For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેને ગુલામ બનાવીએ

Updated: Aug 14th, 2021

Article Content Image

થોડા સમય પહેલાં, વોટ્સએપ પર એક રમૂજ ફરતી થયેલી - ‘‘આવનારી પેઢીમાં મમ્મી બાળકોને કહેશે કે તમને મોટાં કરવા હું ૧૦-૧૦કલાક ઓફલાઇન રહી છું...’’ મમ્મી હોય કે પપ્પા, દાદા હોય કે દાદી કે પછી કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, હવે સૌ પોતપોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલા રહે છે. કરિયાણાના શોપિંગ મોલમાં જાઓ તો તેમાં પણ શોપિંગની કાર્ટમાં બેસાડેલા ટાબરિયાના હાથમાં મોબાઇલ પકડાવેલો જોવા મળે છે.

ટેકનોલોજી આપણી ગુલામ બનવી જોઈએ, એને બદલે થઈ રહ્યંુ છે ઉલટું. વાસ્તવમાં ટેકનોલોજી આપણે માટે છે, નહીં કે આપણે ટેકનોલોજી માટે!

તમેે અડધી રાત્રે બાથરૂમ જવા ઊઠો ત્યારે મોબાઇલમાં મેસેજિસ જોઈ લેવાની તલબ લાગે છે? રેસ્ટોરાંમાં રીયલ ફ્રેન્ડ્સ સાથે ડીનર પર ગયા હો ત્યારે એ ફ્રેન્ડ્સને પડતા મૂકી, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરના ફ્રેન્ડ્સ સાથે ફૂડ ડિશના સ્નેપ્સ શેર કર્યા વિના રહી શકતા નથી? એ પછી, દરેક કોળિયો મોમાં જાય એ પહેલાં, કેટલી લાઇક્સ મળી એ ચેક કરી લેવાનું મન થાય છે?  યુટ્યૂબ પર કે ઓટીપી પર બિન્જ વોચિંગમાં કેટલા કલાક નીકળી ગયા એ ખબર પણ રહેતી નથી? તો નક્કી સમજો કે તમે ટેક્નોલોજીના ગુલામ બની ગયા છો!

આપણે આ સ્થિતિ ઉલટાવી શકીએ છીએ.

ગૂગલ, યુટ્યૂબ, ફેસબુક, ટ્વીટર, પિન્ટરેસ્ટ કે અન્ય તમામ પ્રકારની વેબ સર્વિસ આખરે આપણે તેના પર કેટલા એક્ટિવ રહીએ છીએ તેના પર જ નભે છે, છતાં આ બધી કંપનીઓને પણ હવે ટેક્નોલોજીના વધુ પડતા એડિક્શનની આડઅસરો થોડીઘણી સમજાઈ છે. ગૂગલે એન્ડ્રોઇડમાં ‘ડિજિટલ વેલબીઇંગ’ નામે એક સગવડ આપી છે, જે આપણને બતાવે છે કે આપણે સ્માર્ટફોનમાં કઈ કઈ બાબત માટે કેટલો સમય વાપરીએ છીએ કે બગાડીએ છીએ.

કોરોનાને કારણે તમારે સંતાનોના હાથમાં મોબાઇલ મૂકવા પડ્યા હોય તો તમે આ ડિજિટલ વેલબીઇંગ સેક્શનમાં જઈને દીકરી કે દીકરો આખા દિવસ દરમિયાન કઈ કઈ એપમાં કેટલો સમય ગાળે છે તે તપાસી શકો છો.

આ તો ટેક્નોલોજીની ગુલામીમાંથી આઝાદી મેળવવાની વાત થઈ. એ સિવાય, આપણે આખી સ્થિતિ ઉલટાવી પણ શકીએ. ટેક્નોલોજી કામની તો છે જ, ફક્ત કોણ કોના પર હાવી થઈ શકે છે એ જ મહત્ત્વનું છે!

જેમ કે કમ્પ્યૂટરની વાત કરીએ તો એમાં ઘણાં બધાં કામકાજ એવાં હોય છે જે મોટા ભાગે આપણે મેન્યુઅલી એટલે કે જાતે કરતા હોઇએ છીએ, પરંતુ એ જ કામ થોડું સ્માર્ટ થિંકિંગ કરીને કરીએ તો એ કામની જવાબદારી આપણે કમ્પ્યૂટરને માથે નાખી શકીએ અને આપણું કામ સહેલું બનાવી શકીએ.

અહીંથી આગળ, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનને સંબંધિત કેટલાંક એવાં નાનાં નાનાં ઉદાહરણ આપ્યાં છે, જેમાં જાતે મજૂરી કરવાને બદલે એ કામ સ્માર્ટલી કરીએ તો આપણને જોઇતું કામ ફટાફટ કરીને, વાસ્તવિક જિંદગી માટે પણ થોડો વધુ સમય ફાળવવાની તક મેળવી શકીએ - જો એવી ઇચ્છા હોય તો!

અહીં માત્ર ટૂંકમાં વાત કરી છે, આ દરેક બાબત વિશે વધુ જાણવા તમારે તેમાં થોડા ઊંડા ઊતરવું પડશે.

