Get The App

ભારતે રચ્યો ઈતિહાસઃ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિસાર મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
ભારતે રચ્યો ઈતિહાસઃ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિસાર મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ 1 - image


NASA ISRO NISAR MISSION: ઈસરોએ આજે નાસા સાથે મળી નિસાર મિશન લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે આજે બુધવારે સાંજે 5.40 વાગ્યે નિસાર (નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર)ને જીએસએલવી-એસ16 રોકેટ મારફત લોન્ચ કર્યું છે. આ પહેલું એવુ મિશન છે, જેમાં કોઈ જીએસએલવી રોકેટ મારફત સન-સિંક્રોનસ ઓર્બિટ (સૂર્ય-સ્થિર કક્ષા)માં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો હોય.


જીએસએલવી રોકેટ લગભગ 19 મિનિટની યાત્રા બાદ ઉપગ્રહને 745 કિમીની ઊંચાઈએ સૂર્યની સ્થિર ધ્રુવીય કક્ષા (સન-સિંક્રોનસ ઓર્બિટ)માં સ્થાપિત કરશે. આ એવી કક્ષા છે, જ્યાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવોની ઉપરથી પસાર થાય છે, અને દરેક વખતે એક વિશેષ સ્થાનથી પસાર થાય છે, જો કે, દરેક સ્થિતિમાં સૂર્ય પ્રકાશની સ્થિતિ એક જેવી જ રહે છે. કાવુલરૂએ મિશન વિશે જણાવ્યું હતું કે, નાસાએ નિસાર માટે એલ-બેન્ડ ઉપલબ્ધ કરાવ્યું છે, જ્યારે ઈસરો સિન્થેટિક એપરચર રડાર માટે એસ-બેન્ડ પુરૂ પાડ્યું હતું. જેનાથી મોટી સંખ્યામાં ડેટા એકત્રિત કરવાનું સંભવ બનશે. આ ઉપગ્રહ એન્ટાકર્ટિકા, ઉત્તરીય ધ્રુવ, અને મહાસાગરો સ્થિત પૃથ્વી પાસેથી સંબંધિત વ્યાપક ડેટા પ્રસારિત કરશે.

પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે, દરેક દેશ પર રાખજે નજર

કાવુલુરૂએ જણાવ્યું હતું કે, નિસાર સમગ્ર પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે. જેનો ઉપયોગ કોમર્શિયલ અને વૈજ્ઞાનિક ઉદ્દેશો માટે થશે. ઈસરો આ ડેટાને પ્રોસેસ કરશે અને તેમાંથી મોટા ભાગના ડેટાને ઓપન-સોર્સ તરીકે ઉપલબ્ધ કરાવશે. જેથી વિશ્વભરના યુઝર્સને તેની સરળતાથી ઍક્સેસ કરી શકશે. આનાથી આપણે હિમાલય અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોમાં જંગલોમાં ફેરફાર, પર્વતોની સ્થિતિ અથવા સ્થાનમાં ફેરફાર અને હિમનદીઓની હિલચાલ સહિત મોસમી ફેરફારોનું નિરીક્ષણ કરી શકીશું. દરેક દેશ પર નજર રાખી શકાશે.

12 દિવસમાં આખી પૃથ્વીનો ડેટા

ઇસરો અનુસાર, નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (NISAR) ઉપગ્રહનું પ્રક્ષેપણ બંને અવકાશ એજન્સીઓ વચ્ચેના એક દાયકાથી વધુ લાંબા સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહ દર 12 દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે અને હવામાનની તમામ પરિસ્થિતિઓમાં દિવસ અને રાત હાઈ-રિઝોલ્યુશન ડેટા પ્રદાન કરશે. ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને ઓળખી શકશે, જેમ કે વનસ્પતિમાં ફેરફાર, હિમનું પીગળવું અને જમીનનું ડિફોર્મેશન.

ઇસરોએ જણાવ્યું હતું કે આ મિશન સમુદ્ર સ્તરનું નિરીક્ષણ, જહાજો શોધવા, તોફાનોનું નિરીક્ષણ, માટીના ભેજમાં ફેરફાર, સપાટીના જળ સંસાધનોનું મેપિંગ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મદદ કરશે. આ ઉપગ્રહ ભૂકંપ અથવા બરફ પીગળવાની સ્થિતિ જેવા અનેક ફેરફારો, તેમજ જમીનમાં થતી નાની તિરાડો પણ શોધી કાઢશે.

ભારતે રચ્યો ઈતિહાસઃ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિસાર મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ 2 - image

Tags :