ફોનમાં બેટરી ઝડપથી ઊતરે છે ? ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરી લો
તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ હોય તો એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારા ફોનની
બેટરી ઝડપથી ઊતરતી હશે. તમે ઇન્સ્ટાગ્રામના આદતી હો અને લગભગ આખો દિવસ - ત્યાં
સુધી કે લિફ્ટમાં જતાં આવતાં પણ - ઇન્સ્ટામાં વિવિધ રીલ્સ સ્ક્રોલ કરતા રહેવાની
તમને આદત હોય તો ફોન સતત ઓન રહેવાને કારણે
બેટરી ઝડપથી ઊતરે એ તો સમજી શકાય,
પરંતુ અત્યારે જુદી
વાત કરવી છે.
ઘણા યૂઝર્સ આ મુદ્દે અવારનવાર સોશિયલ મીડિયા ફરિયાદ કરતા હોય છે કે તેમના
ફોનમાં બેટરી ઝડપથી ઊતરે છે અને એ માટે ઇન્સ્ટાગ્રામ એપ જવાબદાર છે. અમુક યૂઝરે આ
બાબતમાં ઊંડા ઊતરીને વિવિધ એપ્સને કારણે કેટલી બેટરી ખર્ચાય છે તેનું રિસર્ચ પણ
કર્યું.
એક યૂઝરે સોશિયલ મીડિયા પર પોતાનાં તારણ શેર કરતાં લખ્યું કે તેના ફોનમાં
વોટ્સએપ પર ૪૯ મિનિટ્સ ઓન સ્ક્રીન રહેવાને કારણે બેટરી ૨.૪ ટકા જેટલી ઊતરી, તેની સામે લગભગ એટલો જ સમયગાળો (૫૪ મિનિટ્સ) ઇન્સ્ટાગ્રામ પર ઓન સ્ક્રીન
રહેવાને કારણે બેટરી ૧૨.૪ ટકા જેટલી ઊતરી ગઈ!
હવે આ વાતને ગૂગલે સત્તાવાર સમર્થન આપ્યું છે. ગૂગલની
એડવાઇઝરી અનુસાર, ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરવામાં આવી છે અને તેમાં
બેટરી વધુ ઝડપથી ઊતરવાની સમસ્યા ઉકેલી લેવામાં આવી છે. આ કારણે ગૂગલે યૂઝર્સને
તેમના ફોનમાંની ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરી લેવાની સલાહ આપી છે. આ પછી ઘણા યૂઝર્સે
પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું છે કે એપ અપડેટ કર્યા પછી તેમની
બેટરી પ્રમાણમાં ઓછી ઝડપથી ઊતરે છે! માટે, તમે પણ ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ ન કરી હોય તો કરી લો.