Get The App

જાણો, આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે ?

હાઇપર સોનિક મિસાઇલો અવાજ કરતા પાંચ ગણી ઝડપે ત્રાટકે છે

ચીને હાઇપર સોનિક મિસાઇલનું પરીક્ષણ કરીને ટેન્શન વધાર્યુ છે

Updated: Oct 21st, 2021

GS TEAM


Google News
Google News


જાણો, આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે ? 1 - image

ન્યૂયોર્ક,૨૧ ઓકટોબર,૨૦૨૧,ગુરુવાર 

ચીને હમણાં અંતરિક્ષમાંથી પૃથ્વી પર ગમે ત્યાં પરમાણુ હુમલો કરી શકાય તેવી હાઇપર સોનિક મિસાઇલ ટેકનિકનું પરીક્ષણ કર્યુ હોવાનું બહાર આવ્યું હતું. વિસ્તારવાદી ખંધા ચીનની આ ચાલાકીને કારણે દુનિયામાં નવેસરથી ઘાતક હથિયારોની દોડ શરુ થઇ રહી છે. ચીને પહેલા તો લોંગ માર્ચ રોકેટની મદદથી પરમાણુ ક્ષમતાથી લેંસ હાઇપર સોનિક મિસાઇલને પૃથ્વીની નિચેલી કક્ષામાં મોકલી હતી. ત્યાર પછી મિસાઇલે પૃથ્વીનું ભ્રમણ કરવાનું શરુ કરીને નિશાન તાકયું હતું. ચીને તો તેના આ પરીક્ષણની દુનિયાને જાણ થવા દીધી ન હતી પરંતુ અમેરિકાના જાસુસી તંત્રએ ગત ઓગસ્ટ મહિનામા ચીને પરીક્ષણ કર્યુ હોવાનું શોધી કાઢયું. અંતરીક્ષમાંથી હુમલો થઇ શકે તેવી હાઇપર સોનિક ટેકનિક ભલે હજુ પ્રયોગ અવસ્થામાં હોય પરંતુ ચીન જો સફળ થશે તો દુનિયા માટે ચિંતાનો વિષય છે કારણ કે વિસ્તારવાદી ચીનની મહત્વકાંક્ષા દુનિયા આખી જાણે છે.

જાણો, આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે ? 2 - image

 અમેરિકા ખુદ ચીનની આ હરકતથી ટેન્શનમાં છે. અમેરિકા,રશિયા પાસે આવી ટેકનિક છે પરંતુ તેઓ આધુનિક સમયમાં બ્રહ્માંસ્ત ગણાતી મિસાઇલ નિર્માણથી દૂર રહેતા હતા. ચીને હવે સળી કરી છે ત્યારે હાઇપર સોનિક મિસાઇલ તૈયાર કરવાની મહત્વકાંક્ષા જાગે તે સ્વભાવિક છે.  પહેલા તો આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે એ સમજવું જરુરી છે. હાઇપર સોનિક મિસાઇલો અવાજ કરતા પાંચ ગણી ઝડપે ત્રાટકે છે વળી તે અંતરીક્ષમાંથી સીધી લક્ષ્ય તરફ આવતી હોવાથી તેને પરંપરાગત મિસાઇલની જેમ રડારથી આંતરી કે જોઇ શકાતી નથી. રશિયા અને અમેરિકા પાસે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. રશિયા તો એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ માટે ખૂબ ગૌરવ ધરાવે છે પરંતુ અંતરિક્ષમાંથી અવાજ કરતા પાંચ ગણી ઝડપે થતો બિન પરંપરાગત મિસાઇલ હુમલા સામે રક્ષણ આપી શકે નહી.

જાણો, આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે ? 3 - image

જો કે રશિયા એસ-૫૦૦ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહયું છે જે અંતરિક્ષમાંથી ત્રાટકતી હાઇપર સોનિક મિસાઇલ સામે પણ રક્ષણ આપશે એવો દાવો કરવામાં આવે છે. સત્ય વાત એ છે કે દુનિયામાં હાલમાં એવી કોઇ એર ડિફેન્સ સિસ્ટમ નથી જે અંતરિક્ષમાંથી છોડાતી મિસાઇલને ટ્રેક કરી શકે. ચીન જે હાઇપર સોનિક મિસાઇલ પાછળ પડયું છે તેના માટે બેલેસ્ટિક ટ્રેકની પણ જરુર પડતી નથી, પૃથ્વીના ઉત્તરી અને દક્ષિણી ભાગ પરથી એક સરખી રીતે હુમલો કરી શકાય છે. ચીનમાંથી પ્રેરણા લઇને રશિયા, ઉત્તર કોરિયા કે અમેરિકા હવે બેસી રહેવાના નથી. આથી ચીનના પાપે દુનિયામાં હાઇપર સોનિક   મિસાઇલોના પરીક્ષણનો યુગ શરુ થશે. ચીનના હાઇપર સોનિક મિસાઇલની ઘેલછાએ દુનિયામાં શકિત સંતુલન બગાડયું છે. ચીન  એક એર શોનું આયોજન કરી રહયું છે જેમાં ૧૫૦ ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોન, મિસાઇલ અને વિવિધ હથિયારોનું પ્રદર્શન કરવાનું છે. જેમાંના ઘણા હથિયારો એવા છે જેને દુનિયા પ્રથમ વાર જ જોશે. પ્રાપ્ત માહિતી મુજબ એજી ૬૦૦ સી પ્લેનના પ્રોટો ટાઇપના પ્રદર્શનની પણ યોજના છે.

જાણો, આધુનિક દુનિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતી હાઇપર સોનિક મિસાઇલ શું છે ? 4 - image

આટલા મોટા કદના અને ખાસિયત ધરાવતા સી પ્લેન ખૂબ ઓછા દેશો ધરાવે છે. હાઇપર સોનિક ટેકનિકે અમેરિકા કરતા પણ ભારતને વધારે ખતરો પેદા કર્યો છે. ચીન ભારતનું પાડોશી દેશ છે અને દાયકાઓથી સરહદી મામલે દુશ્મનાવટ ધરાવે છે. ભારતે પણ સમયને પારખીને હાઇપર સોનિક મિસાઇલ ટેકનિકના સંશોધનમાં કમર કસી છે.  અમેરિકા,રશિયા અને ચીન પછી ભારત માત્ર ચોથો દેશ છે જે આ ટેકનિકમાં આગળ છે. એક માહિતી મુજબ ભારતનું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આવનારા પાંચ વર્ષમાં સ્ક્રેમજેટ એન્જીન સાથે હાઇપરસોનિક મિસાઇલ તૈયાર કરી શકશે. ભારત નેકસ્ટ જનરેશનના હાઇપરસોનિક મિસાઇલ માટે ડીઆરડીઓ અને રશિયાની એજ્ન્સી સાથે ભાગીદારીથી કામ કરી રહયું છે.


Tags :