| Image Source - meta.com And globalindian.com |
WhatsApp New Head : WhatsApp New Head: ટેક જગતમાંથી એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 7 વર્ષથી મેટાની લોકપ્રિય મેસેજિંગ એપ 'વોટ્સએપ' (WhatsApp)નું નેતૃત્વ કરી રહેલા વિલ કેથકાર્ટે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મેટા કંપનીના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક એવા વિલ કેથકાર્ટના કાર્યકાળ દરમિયાન વોટ્સએપના યુઝર્સની સંખ્યા 3 અબજ (300 કરોડ)ને પાર પહોંચી ગઈ છે. તેમણે યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષાને મજબૂત કરવા માટે પણ મોટું યોગદાન આપ્યું છે. આ સાથે જ જાહેરાત કરાઈ છે કે, વોટ્સએપના હેડ એટલે કે નવા ગ્લોબલ સીઈઓ તરીકે ભારતીય મૂળના એન્જિનિયર કુણાલ શાહની નિમણૂક કરાશે.
હાઈ પ્રોફાઈલ લીડરશિપની મહત્ત્વની ઘટના
ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીમાં કોઈ ભારતીય ઉદ્યોગસાહસિકની અત્યાર સુધીની સૌથી હાઈ-પ્રોફાઈલ નેતૃત્વ પરિવર્તન પૈકીની એક ઘટનામાં, ક્રેડ (CRED)ના ફાઉન્ડર કુણાલ શાહ હવે વૈશ્વિક સ્તરે વોટ્સએપનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. મેટા કંપનીએ જાહેરાત કરી છે કે કુણાલ શાહ વોટ્સએપના આગામી હેડ બનશે. તેઓ વિલ કેથકાર્ટનું સ્થાન લેશે, જેઓ 2019થી આ મેસેજિંગ પ્લેટફોર્મનું નેતૃત્વ કરી રહ્યા છે. આ નિમણૂક એવા સમયે થઈ રહી છે જ્યારે વોટ્સએપ માત્ર એક મેસેજિંગ એપ કરતાં ઘણું આગળ નીકળી ચૂક્યું છે. વિશ્વભરમાં 3 અબજથી વધુ યુઝર્સ અને પેમેન્ટ્સ, બિઝનેસ મેસેજિંગ તેમજ એઆઈ આધારિત ફીચર્સની આસપાસ વધી રહેલા બિઝનેસ સાથે આ પ્લેટફોર્મ હવે તેના વિસ્તરણના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. મેટાનું માનવું છે કે એક સ્થાપક અને પ્રોડક્ટ બિલ્ડર તરીકેનો કુણાલ શાહનો અનુભવ તેમને આ સફરનું નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ બનાવે છે.
ઝુકરબર્ગે કર્યા કુણાલ શાહના વખાણ
મેટાના જણાવ્યાનુસાર, કુણાલ શાહ લોકો પોતાના રોજિંદા જીવનમાં વોટ્સએપનો ઉપયોગ કેવી રીતે કરે છે તેની ઊંડી સમજ ધરાવે છે, સાથે જ તેઓ કંપનીની બહારથી એક નવો દ્રષ્ટિકોણ પણ લાવશે. ભારત, જે વોટ્સએપનું સૌથી મોટું માર્કેટ છે, તે બિઝનેસ મેસેજિંગ અને પેમેન્ટ્સ માટે આ એપના સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક બની ગયું છે. આ બંને ક્ષેત્રો વોટ્સએપના ભવિષ્યના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. આ નિમણૂકની જાહેરાત કરતા મેટાના CEO માર્ક ઝકરબર્ગે એક ઉદ્યોગસાહસિક તરીકે કુણાલ શાહના ટ્રેક રેકોર્ડના વખાણ કરતા કહ્યું છે કે, ‘કુણાલ શાહ વોટ્સએપના આગામી લીડર તરીકે મેટામાં જોડાશે. કુણાલ શાહે ક્રેડ (CRED)ને ભારતની સૌથી મહત્ત્વની ટેકનોલોજી કંપનીઓમાંથી એક બનાવી છે, અને તેઓ પોતાની સાથે એક મજબૂત માનસિકતા તેમજ વૈશ્વિક પરિપ્રેક્ષ્ય લાવશે જે તેમને વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ ચલાવવામાં ખૂબ મદદરૂપ થશે. અબજો લોકો અને લાખો વ્યવસાયો માટે વોટ્સએપને સર્વશ્રેષ્ઠ સેવા બનાવવાનું ચાલુ રાખવા માટે હું કુણાલ સાથે કામ કરવા આતુર છું.’
