ગાંઠે બાંધી રાખવા જેવા ઓનલાઈન સલામતીના ફક્ત ત્રણ નિયમ
- yíÞkhu ¼÷u ík{khk {Lk{kt þw¼-÷k¼Lkk rð[khku [k÷íkk nkuÞ, LkwfMkkLk fu{ yxfkððwt yu Ãký rð[khðk suðwt Au
જે કંઈ ઇન્સ્ટોલ કરો, તેને અપડેટ કરતા રહો
ઇન્ટરનેટ પર સલામત રહેવાનો આ એક સૌથી સાદો નિયમ છે. ઇન્ટરનેટ પર સતત એક્ટિવ હેકર્સ જુદી જુદી એપ કે સોફ્ટવેરમાં રહેલી ખામી શોધીને તેનો ગેરલાભ લેતા હોય છે. તેની સામે જે તે એપ/સોફ્ટવેરના ડેવલપર આવી ખામી તેમના ધ્યાનમાં આવે તો તેને તરત સુધારીને એપ/સોફ્ટવેરમાં અપડેટ આપતા હોય છે.
આપણે એપ/સોફ્ટવેરને અપડેટ કરી લઇએ એટલે આપણા ડિવાઇસમાં પણ તે ખામી સુધરી જાય અને તેનો ગેરલાભ લેવાનું હેકર માટે મુશ્કેલ બને. કમ્પ્યૂટર કે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને દરેકેદરેક એપ કે સોફ્ટવેરમાં નિયમિત રીતે અપડેટ્સ આવતા હોય છે.
આપણને અપડેટ ઉપલબ્ધ હોવાની જાણ કરતી સૂચના પણ બતાવવામાં આવતી હોય છે. તેને ટાળવાને બદલે અપડેટ્સ અચૂકપણે ઇન્સ્ટોલ કરી લેવા જોઇએ. યાદ ફક્ત એટલું રાખવું કે અપડેટ ઇન્સ્ટોલ કરવા માટે આપણે મૂળ સ્રોતનો જ ઉપયોગ કરીએ. જેમ કે સ્માર્ટફોનમાં પ્લેસ્ટોરમાંથી કોઈ એપ ઇન્સ્ટોલ કરી હોય તો ફરી પ્લેસ્ટોરમાં જઇને જ તેને અપડેટ કરવી, અન્ય કોઈ પણ જગ્યાએથી મળેલી લિંક પર ક્લિક કરીને નહીં.
જેની જરૂર નથી, તેને દૂર કરતા રહો
આ વાત આપણા વિવિધ ઓનલાઇન એકાઉન્ટ અને સોફ્ટવેર/એપ સહિત બધી બાબતોને લાગુ પડે છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે શરૂઆતમાં આપણને કોઈ વાત ઉપયોગી લાગે તો તેને માટે આપણે એકાઉન્ટ ખોલાવીએ કે તેને સ્માર્ટફોન અથવા પીસીમાં ડાઉનલોડ કરીએ. એ બરાબર, પરંતુ પછી તેનો ઉપયોગ ન રહે તો યાદ રાખીને તેને દૂર કરવાનું પગલું પણ લેવું જોઇએ.
આમ કરવાના બે ફાયદા છે. - પહેલો ફાયદો આપણા સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં બિનજરૂરી બાબતોનો ભરાવો થવાનું અટકશે. આવી બાબતોનું પ્રમાણ વધતું જાય તો તે સાધનના પર્ફોર્મન્સ પર ખરાબ અસર કર્યા વિના રહેતું નથી. બીજો ફાયદો સીધો જ સલામતીને સંબંધિત છે. આપણે માટે જે વાત હવે બિનઉપયોગી હોય તેને દૂર કરવાની કાળજી ન લઇએ તો તેને અપડેટ કરવાની કાળજી પણ ન લઇએ તે દેખીતું છે. આથી બાજુમાં જણાવ્યા મુજબ કોઈ ઓનલાઇન એકાઉન્ટ કે એપ/સોફ્ટવેરમાં ખામી રહી ગઈ હોય અને તેને સુધારી લેવા માટેના અપડેટ્સનો આપણે લાભ ન લઇએ તો ક્યારેક ને ક્યારેક એ છીંડું આપણને ભારે પડી શકે.
જે જાતે સર્ચ કર્યું નથી, તેને ક્લિક ન કરો
ઇન્ટરનેટ પર લગભગ બધી બાબતમાં તાળી એક હાથે વાગતી નથી. હેકર તેના પક્ષે કોઈ કરામત કરવા માટે કશુંક કરે એ પછી તે પાર પડી શકે તે માટે એના નિશાન પર રહેલા યૂઝર એટલે કે આપણા તરફથી પણ કોઈક એકશન લેવાવું જરૂરી હોય છે.
જેમ કે હેકર આપણી વિગતો ચોરવા માટે કે સ્માર્ટફોન/કમ્પ્યૂટરમાં કશુંક જોખમી ઇન્સ્ટોલ થઈ શકે તેવી લિંક આપણને મોકલે એ પછી આપણે તેના પર ક્લિક કરીએ તો આખી સાયકલ પૂરી થાય.
આથી ઇન્ટરનેટ પર સલામત રહેવાનો સૌથી સાદો નિયમ એ કે આપણે જેને પોતે સર્ચ કરતા ન હોઇએ તેવું કંઈ પણ સામે આવે તો તેને ક્લિક કે ઇન્સ્ટોલ કરવું નહીં.
એ જ રીતે, આપણે કોઈ ચોક્કસ સોફ્ટવેર શોધીને તેને યોગ્ય સોર્સમાંથી ડાઉનલોડ કરતા હોઇએ ત્યારે તેની સાથોસાથ બીજું કંઈ પણ ડાઉનલોડ કરવાનું સૂચન કરવામાં આવે તો તે સૂચન અવગણવામાં સાર છે - આપણે એ શોધતા નહોતા, સામેથી ઓફર કરાયું છે. ઇન્ટરનેટ પર બધું જ જોખમી છે એવું નથી, પરંતુ સાવચેત રહેવામાં કશું ખોટું નથી.