તમારા કમ્પ્યૂટર કે લેપટોપનો સિરિઅલ નંબર જાણો

જે રીતે દરેક સ્માર્ટફોનનો ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટિટી (IMEI)
નંબર હોય છે, એ જ રીતે દરેક કમ્પ્યૂટર/લેપટોપનો પણ એક યુનિક સિરિઅલ નંબર હોય છે. આ સિરિઅલ
નંબર વિવિધ ડિજિટ્સ અને આલ્ફાબેટ્સનો બનેલો હોય છે. કોઈ પણ બે કમ્પ્યૂટરનો એકસરખો
સિરિઅલ નંબર હોતો નથી. આમ આપણા કમ્પ્યૂટરનો સિરિઅલ નંબર તેની યુનિક આઇડેન્ટિટી બને
છે.
કમ્પ્યૂટરની વોરન્ટી કે ઇન્સ્યોરન્સ સંબંધિત કામગીરી વખતે તેનો સિરિઅલ નંબર
ઉપયોગી થાય છે. સિરિઅલ નંબર પરથી જે તે કમ્પ્યૂટર ક્યારે મેન્યુફેકચર થયું છે અને
તેમાં ક્યા હાર્ડવેરનો ઉપયોગ થયો છે એ પણ ટેકનિકલ સપોર્ટ ટીમ જાણી શકે છે. આપણે
કમ્પ્યૂટર ખરીદીએ ત્યારે તેના ઇનવોઇસમાં તેમજ બોક્સ પરના સ્ટિકરમાં આ સિરિઅલ નંબર
પ્રિન્ટ થયેલો હોય છે. એ સિવાય લેપટોપના કિસ્સામાં તેની નીચેના ભાગમાં પણ એક
સ્ટિકરમાં આ નંબર સેવ થયેલો હોય છે.
આ બંને બાબતો તમે ગુમાવી દીધી હોય તો...
કમ્પ્યૂટર/લેપટોપ ચાલુ કરી તેમાં સર્ચ બારમાં cmd ટાઇપ કરો.
કમાન્ડ પ્રોમ્પ્ટ બોક્સ ખૂલે તેમાં wmic bios get serialnumber ટાઇપ કરો. આથી આપણા
કમ્પ્યૂટર/લેપટોપનો સિરિઅલ નંબર જોવા મળશે. તેને તમારી ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવની
ફાઇલમાં કે ગૂગલ કીપ જેવી સર્વિસમાં અથવા વોટ્સએપમાં ફક્ત પોતાને માટે બનાવેલા
ગ્રૂપમાં સાચવી રાખી શકાય.

