Get The App

Explainer: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030માં ‘ક્રેશ’ કરી દેવાશે, જાણો પછી અવકાશ સંશોધન કેવી રીતે થશે

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030માં ‘ક્રેશ’ કરી દેવાશે, જાણો પછી અવકાશ સંશોધન કેવી રીતે થશે 1 - image


International Space Station to Be Deorbited in 2030 : ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માનવ ઇતિહાસનો સૌથી મોટો સંયુક્ત વૈજ્ઞાનિક પ્રોજેક્ટ ગણાય છે. પૃથ્વીથી લગભગ 400 કિમી ઊંચાઈએ ફરતું આ મથક છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી વૈજ્ઞાનિક સંશોધન માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. અહીં વિવિધ દેશોના વિજ્ઞાનીઓ માઇક્રોગ્રેવિટી એટલે કે અતિ ઓછા ગુરુત્વાકર્ષણવાળા વાતાવરણમાં અનેક પ્રયોગો કરે છે. વર્ષ 2030માં ISSને નિવૃત્ત થવાનું છે. નિયંત્રિત ક્રેશ કરીને એનો અંત લવાશે જે દુ:ખદ નહીં પણ ‘ગુડ ન્યૂઝ’ ગણાઈ રહ્યા છે. શા માટે? ચાલો, આ મુદ્દો સમજીએ અને જાણીએ કે ISSની ગેરહાજરીમાં ભવિષ્યમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કઈ રીતે કામ થશે?

ISSને નિવૃત્ત કરવાનો નિર્ણય શા માટે લેવાયો?

ISS 1998માં શરૂ થયું હતું. તેની રચના મર્યાદિત સમયગાળા માટે કરાઈ હતી. તેને નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો એની પાછળ નીચે મુજબના કારણો જવાબદાર છે. 

- લાંબા સમયથી અવકાશના કઠોર વાતાવરણ (તાપમાનના ભારે ફેરફાર, કિરણોત્સર્ગ અને માઇક્રોમીટિયોરોઇડ્સ સાથેની અથડામણ)ને કારણે ISS ના કેટલાક ભાગોમાં ઘસારો અને કેટલાક લીક જોવા મળ્યા છે. તેનું સમારકામ ભારે ખર્ચાળ છે.

- ISS ની જાળવણીનો ખર્ચ સતત વધતો જાય છે. 

- ઘરડા થયેલા ISS ને નિયંત્રિત રીતે નિવૃત્ત કરવાની તક અત્યારે છે. જો એમ ન કરાય તો ભવિષ્યમાં તે ગમે ત્યારે ગમે ત્યાં પૃથ્વી પર તૂટી પડી શકે. એમ થાય તો માનવ વસ્તી પર પડેલો એનો કાટમાળ જાનમાલનું ઘણું નુકસાન કરે. તેથી સલામતી અને ખર્ચ બંને દૃષ્ટિએ જોઈએ તો ISSને નિયંત્રિત રીતે નિવૃત્ત કરી દેવું યોગ્ય છે. આ કામ માટે 2030 નું વર્ષ પસંદ કરાયું છે. 

Explainer: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030માં ‘ક્રેશ’ કરી દેવાશે, જાણો પછી અવકાશ સંશોધન કેવી રીતે થશે 2 - image

ISSને સુરક્ષિત રીતે પૃથ્વી પર કેવી રીતે ઉતારાશે?

ISSને અણધારી રીતે પૃથ્વી પર પડવા દેવામાં નહીં આવે. વિશેષ ડિઝાઇન કરાયેલા ડિ-ઓર્બિટ સ્પેસક્રાફ્ટ ISS સાથે જોડાશે અને તેના એન્જિનની મદદથી તેને ધીમે ધીમે પૃથ્વી તરફ લવાશે. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું ‘પોઇન્ટ નેમો’ નામનું સ્થળ વિશ્વનો સૌથી દૂરનો સમુદ્રી વિસ્તાર મનાય છે. ISS ને ‘પોઇન્ટ નેમો’ ખાતે જ જળસમાધિ અપાશે. પુનઃપ્રવેશ દરમિયાન હવાના ઘર્ષણને લીધે મોટા ભાગનું સ્ટેશન બળી જશે. સમુદ્રમાં ફક્ત બચેલા ટુકડા જ પડશે અને પછી ડૂબી જશે.

Explainer: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030માં ‘ક્રેશ’ કરી દેવાશે, જાણો પછી અવકાશ સંશોધન કેવી રીતે થશે 3 - image

ISSએ માનવજાતને શું આપ્યું?

