- ભારતના એસ્ટ્રો-સેટ ઉપગ્રહના ડેટાનો આધાર લેવાયો
- આ બ્લેક-હોલ પૃથ્વીથી 2800 પ્રકાશ વર્ષ દૂર રહેલું છે તેનું નામ 'GRS-1915 + 105' તેવું આપવામાં આવ્યું છે
નવી દિલ્હી : ઈસરોનાં છત્ર નીચે રહેલી વિવિધ વિજ્ઞાન સંસ્થાઓએ 'ઈસરો' તેમજ ઈંડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ગુવાહતીના વિજ્ઞાનીઓએ સાથે મળી પૃથ્વીથી ૨૮૦૦ પ્રકાશ વર્ષ દૂર રહેલા એક 'બ્લેક હોલ'માંથી આવી રહેલા રહસ્યમય X-Ray સિગ્નલ્સ ડી-કોડ કર્યાં છે. તેઓની સાથે ઇઝરાયલનાં હૈફા સ્થિત હૈફા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ પણ જોડાયા હતા.
આ બ્લેક-હોલને જીઆરએસ ૧૯૧૫ + ૧૦૫ તેવું નામ અપાયું છે. આ વિજ્ઞાનીઓએ તે X-Ray પલ્સીઝ ડી-કોડ કરવા માટે ભારતે જ અંતરિક્ષ સ્થિત કરેલા તેના ઉપગ્રહ 'એસ્ટ્રો-સેટ' દ્વારા 'બ્લીપ' કરાયેલા ડેટાનો પણ આધાર લીધો હતો.
આ ટીમને તે જાણવા મળ્યું કે આ સિગ્નલ્સ 'બ્રાઇટ' અને 'ડીપ' તેમ ઓલ્ટરનેટ થાય છે અને દરેક સિગ્નલ સેંકડો સેકન્ડઝ સુધી ચાલે છે.
સંશોધનનું મહત્વ તે છે કે તે દ્વારા બ્લેક-હોલ કેવી રીતે રચાય છે, કેવી રીતે વિકસે પણ છે અને તેના અવકાશીય 'પાડોશી'ઓ ઉપર કેવી અસર થાય છે, તે વિષે જ્ઞાન મેળવી શકાય છે.
આ વિષે ઈસરો સ્થિત યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટરના ડો. અનુજ નાંદીએ જણાવ્યું હતું કે, 'અમારો આ અભ્યાસ X-Ray ફિલકરિંગનાં ઉદ્ગમ વિષે સીધા પ્રમાણો આપી શકશે. અમોને તે પણ જાણવા મળ્યું કે બ્લેક હોલ ફરતા રહેલા પ્રકાશ-મુકુટ સાથે આ ફિલકરિંગ કઈ રીતે જોડાયેલું છે.' (બ્લેક-હોલનું ગુરૂત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે તેમાંથી નીકળતો પ્રકાશ બહાર જવાને બદલે બ્લેક-હોલ ફરતો જ ઘૂમે છે. તેનો બ્લેક-હોલ-કોરોના (મુકુટ) કહેવામાં આવે છે.)
ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીક્સ આઈ.આઈ.ટી. ગુવાહત્તીના પ્રોફેસર સાંતબ્રત દાસે કહ્યું હતું કે 'અમને સંશોધન દરમિયાન X-Ray નું રેપિડ ફિલકરિંગ પહેલી જ વાર જાણવા મળ્યું.' તે ફિલકરિંગ એક સેકન્ડમાં ૭૦ વખત (આશરે ૭૦ લ્લડ) જેટલું રીપીટ થતું જોવા મળ્યું. આ ફિલકરિંગ તેના 'હાઈ-બ્રાઇટનેસ-ફેઝીસ' દરમિયાન જોવા મળ્યાં, પરંતુ 'લો-બ્રાઇટનેસ-ફેઝીસ' દરમિયાન તે વિલીન થઈ જતાં હતાં. આ માહિતી અમોને આપણા 'એસ્ટ્રો-સેટ' ઉપગ્રહની વિશિષ્ટ પાવરફૂલ ઓબ્ઝર્વેશનલ કેપેબીલીટીઝ (દર્શન શક્તિ) દ્વારા મળી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું કે 'બ્રાઇટ-ફેઝીઝ' દરમિયાન ફિલકર્સ ખૂબ પ્રબળ હોય છે. કોરોના વધુ કોમ્પેક્ટ (સઘન) બને છે સાથે સ્પષ્ટ રીતે વધુ ઉષ્ણ પણ હોય છે. જ્યારે ડીમીનીશિંગ-ફેઝ દરમિયાન તે પ્રસરે છે, અને પ્રમાણમાં ઠંડા હોય છે. પરિણામે ફિલકર્સ જ દૂર થઈ જાય છે. આ ઉપરથી તારણ આપી શકાય કે કોરોનાનું 'સ્પંદન' આ ફાસ્ટ સિગ્નલ્સનું ઉદ્ગમ સ્થાન હશે.
પ્રો. સાન્તબ્રત દાસે આગળ કહ્યું : 'દરેક ફેઝ સેંકડો સેકન્ડસ સુધી ચોક્કસ રીતે પુનરાવર્તિત થતા જોવા મળ્યા છે. રેપિડ ફિલકરિંગ સિગ્નલ્સ બ્રાઇટફેઝ' દરમિયાન જ જોવા મળ્યાં છે.
તેઓએ આ ઓબ્ઝર્વેશન ગજબનું આપ્યું કે બ્લેક હોલ ફરતો કોરોના કોઈ 'ફિક્સડ-સ્ટ્રકચર' નથી. બ્લેક-હોલ્સમાં ગેસીઝ કઈ રીતે વહે છે તે પ્રમાણે તેના આકાર અને ઉર્જામાં પરિવર્તન થાય છે.
આ સંશોધનનું મહત્વ તે છે કે તે દ્વારા બ્લેક હોલની અસામાન્ય ગુરૂત્વાકર્ષણ શક્તિ તેના હાઈ-ટેમ્પરેચર જે તેની ધાર ઉપર રહેલું છે, તે વિષે તેમજ તેની આસપાસમાં શી અસર થાય છે. તે વિષે આ સંશોધન વધુ ઉંડાણથી માહિતી આપે છે. સાથે બ્લેક હોલના ઉદ્ભવ, તેનો વિકાસ, તેની ઊર્જાનાં પ્રસારણ અને ગેલેકસી સ્થિત અન્ય આકાશી તત્વો ઉપર થતી તેની અસર વિષે માહિતી મળી શકે છે. આ બાબત દર્શાવે છે કે ભારત ફન્ડામેન્ટલ સાયન્સમાં ટોચના દેશોની બરોબરી કરી શકે છે.


