AI Video on Social Media: ચેટજીપીટીના સીઇઓ સેમ ઓલ્ટમેન બાદ ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે AI હવે વાસ્તવિકતાને પાછળ છોડી રહ્યું છે. AI આજે એટલા રિયલ વીડિયો બનાવી રહ્યું છે કે યુઝર્સને હવે ખબર નથી પડી રહી કે સાચું શું છે અને ખોટું શું છે. એડમ મોસેરી અનુસાર યુઝર્સ આજે જે પણ જુએ એ દરેક પર સવાલ કરવો જોઈએ. તેઓ જે જુએ છે એ સાચું નથી એ તેમને ખબર હોવી જોઈએ. આપણે જે જોઈએ છીએ એના પર વિશ્વાસ કરવા માટે આપણે ટેવાયેલા છીએ. આથી દરેક માટે AI ખૂબ જ મુશ્કેલી ઊભી કરી શકે છે.
વાસ્તવિક કન્ટેન્ટ ઓળખવાની જરૂર
એડમ મોસેરીના કહ્યા અનુસાર સોશિયલ મીડિયાએ આ AIના બદલાવ સાથે એડજસ્ટ થવાની જરૂર છે. એડમ અનુસાર ઇન્સ્ટાગ્રામમાં હવે કેટલાક ટૂલની જરૂર છે. આ ટૂલ વાસ્તવિક કન્ટેન્ટને ઓળખીને એને વેરિફાઈ કરે અને AI વીડિયોને ઓળખી એના પર ટેગ લગાવવાની જરૂર છે. આ સાથે જ જે-તે યુઝર્સના વીડિયોને રેન્કિંગ અનુસાર ગોઠવવામાં આવી શકે છે. યુઝર વધુ AI કન્ટેન્ટ પોસ્ટ કરતો હશે તો એની ક્રેડિબિલિટી ઓછી થતી જશે. આથી વાસ્તવિક વીડિયો સાથે યુઝર્સને પરિચિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા કેટલાક સ્ટેપ લેવામાં આવી શકે છે.
AI કન્ટેન્ટને લઈને એડમ મોસેરીનું શું માનવું છે?
એડમ મોસેરી કહે છે, ‘આપણે ભલે AI કન્ટેન્ટ વિશે ફરિયાદ કરી રહ્યાં હોઈએ. જોકે એવા કેટલાક AI વીડિયો પણ છે જે ખૂબ જ અદ્ભુત છે.’ એડમ મોસેરી દ્વારા હજી સુધી જણાવવામાં નથી આવ્યું કે મેટા દ્વારા ક્યારે આ ટૂલને રજૂ કરવામાં આવશે. તેના દ્વારા કેમેરા કંપનીની પણ ટીકા કરવામાં આવી છે. તેમના અનુસાર આ કંપનીઓ 2015થી દરેક લોકોને પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ હોય એવા દેખાડવાની કોશિશ કરી રહ્યાં છે. તેમ જ હવે AI આવી જતાં તેમને હવે વધુ સરળતાથી કઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરવાની તક મળી રહી છે.
આ પણ વાંચો : OpenAI બનાવી રહ્યું છે ChatGPT-પેન?, જાણો વિગત...
AI વધુ સ્માર્ટ બનતાં મુશ્કેલ બનશે
ઇન્સ્ટાગ્રામ પર હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. યુઝર્સ હવે બ્લર ફોટો અને વીડિયો શેર કરી રહ્યાં છે. યુઝર્સ હવે એડિટ કરેલા કન્ટેન્ટની જગ્યાએ એડિટ કર્યા વગરના ફોટો શેર કરી રહ્યાં છે. આ પ્રકારના કન્ટેન્ટ હવે દરેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ હાલ પૂરતા AI કન્ટેન્ટને ઓળખી રહ્યું છે. જોકે એડમ મોસેરીએ ચિંતા વ્યક્ત કરી છે કે AI વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યું છે અને સમય જતાં એને ઓળખવું મુશ્કેલ બનશે.


