Get The App

તમે કોઈ એપને પોતાનો ડેટા આપો તે પરત મેળવવાની સગવડ છે ?

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
તમે કોઈ એપને પોતાનો ડેટા આપો તે પરત મેળવવાની સગવડ છે ? 1 - image


તમે પ્લે સ્ટોરમાંથી કોઈ એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કરો ત્યારે એ એપ તમારો ડેટા સહેલાઈથી પરત લેવાની સગવડ આપે છે કે નહીં એ તમે તપાસો છો?

સાવ સાદી વાત કરીએ તો, આપણે ગૂગલ ફોટોઝ એપનો ઉપયોગ કરીએ અને તેમાં પોતાના અઢળક ફોટોગ્રાફ અપલોડ કરીએ, એ પછી કોઈ કારણસર આપણો વિચાર બદલાય તો આપણે પોતાના બધા ફોટોગ્રાફ સહેલાઇથી ડાઉનલોડ કરી શકીએ છીએ.

આપણા ફોટોગ્રાફ્સનો બેકઅપ આપણને ફોટોગ્રાફના ફાઇલ ફોર્મેટમાં જ પરત મળે, આથી આપણે ઇચ્છીએ તે રીતે ગૂગલ ફોટોઝ એપ બહાર પણ તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકીએ.

પરંતુ ઘણી સર્વિસમાં આવું થતું નથી.

જેમ કે કોઈ ટુ-ડુ લિસ્ટમાં આપણે સંખ્યાબંધ ટાસ્ક ઉમેરીએ એ પછી તેને સહેલાઈથી પરત મેળવી શકતા નથી. આપણે તેનો ઉપયોગ ચાલુ રાખવો હોય તો ફરજિયાતપણે એ જ એપ કે સર્વિસનો ઉપયોગ કરવો પડે. બહુ બહુ તો આપણે એ એપમાં જે ટાસ્ક્સ ઉમેર્યાં હોય તેનું ઓપન લિસ્ટ આપણને મળે, પરંતુ જે તે ટાસ્કમાં કોઈ વધારાની વિગતો ઉમેરી હોય તો તે મળે નહીં!

ટુ-ડુ લિસ્ટ એપની જેમ ઘણી નોટ-ટેકિંગ એપ્સમાં પણ આવી તકલીફ થતી હોય છે. તેમાં આપણે વિવિધ પ્રકારની નોટ્સ ઉમેરીએ એ પછી તેને સહેલાઈથી પરત મેળવી શકતા નથી. જેમ કે સેમસંગ નોટ્સ એપમાં આપણે વિવિધ નોટ્સ ઉમેરીએ અને પછી તેને પરત મેળવાનો પ્રયાસ કરીએ, તો એ સેમસંગ નોટ્સના ફોર્મેટમાં જ મળે છે. આવી નોટ્સને આપણએ વર્ડ કે નોટપેડ જેવા પ્રોગ્રામમાં ઓપન કરી શકતા નથી. બહુ બહુ તો આપણી નોટ્સ આપણને પીડીએફ સ્વરૂપે પરત મળે પરંતુ તેનો ફરીથી ઉપયોગ કરવાની શક્યતા બહુ મર્યાદિત રહે.

આથી જ્યારે પણ કોઈ નવી એપ કે સર્વિસનો ઉપયોગ કરવાનું શરૂ કરો ત્યારે એ એપ આપણને પોતાનો ડેટા સહેલાઈથી પરત આપશે કે નહીં એ ચોક્કસ તપાસી લેવાની આદત પાડવા જેવી છે.

Tags :