ISRO દ્વારા સેટેલાઇટનું સફળતાપૂર્વક અનડોકિંગ: ઇન્ડિયન સ્પેસ સ્ટેશન માટે માર્ગ ખૂલ્લો
ISRO Successfully Undocks Satellites: ISRO દ્વારા સફળતાપૂર્વક અવકાશમાં સેટેલાઇટનું અનડોકિંગ કરવામાં આવ્યું છે. આ મિશનને સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ નામ આપવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત બે સેટેલાઇટને અવકાશમાં મોકલવામાં આવ્યા હતા અને તેમને એકમેકથી અલગ કર્યા બાદ ફરીથી જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે એક સેટેલાઇટને SPX-01 અને બીજી સેટેલાઇટને SPX-02 નામ આપવામાં આવ્યું હતું. ભારત હવે અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા ઇચ્છે છે, તેથી તેમને ડોકિંગ અને અનડોકિંગ ટૅક્નોલૉજીનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. આ હેતુસર ISRO દ્વારા આ એક્સપરિમેન્ટ કરવામાં આવ્યું હતું, જે હવે સફળ રહ્યું છે.
અનડોકિંગમાં સફળતા
આ મિશનમાં અનડોકિંગ પ્રક્રિયા માટે ઘણા સ્ટેપ્સ હતા. આ સ્ટેપ્સમાં SPX-02નું સફળતાપૂર્વક એક્સટેન્શન કરવું, પછી તેને રિલીઝ કરવી અને એમાં જોડાયેલ લીવર 3ને છૂટું કરવું આવશ્યક હતું. તે પછી SPX-01 અને SPX-02 માટે કમાન્ડ આપવામાં આવ્યા, જેનાથી બન્ને સેટેલાઇટ એકમેકથી અલગ થયા. આ ભારત માટે ખૂબ જ કોમ્પ્લેક્સ મિશન હતું અને તેમાં હવે સફળતા પ્રાપ્ત થઈ છે.
સ્પેસ સ્ટેશન માટેનો રસ્તો, સ્પેડેક્સ મિશન
સ્પેડેક્સ મિશનની સફળતા પછી ભારત માટે ઘણા નવા દરવાજા ખૂલી ગયા છે. મલ્ટી-સેટેલાઇટ મિશન હવે શક્ય બનશે અને ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન આ ટૅક્નોલૉજી દ્વારા સ્થાપિત કરી શકાશે. આ સ્ટેશનને ભારતીય અંતરિક્ષ સ્ટેશન તરીકે ઓળખવામાં આવશે. ચંદ્રયાન 4 અને ગગનયાન જેવા મિશન માટે પણ આ ટૅક્નોલૉજી મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સ્પેડેક્સ મિશનને 2024ની 30 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઇસરોને મિનિસ્ટરે પાઠવ્યા અભિનંદન
ભારતના મિનિસ્ટર ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજી, ડૉક્ટર જિતેન્દ્ર સિંહે, સોશિયલ મીડિયા પર ISROને અભિનંદન પાઠવ્યા છે. તેઓએ જણાવ્યું કે, “ISROની ટીમને અભિનંદન! આ દરેક ભારતીય માટે હર્ષ અને ગૌરવની વાત છે. સ્પેડેક્સ સેટેલાઇટનો સફળતાપૂર્વક ડી-ડોકિંગ કરવામાં આવ્યો છે, જે ભારતના અંતરિક્ષ સ્ટેશન, ચંદ્રયાન 4 અને ગગનયાન જેવા મિશન માટે મહત્ત્વાકાંક્ષી સિદ્ધિ સાબિત થશે.”
આ પણ વાંચો: ચીને બનાવી નવી વેક્સિન: સ્ટ્રોક અને હાર્ટ અટેક નહીં આવે એવો દાવો
દુનિયામાં ભારતનો દબદબો
સ્પેસ ટૅક્નોલૉજીમાં હવે ભારતનો પણ નોંધપાત્ર દબદબો જોવા મળશે. આજ સુધી આ ટૅક્નોલૉજી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી, પણ હવે આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થયો છે. આ વર્ષની શરુઆતમાં, ડોકિંગ પ્રોસેસ કરાઈ હતી, જેમાં સેટેલાઇટની ગતિ ધીમે ધીમે ઘટાડીને તેમને 15 મીટરથી 3 મીટરની નજીક લાવવામાં આવ્યા બાદ ડોકિંગ કરવામાં આવ્યું હતું. હવે અનડોકિંગમાં પણ સફળતા મળી છે.