ગયા અઠવાડિયે આપણે વાત કરી હતી તેમ માઇક્રોસોફ્ટ ૩૬૫માં આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ આધારિત ફીચર ઉમેરાઈ ગયાં છે. કંપની તેમને કોપાઇલટ તરીકે ઓળખાવે છે.
માઇક્રોસોફ્ટ ૩૬૫ની એપ્સ એટલે કે વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ, આઉટલૂક, ટીમ્સ તથા અન્ય એપ્સમાં આ સુવિધાઓ ઉમેરાઈ છે. માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર
કોપાઇલટ ફીચર બે રીતે કામ કરે છે. એક, આ બધા પ્રોગ્રામમાં આપણે હળવો
ઇશારો કરીએ એ પછી આપણા ડેટાને આધારે પ્રોગ્રામ પોતે કન્ટેન્ટ તૈયાર કરી આપે છે. એ
ઉપરાંત આ ફીચર્સ બિઝનેસ ચેટ્સ તરીકે પણ ઉમેરાયાં છે, જેથી ટીમ કે સિસ્ટમ સાથે ચેટિંગ કરી શકાશે.
વર્ડમાં આપણે કંઈ પણ લખવું હોય ત્યારે જાતે લખવાને બદલે વર્ડને જ શરૂઆત કરવા
કહી શકીએ છીએ. આપણી જરૂરિયાત મુજબ પહેલો ડ્રાફ્ટ વર્ડ પોતે તૈયાર કરી આપશે.
માઇક્રોસોફ્ટ કહે છે કે કાં તો એ આપણને પરફેક્ટ લાગે અથવા તેમાં ઘણા સુધારા કરવા
જેવું લાગે, પરંતુ મૂળ મુદ્દો એ કે શરૂઆત
આપણે નહીં કરવી પડે.
પાવરપોઇન્ટમાં આખેઆખા પ્રેઝન્ટેશન પણ કોપાઇલટ તૈયાર કરી આપશે. જેમ કે આપણે
થોડા સમય પહેલાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હોય અને તેના વિશે કોપાઇલટને જણાવીએ
તો એ તેમાંથી ઇમેજ સાથેની અલગ અલગ સ્લાઇડવાળું પ્રેઝન્ટેશન તૈયાર કરી આપશે.
એક્સેલમાં આપણા ડેટા ટેબલમાંથી કોપાઇલટ ટ્રેન્ડ તારવી આપશે અને ગણતરીની
સેકન્ડ્સમાં ડેટા વિઝ્યુઅલાઇઝેશન, જેમ કે ચાર્ટ અને ગ્રાફ પણ
તૈયાર કરી આપશે.


