ઇનસ્ટાગ્રામ રીલ્સની એક અલગ એપ લાવે તેવી સંભાવના
આપણે સૌ હવે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો રીલ્સ અને ઇમેજ પોસ્ટ જોવા ટેવાઈ ગયા છીએ.
પરંતુ હવે સમાચાર છે કે ઇન્સ્ટાગ્રામ માત્ર રીલ્સ માટે એક અલગ એપ લોન્ચ કરે તેવી
સંભાવના છે.
ઇન્સ્ટાગ્રામ ખાસ કરીને ટિકટોકનો સામનો કરવા માટે અથવા કહો કે ટિકટોકની
અનિશ્ચિતતાનો લાભ લેવા માટે આ પગલું વિચારી રહી છે. ભારતમાં ૨૦૨૦થી ચાઇનીઝ
માલિકીની ટિકટોક એપ પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. વિશ્વના અન્ય દેશોમાં પણ જુદી જુદી
રીતે ટિકટોકનો ઉપયોગ મર્યાદિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
તકલીફ એ છે કે લોકોમાં ટિકટોક અત્યંત પોપ્યુલર છે. પરંતુ આ એપની મદદથી લોકોનો
પાર વગરનો ડેટા ચીનના સર્વર અને ત્યાંથી ચીનની સરકારને મળી રહ્યો છે એ વાત સામે
વિવિધ દેશોની સરકારોને વાંધો છે. ટિકટોક પર સંપૂર્ણ પ્રતિબંધનો વિચાર કરનારા
દેશોમાં અમેરિકા સૌથી મોખરે છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડેને તેમના કાર્યકાળ દરમિયાન ટિકટોક કોઈ પણ
અમેરિકન કંપનીને વેચી દેવામાં આવે અથવા તેના પર અમેરિકામાં પ્રતિબંધ મુકાઈ જાય છે
એવા નવા કાયદા પર સહી કરી હતી. તેનું પાલન ન થવાથી અમેરિકામાં એપલ એપ સ્ટોર અને
એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પરથી ટિકટોક એપ થોડા સમય માટે ગાયબ પણ થઈ, પરંતુ એ પછી નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને ૭૫ દિવસનું જીવતદાન આપીને
કાયદાનું પાલન કરવાનો સમય આપ્યો છે.
આ અનિશ્ચિતતાઓને પગલે જો ટિકટોક પર ખરેખર પ્રતિબંધ મુકાય તો તેનાથી ઊભી થયેલી
ખોટ પૂરવા માટે ઇન્સ્ટાગ્રામ ફક્ત રીલ્સ પર આધારિત અલગ એપ લોન્ચ કરવાનું પ્લાનિંગ
કરી રહી છે.
જોકે કંપનીએ અગાઉ આવો એક પ્રયોગ કરી લીધો છે.
તમને કદાચ યાદ હશે કે વર્ષ ૨૦૧૮માં ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ ટિકટોક
સાથે હરીફાઈ કરવા માટે લાસો નામની એક અલગ એપ લોન્ચ કરી હતી. પરંતુ પછી તેને આટોપી લીધી હતી.