નકારી શકાય એમ નથી. અને જો પૃથ્વી પર આવું જીવજગત શક્ય હોય તો, શું અવકાશમાં, કોઈ બીજા ગ્રહો પર પણ આવું જીવન પાંગરેલું ન હોઈ શકે? 

જીવન માટે ‘સૂર્યપ્રકાશ જરૂરી છે’ માન્યતાનું ખંડન થયું 

આ શોધ એ વાતની સાબિતી છે કે જીવન પાંગરવા માટે સૂર્યપ્રકાશ અનિવાર્ય નથી. જીવન અશક્ય જેવા લાગતા માહોલમાં પણ પાંગરી શકે છે. આવા આત્યંતિક વાતાવરણમાં પોષણશ્રેણીનું અસ્તિત્વ એવો સંકેત આપે છે કે કદાચ મંગળ કે યુરોપા જેવા અવકાશીય પિંડો પર પણ જીવન છુપાયેલું હોઈ શકે છે. આ સંશોધન ભવિષ્યના અવકાશ અને સાગર સંશોધન અભિયાનો માટે દિશાસૂચક બની શકે છે.