Get The App

ઇન્સ્ટાગ્રામમાં એન્ક્રિપ્શન સુવિધા બંધ થશે

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામમાં એન્ક્રિપ્શન સુવિધા બંધ થશે 1 - image

આપણે જાણીએ છીએ કે વોટ્સએપમાં આપણા મેસેજિસ એન્ડ-ટુ-એન્ડ-એન્ક્રિપ્ટેડ રહે છે. એટલે કે આપણે વોટ્સએપ પર અન્ય વ્યક્તિને મોકલેલા મેસેજ સામસામેના બે છેડાની વ્યક્તિ સિવાય વચ્ચેથી કોઈ જોઈ, વાંચી કે સાંભળી શકતું નથી. વોટ્સએપ કંપનીના પોતાના એમ્પ્લોઇ પણ આપણા મેસેજ જોઈ શકતા નથી. 

આવી સગવડ ઇન્સ્ટાગ્રામ પર પણ હતી, પરંતુ હવે તે વિદાય લઈ રહી છે. જોકે ઇન્સ્ટાગ્રામનો આપણે વિવિધ પ્રકારનું કન્ટેન્ટ શેર કરવા માટે તથા જોવા માટે વધુ કરીએ છીએ. તેમાં આપણો હેતુ આપણું કન્ટેન્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ જ હોય છે. 

તેમ છતાં ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજિસનો ઉપયોગ કરવામાં આવે એટલે કે એક યૂઝર બીજા યૂઝરને ડાયરેક્ટ, અંગત, ખાનગી મેસેજ મોકલે ત્યારે તેને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત કરવાનો વિકલ્પ હતો.

પરંતુ હવે મેટા કંપનીએ જાહેરાત કરી છે કે મે ૮, ૨૦૨૬થી ઇન્સ્ટાગ્રામમાં આવું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન રક્ષણ મળવાનું બંધ થઈ જશે. 

મેટા કંપનીએ વર્ષ ૨૦૨૩થી ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજિસને એન્ક્રિપ્ટ કરી શકાય તેવી સુવિધા આપી હતી. જોકે કંપનીના કહેવા અનુસાર ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ આ ફીચરનો બહુ ઓછો ઉપયોગ કરતા હતા. 

એક રીતે જોઇએ તો ઇન્સ્ટાગ્રામ જેવા ઘણે અંશે પબ્લિક પ્લેટફોર્મ પર મેસેજિસ એન્ક્રિપ્ટ કરવાની સુવિધા ન હોય એ સારું પણ છે. લોકો આ સુવિધાનો દુરુપયોગ કરીને અન્ય યૂઝર્સ ખાસ કરીને કાચી ઉંમરના યૂઝર્સને અન્ય કોઈ જોઈ ન શકે તેવા મેસેજ મોકલીને પરેશાન કરી શકે છે. જો મેસેજ વચ્ચે કંપની કે તપાસ સંસ્થાઓ જોઈ શકશે તેવો ડર હોય તો અન્ય યૂઝરને ડાયરેક્ટ મેસેજથી હેરાનગતિ કરવાનું પ્રમાણ અંકુશમાં રહી શકે.  ટિકટોક જેવું પ્લેટફોર્મ પણ આ જ કારણે ડાયરેક્ટ મેસેજિસમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા આપતું નથી. 

વોટ્સએપ ઉપરાંત, મેટા કંપનીના અન્ય પ્લેટફોર્મ મેસેન્જર પર પણ હજી પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપટેડ મેસેજ મોકલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.