Get The App

ISROના IRNSS-1F સેટેલાઇટનું એટોમિક ક્લોક બંધ, ભારતની NavIC નેવિગેશન સિસ્ટમને મોટો ઝટકો…

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
ISROના IRNSS-1F સેટેલાઇટનું એટોમિક ક્લોક બંધ, ભારતની NavIC નેવિગેશન સિસ્ટમને મોટો ઝટકો… 1 - image

Major Setback for Indian Navigation Satellite: ભારતની સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ NavIC (Navigation with Indian Constellation) માટે એક મહત્ત્વપૂર્ણ પડકાર સામે આવ્યો છે. ISROના IRNSS-1F સેટેલાઇટમાં આવેલું એટોમિક ક્લોક બંધ થઈ ગયું છે, જેના કારણે દેશની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમને મોટો ઝટકો લાગ્યો છે. NavIC સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહેવા માટે ઓછામાં ઓછા ચાર સક્રિય સેટેલાઇટ જરૂરી છે, પરંતુ IRNSS-1Fમાં એટોમિક ક્લોક બંધ થવાથી હવે સક્રિય સેટેલાઇટની સંખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ છે. આ માટે હવે સરકાર દ્વારા જલદી નવી સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

10 વર્ષનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ

ISROએ જણાવ્યું છે કે IRNSS-1F સેટેલાઇટે તેનું 10 વર્ષનું નિર્ધારિત મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. 10 માર્ચ 2026એ એને દસ વર્ષ પૂર્ણ થયા છે. આ સેટેલાઇટ 2016માં લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધી NavIC સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડી રહ્યું હતું. મિશન લાઈફ પૂર્ણ થયા બાદ અને એટોમિક ક્લોક 13 માર્ચે બંધ થયા બાદ હવે આ સેટેલાઇટનો ઉપયોગ વિવિધ સામાજિક અને સંશોધન સંબંધિત એપ્લિકેશન્સ માટે કરવામાં આવશે.

શું છે એટોમિક ક્લોકનું મહત્ત્વ?

નેવિગેશન સેટેલાઇટમાં એટોમિક ક્લોક સૌથી મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ ક્લોક અત્યંત ચોક્કસ સમય માપે છે, જેના આધારે લોકેશન અને પોઝિશનિંગ ડેટા ખૂબ જ સચોટ રીતે મેળવવામાં આવે છે. જો એટોમિક ક્લોક કાર્ય કરવાનું બંધ કરે તો સેટેલાઇટ દ્વારા આપવામાં આવતી નેવિગેશન સેવા પ્રભાવિત થઈ શકે છે. આથી માહિતી ખોટી આવી શકે છે.

NavIC શું છે?

NavIC ભારતની પોતાની સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ છે, જેને ખાસ કરીને ભારત અને આસપાસના લગભગ 1500 કિલોમીટર વિસ્તાર માટે તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ GPS જેવી જ સેવા આપે છે અને તેનો ઉપયોગ મોબાઈલ નેવિગેશન, વાહન ટ્રેકિંગ, ઇમરજન્સી સમયે અને સૈન્ય કામગીરી સહિત અનેક ક્ષેત્રોમાં થાય છે.

આ પણ વાંચો: Googleનું AI હવે 24 કલાક પહેલાં ફ્લેશ ફ્લડની આગાહી કરી શકશે, જાણો કેવી રીતે…

ભવિષ્યમાં શું પગલા લેવામાં આવશે?

IRNSS-1Fના એટોમિક ક્લોક બંધ થવાથી NavIC સિસ્ટમ પર અસર પડી શકે છે, પરંતુ ISRO NavICને વધુ મજબૂત બનાવવા માટે નવા સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે આગામી સેટેલાઇટ્સ સાથે સિસ્ટમને વધુ આધુનિક બનાવવામાં આવશે જેથી ભારતની સ્વદેશી નેવિગેશન સેવા વધુ વિશ્વસનીય બની રહે.