ભારતના આદરણીય યુવા ઉદ્યોગસાહસિકો પૈકીના એક
મેટાના ચીફ પ્રોડક્ટ ઓફિસર ક્રિસ કોક્સે જણાવ્યું હતું કે કુણાલ શાહની પસંદગી તેમની પ્રોડક્ટ્સ અંગેની સમજ અને વોટ્સએપ વિશ્વભરના લોકો માટે કેવી રીતે વધુ ઉપયોગી બની શકે છે તે અંગેના તેમના લાંબા સમયના વિચારોને કારણે કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ‘વોટ્સએપના આગામી લીડર તરીકે કુણાલ શાહનું સ્વાગત કરતાં હું ઉત્સાહિત છું. તેઓ ભારતના સૌથી આદરણીય ઉદ્યોગસાહસિકોમાંના એક છે અને આપણે જે એપ્સ બનાવીએ છીએ તે લોકોના જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તે વિશે પ્રભાવશાળી અવાજ ધરાવે છે. આ આગામી યુગમાં વોટ્સએપને માર્ગદર્શન આપવા માટે તેઓ આપણી સાથે છે તે આપણું સદભાગ્ય છે.’
કુણાલ શાહે નાનકડી મૂડીથી સામ્રાજ્ય સર્જ્યું છે
કુણાલ શાહનું મેટામાં આ રીતે જોડાવું તે ક્રેડને ભારતની સૌથી જાણીતી ફિનટેક કંપનીઓમાંથી એક તરીકે સ્થાપિત કરવાના લગભગ એક દાયકાના પરિશ્રમ બાદ થઈ રહ્યું છે. પોતાની આ નવી સફરની જાહેરાત કરતી એક પોસ્ટમાં, તેમણે 2018માં કંપનીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની સફર વિશે વાત કરી હતી. પોતાની મૂડીમાંથી $1 મિલિયન સાથે શરૂઆત કરીને, કુણાલ શાહે ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ચૂકવવા બદલ યુઝર્સને રિવોર્ડ્સ (ઈનામ) આપવાના વિચાર સાથે ક્રેડની સ્થાપના કરી હતી. વર્ષો જતાં, આ પ્લેટફોર્મ 17 મિલિયનથી વધુ મેમ્બર્સ સુધી પહોંચી ગયું અને પેમેન્ટ્સ, ધિરાણ (લેન્ડિંગ), ઈન્સ્યોરન્સ, કોમર્સ, વેલ્થ મેનેજમેન્ટ અને ક્રેડિટ કાર્ડ્સ જેવા ક્ષેત્રોમાં વિસ્તરણ પામ્યું.
ક્રેડ પણ સતત ઊંચાઈઓ સર કરી રહી છે
કુણાલ શાહે જણાવ્યું કે ક્રેડએ તાજેતરમાં જ પહેલો પ્રોફિટેબલ ક્વાર્ટર નોંધાવ્યો છે અને કંપનીની વાર્ષિક આવક શૂન્યથી વધીને અંદાજે $325 મિલિયન (આશરે ₹3,200 કરોડ) પર પહોંચી ગઈ છે. કંપનીએ મેટા જેવા રોકાણકારો પાસેથી $900 મિલિયનથી વધુનું ભંડોળ પણ એકત્ર કર્યું છે અને મલ્ટિપલ ESOP બાયબેક પૂર્ણ કર્યા છે.
આ બદલાવના ભાગરૂપે, કુણાલ શાહ ક્રેડમાં પોતાની ઓપરેટિંગ ભૂમિકાથી દૂર થશે. ક્રેડમાં સ્ટ્રેટેજી અને ફાઇનાન્સનું નેતૃત્વ કરી રહેલા ઉચ્ચ અધિકારી મિતેન સંપત વચગાળાના CEO તરીકેનો હોદ્દો સંભાળશે. કુણાલ શાહ કંપનીમાં શેરહોલ્ડર તરીકે યથાવત્ રહેશે. ડેટા અંગેની ચિંતાઓ દૂર કરતા કુણાલ શાહે સ્પષ્ટતા કરી હતી કે CREDમાં મેટાનું રોકાણ એક માઈનોરિટી ઇન્વેસ્ટર (લઘુમતી રોકાણકાર) તરીકેનું રહેશે અને તેનાથી "મેમ્બર્સના ડેટાનો કોઈ એક્સેસ મળશે નહીં."