- ISSમાં થયેલા સંશોધનોએ માનવ શરીર પર અવકાશના પ્રભાવ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. માઇક્રોગ્રેવિટીમાં હાડકાની ઘનતા અને સ્નાયુઓમાં થતા ફેરફારોના અભ્યાસથી પૃથ્વી પર ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓના ઉપચારમાં મદદ મળી છે. 

- ભૌતિકશાસ્ત્ર, મટીરિયલ સાયન્સ, બાયોલોજી અને આબોહવા સંશોધન ક્ષેત્રે પણ ISSએ પુષ્કળ યોગદાન આપ્યું છે.

- વિવિધ દેશો સાથે મળીને આટલો અદ્ભુત આંતરરાષ્ટ્રીય સહયોગ સાધી શકે છે, એનું અનોખું ઉદાહરણ પણ ISS એ ઊભું કર્યું.

ISS ની નિવૃત્તિ શા માટે ‘ગુડ ન્યૂઝ’ ગણાય છે? 

અવકાશ સંશોધન ક્ષેત્રે ખાનગી કંપનીઓનો પ્રવેશ થઈ ચૂક્યો છે. Axiom Space, Blue Origin જેવી કંપનીઓ પહેલેથી જ ખાનગી અવકાશ સ્ટેશન અને અવકાશ હોટલના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ISS ની નિવૃત્તિ પછી અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ પોતે પણ નવું, મોટું સ્પેસ સ્ટેશન સંચાલિત કરવાની જગ્યાએ ખાનગી કંપનીઓ દ્વારા બનાવાયેલા નાના અને આધુનિક અવકાશ સ્ટેશનોનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આથી ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે વધુ વૈજ્ઞાનિકો, ખાનગી સંસ્થાઓ અને સામાન્ય લોકો માટે પણ કામ કરવાની તક વધશે. ISS ની નિવૃત્તિ અવકાશ સંશોધન ક્ષેત્રે નવા દ્વાર ખોલી આપશે, જેને લીધે એ ‘ગુડ ન્યૂઝ’ ગણાઈ રહ્યા છે.

Explainer: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030માં ‘ક્રેશ’ કરી દેવાશે, જાણો પછી અવકાશ સંશોધન કેવી રીતે થશે 4 - image

ISS ના સંચાલન માટેની બચેલી રકમ ક્યાં ખર્ચાશે?

ISSના સંચાલન પર દર વર્ષે અબજો ડોલર ખર્ચ થાય છે. સ્ટેશન નિવૃત્ત થયા પછી આ રકમ નાસાના વધુ મોટા લક્ષ્યો — ખાસ કરીને ચંદ્ર અને મંગળ મિશન — પર ખર્ચવામાં આવશે. આર્ટેમિસ કાર્યક્રમ દ્વારા માણસોને ફરીથી ચંદ્ર પર મોકલવાની અને ત્યાં કાયમી રહેઠાણ સ્થાપવાની યોજના છે. આ એવી યોજના છે જે ભવિષ્યમાં મંગળ પર માનવ મિશન માટેનો માર્ગ તૈયાર કરશે. 

વૈજ્ઞાનિક સંશોધન ચાલુ રહેશે?

ISS બંધ થયા પછી પણ અવકાશ સંશોધન અટકશે નહીં. નાસા અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો ભેગા મળીને ‘લ્યુનાર ગેટવે’ (Lunar Gateway) નામનું ચંદ્રની પરિક્રમા કરતું એક નાનું અવકાશ સ્ટેશન બનાવી રહ્યા છે. આ સ્ટેશન ચંદ્રની આસપાસ વિશેષ કક્ષામાં ફરશે અને ભવિષ્યના ચંદ્ર મિશન માટે ‘ટ્રાંઝિટ હબ’ તરીકે કામ કરશે. તે ચંદ્રની સપાટી પર જતાં અવકાશયાત્રીઓ માટે નિવાસ અને તૈયારી કેન્દ્ર તરીકે કામ આપશે. ISS કરતાં વધુ આધુનિક ટેક્નોલોજી ધરાવતું આ સ્ટેશન ભવિષ્યના મંગળ મિશન માટે પણ મહત્ત્વપૂર્ણ પડાવ બની રહેશે. 

ISS ના પતનથી પર્યાવરણ પર કેવી અસર થશે?

ISSના નિયંત્રિત પતનથી પર્યાવરણ પર ખૂબ ઓછી અસર થશે. પુનઃપ્રવેશ દરમિયાન મોટાભાગનું સ્ટેશનનો આકાશમાં જ બળી જશે અને બચેલા ટુકડા માનવ વસ્તીથી દૂર સમુદ્રમાં પડશે. તેથી જોખમ લગભગ નગણ્ય ગણાય છે.