સાવ સાદી રીતે શરૂઆત કરીએ તો કમ્પ્યૂટરમાં વિન્ડોઝ એક્સપ્લોરરમાં સંખ્યાબંધ ફાઇલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવી હોય તો એક એક ફાઇલ મૂવ કરવાને બદલે બાજુ બાજુમાં બે વિન્ડો ઓપન કરીને એક સાથે સંખ્યાબંધ ફાઇલ્સ (સળંગ ક્રમબદ્ધ ગોઠવાયેલી ફાઇલ્સ અથવા અલગ અલગ રહેલી ફાઇલ્સ) સિલેક્ટ કરીને તેને એક સાથે બીજા ફોલ્ડરમાં મૂવ કરતાં આપણને આવડવું જોઇએ.

એ જ રીતે સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ એક સાથે બદલવાની સગવડ પણ વિન્ડોઝ એક્સપ્લોરર આપે છે. ફોટોઝને યોગ્ય રીતે સ્ટોર કરવા માટે આ વાત બહુ કામ લાગી શકે.

ફોટોશોપ જેવા પ્રોગ્રામમાં તમારે ઢગલાબંધ ફાઇલ્સમાં એક સરખા પ્રકારનું એડિટિંગ કરવાનું હોય તો તેમાં એક ફાઇલ પર લીધેલાં એકશન્સ રેકોર્ડ કરીને, બીજી તમામ ફાઇલ્સ પર ફક્ત એક શોર્ટકટ કીની મદદથી એ એકશન્સ રીપીટ કરવાની સગવડ હોય છે. આ શીખી રાખશો તો બહુ સમય બચશે.

એક્સેલ અને વર્ડ જેવા પ્રોગ્રામમાં મેક્રોઝ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આપણે એક સરખા પ્રકારનું કોઈ કામ વારંવાર કરવાનું થતું હોય તો તેના માટે મેક્રો રેકોર્ડ કરીને આપણી મગજમારી મેક્રોને માથે નાખી શકીએ છીએ.

વર્ડમાં લગભગ એક પ્રકારના ડોક્યુમેન્ટ્સ બનાવવાનું થાય છે? તેમાં ટેમ્પ્લેટ સેટ કરતાં શીખી જાઓ!

ઓફિસમાં આપણે વારંવાર એક સરખા લેટર અનેક લોકોને મોકલવાના થતા હોય છે. ફક્ત એક વાર થોડો સમય કાઢીને મેઇલમર્જ કરતાં શીખી જશો તો એક્સેલમાં સેવ કરેલાં એડ્રેસીસ વર્ડમાં લેટરની ફાઇલમાં બોલાવીને એક સાથે અનેક, જુદા જુદા એડ્રેસ ધરાવતા લેટર્સની પ્રિન્ટ તમે મેળવી શકશો.

જીમેઇલમાં પણ તમારે એક સરખા પ્રકારના મેઇલ્સ, જુદા જુદા સમયે અનેક લોકોને મોકલવાના થતા હોય તો એક મેઇલનું ટેમ્પલેટ બનાવીને, બીજી વાર કમ્પોઝ બોક્સમાં એ ટેમ્પલેટ કોલ કરીને ફક્ત ઉપરનું એડ્રેસ બદલીને આપણે બહુ ઝડપથી નવી વ્યક્તિને પહેલેથી નિશ્ચિત મેઇલ મોકલી શકીએ છીએ.

‘ટેકનોવર્લ્ડમાં અગાઉ આપણે ડિજિટલ ઓટોમેશનની વાત કરી ગયા છીએ. એ દિશામાં આગળ જઈ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં તમે કોઈ એક એક્શન લો તો તેના આધારે, તમે પોતે કરેલા સેટિંગ અનુસાર બીજી કોઈ સર્વિસમાં પણ એક્શન લેવાય એવાં સેટિંગ કરવાની સગવડ આપતી ઘણી સર્વિસ છે. એનો લાભ ન લેતા હો, તો આજના અને આવતી કાલના સમયમાં તે ચાલે નહીં. સોશિયલ મીડિયા પર તમે અમસ્તા જ એક્ટિવ હો તો જુદી વાત છે, બિઝનેસના પ્રમોશન માટે એક્ટિવ હો તો તેનાં સ્માર્ટ ટૂલ્સ વિશે જાણવું અનિવાર્ય છે.

આગળ કહ્યું તેમ આ બધી સગવડ બહુ નાની નાની છે અને સામાન્ય રીતે આપણી નજરમાં આવતી નથી. પરંતુ તેના પર ફોકસ કરશો તો તમારે માટે મહત્ત્વની બીજી બાબતો પર ફોકસ કરવા વધુ સમય મળશે! કમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાં આવી બીજી સંખ્યાબંધ બાબતો એવી છે, જે આપણું કામ બહુ સહેલું અને ઝડપી બનાવી શકે છે. એટલે જ, આજના દિવસે આ રીતે સ્માર્ટ થિકિંગથી ટેકનોલોજીને આપણે ગુલામ બનાવીએ કે ન બનાવીએ, કમ સે કમ એની ગુલામીમાંથી આઝાદ થવાના પ્રયાસની શરૂઆત તો જરૂર કરીએ.

Gujarat