Get The App

એક રહસ્યમય વસ્તુ પૃથ્વી તરફ આવી રહી છે, એલિયન વિશે હોકિંગની ચેતવણી સાચી પડી રહી છે?

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
alien spacecraft


Mysterious Space Object Sparks Fears of Alien Contact : વિશ્વપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે વર્ષ 2004માં એક ચિંતાજનક ચેતવણી આપી હતી કે, કોઈ પણ એલિયન સંસ્કૃતિ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ માનવજાત માટે ઘાતક સાબિત થઈ શકે છે. હવે વર્ષો પછી હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા એક જાણીતા વિજ્ઞાનીએ એવો દાવો કર્યો છે કે, એક અજાણ્યો અને રહસ્યમય પદાર્થ અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે, જે એલિયન દ્વારા મોકલાયેલું અવકાશયાન હોઈ શકે છે.

હોકિંગની ચેતવણી: શાંત રહો, હાજરી છતી ન કરો 

હોકિંગે દૂરંદેશી દેખાડતાં ચેતવણી આપી હતી કે, માનવજાત જાતભાતના પ્રયાસો કરીને પરગ્રહવાસીઓ સાથે સંપર્ક કરવા મથી રહી છે. જો આપણે કોઈ અત્યંત વિકસિત પરગ્રહી સંસ્કૃતિનો સંપર્ક કરવામાં સફળ થઈએ, તો એનું પરિણામ માનવજાતના અસ્તિત્વને ખતરામાં મૂકી દે એવું બની શકે છે. તેમણે કહ્યું હતું કે, વધુ શક્તિશાળી સમુદાયોએ ઓછા વિકસિત સમુદાયોને બરબાદ કરી દીધા હોય એવા ઉદાહરણોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે. અને પૃથ્વી પર તો આવા સંઘર્ષો એક જ જાતિ એટલે કે માણસ-માણસ વચ્ચે જ થયા છે. અહીં તો માનવજાત એલિયન્સનો સંપર્ક કરીને જુદી જ જાતના સંઘર્ષને નોતરી રહી છે. 

એક રહસ્યમય વસ્તુ પૃથ્વી તરફ આવી રહી છે, એલિયન વિશે હોકિંગની ચેતવણી સાચી પડી રહી છે? 2 - image

AI તસવીર

હોકિંગનું કહેવું હતું કે, આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, બ્રહ્માંડમાં ‘શાંતિપૂર્વક રહેવું’ હોય તો માનવજાતે પોતાની હાજરી જાહેર કરવી જોઈએ નહીં.

પૃથ્વી તરફ રહસ્યમય પદાર્થ ધસમસતો આવી રહ્યો છે 

હાલમાં હાર્વર્ડના પ્રખ્યાત ખગોળ વિજ્ઞાની પ્રોફેસર અવી લોએબે દાવો કર્યો હતો કે, 3I/ATLAS નામનો એક પદાર્થ પૃથ્વી તરફ ધસમસતો આવી રહ્યો છે. આ પદાર્થ જૂન મહિનાના અંતથી ગુરુ, મંગળ અને શુક્ર જેવા ગ્રહોની નજીકથી પસાર થયો છે અને તેના ગતિપથને કારણે વિજ્ઞાનીઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. 

શું ખરેખર એ પદાર્થ એલિયને મોકલ્યો હોઈ શકે?

લોએબ માને છે કે, આ પદાર્થ કુદરતી નથી, કેમ કે એનું વર્તન સામાન્ય ધૂમકેતુથી અલગ છે. તેમના મતે એ શક્ય છે કે આ પદાર્થ કોઈ હાઇટેક એલિયન્સે સંશોધન માટે મોકલેલું અવકાશયાન હોય. તેમનું કહેવું છે કે, જો આ પદાર્થ એલિયન્સ દ્વારા મોકલાયેલો હોય તો તેમના ઇરાદા શાંતિપૂર્ણ પણ હોઈ શકે અને દુષ્ટ પણ હોઈ શકે. જો ખરેખર એલિયન પૃથ્વી પર હુમલો કરશે તો તેનો પ્રતિકાર કરવો માનવજાત માટે મુશ્કેલ બની જશે, કેમ કે આપણી પાસે આવા પદાર્થ સામે લડવા માટે કોઈ અસરકારક સિસ્ટમ જ નથી. 

અવી લોએબ કોણ છે?

અવી લોએબ ખગોળ ભૌતિકશાસ્ત્રના પ્રખ્યાત નિષ્ણાત છે. તેઓ ‘હાર્વર્ડ યુનિવર્સિટી’માં પ્રોફેસર અને ‘હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ’ના ડિરેક્ટર છે. લોએબ ગેલિલિયો પ્રોજેક્ટનું પણ નેતૃત્વ કરે છે, જે પૃથ્વીની નજીક બહારની દુનિયાની ટૅક્નોલૉજીના પુરાવા શોધે છે. તેમણે ‘એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ’ અને ‘ઇન્ટરસ્ટેલર’ જેવા પુસ્તકો લખ્યા છે, જેમાં બાહ્યાવકાશી જીવનની સંભાવનાઓનું આલેખન થયું છે.

એક રહસ્યમય વસ્તુ પૃથ્વી તરફ આવી રહી છે, એલિયન વિશે હોકિંગની ચેતવણી સાચી પડી રહી છે? 3 - image

AI તસવીર 

ડિસેમ્બર 2025 પૃથ્વીની નજીકથી પસાર થવાની સંભાવના છે

વિજ્ઞાનીઓની ગણતરી મુજબ 17 ડિસેમ્બર 2025ના રોજ આ અજીબ પદાર્થ પૃથ્વીની નજીકથી પસાર થશે. એ સમયે તેના અને પૃથ્વી વચ્ચે લગભગ 22.3 કરોડ માઇલનું અંતર હશે, જેનો અર્થ એ કે એ પદાર્થ એનો ગતિમાર્ગ ન બદલે તો એની પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના શૂન્ય છે. હાલ તેની ગતિ આશરે 41 માઇલ પ્રતિ સેકન્ડ (1.5 લાખ માઇલ પ્રતિ કલાક) જેટલી છે. વિજ્ઞાનીઓ આ અવકાશીય ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે અને તેના સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

આ અજાણ્યા પદાર્થે સ્ટીફન હોકિંગની ચેતવણીને એકાએક જ પ્રકાશમાં લાવી દીધી છે અને પ્રશ્ન સર્જાયો છે કે શું ખરેખર એલિયન માનવજાત માટે ખતરો બનીને આવી રહ્યા છે?

Tags :