mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતની અંતરિક્ષ સંશોધનની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટે 600 ગામા રે બર્સ્ટની શોધ કરી

Updated: Nov 29th, 2023

ભારતની અંતરિક્ષ સંશોધનની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટે 600 ગામા રે બર્સ્ટની શોધ કરી 1 - image


- અનંત બ્રહ્માંડનાં અજીબોગરીબ રહસ્યો-આશ્ચર્યો શોધાઇ રહ્યાં છે

- કેડમિયમ ઝીન્ક ટેલ્યુરાઇડ ઇમેજર નામના વૈજ્ઞાાનિક ઉપકરણે સંશોધન કર્યું : વધુ ક્ષમતાવાળું દક્ષ સ્પેસ ટેલિસ્કોપ પણ તૈયાર થાય છે                      

નવી દિલ્હી/મુંબઇ :  ભારતની અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા  એસ્ટ્રોનોમી સેટેલાઇટ (જેેને એસ્ટ્રોનોમી સ્પેસ ટેલિસ્કોપ  અને એસ્ટ્રોસેટ પણ કહેવાય છે) તેની ગરૂડ નજરથી અનંત અંતરિક્ષમાંનાં રહસ્યો  અને આશ્ચર્યો શોધી રહી છે. એસ્ટ્રોસેટે ૨૦૨૩ની ૨૨,નવેમ્બરે પૃથ્વીથી કરોડો કિલો મીટરના અતિ દૂરના અંતરે આવેલા મહાવિરાટ સ્ટાર(અંતરિક્ષનો દરેક  તારો સૂર્ય છે)ના મૃત્યુના તબક્કે બહાર ફેંકાયેલા ૬૦૦ ગામા રે બર્સ્ટ (જીઆરબી) શોધ્યા છે. અથવા તો પકડયા  છે.

૬૦૦ જીઆરબીની શોધ એસ્ટ્રોનોમી સેટેલાઇટના કેડમિયમ ઝીન્ક ટેલ્યુરાઇડ ઇમેજર (સીઝેડટીઆઇ) નામના વૈજ્ઞાાનિક ઉપકરણ દ્વારા થઇ છે. 

આવા ગામા રે બર્સ્ટ અંતરિક્ષમાંના કોઇપણ બે ન્યુટ્રોન સ્ટાર્સની મહાટક્કરમાંથી પણ બહાર  ફેંકાય છે.

એસ્ટ્રોનોમી સેટેલાઇટનાં કુલ પાંચમાંનાં ત્રણ ટેલિસ્કોપ ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર-મુંબઇ)માં બન્યાં છે.

સીઝેડટીઆઇના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર દીપાંકર ભટ્ટાચાર્યે એવી માહિતી આપી હતી કે એસ્ટ્રોસેટનું સીઝેડટીઆઇ ઉપકરણ ખરેખર બહુ  ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. ૨૦૧૫ની ૨૮, સપ્ટેમ્બરે અફાટ અંતરિક્ષમાં તરતી મૂકાયેલી એસ્ટ્રોનોમી વેધશાળાની કામગીરી ખરેખર તો પાંચ વર્ષની હોવા છતાં આજે આઠ વર્ષથી સતત ઉજળી સંશોધનાત્મક કામગીરી કરે છે.સીઝેડટીઆઇ દ્વારા જે ૬૦૦ ગામા રે બર્સ્ટ પકડાયાં છે તેની ઉર્જા આપણો સૂર્યના કુલ આયુષ્ય દરમિયાન  જેટલી ઉર્જા બહાર  ફેંકે તેના કરતાં અનેક ગણી વધુ હોય છે. 

સીઝેડટીઆઇટીમ સાથે સંકળાયેલા અને ૬૦૦ ગામા રે બર્સ્ટ સંશોધનમાં મહત્વનું યોગદાન આપનારા ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી-બોમ્બે)ના એસોસિયેટ પ્રોફેસર વરુણ ભાલેરાવે  ગુજરાત સમાચારને વિશેષ માહિતી  આપતાં કહ્યુ હતું કે અમે ૨૦૨૩ની ૨૨, નવેમ્બરે પૃથ્વીથી અતિ અતિ દૂરના અંતરે આવેલા આપણા સૂર્યના  દળ કરતાં પણ પાંચ ગણું વધુ દળ ધરાવતા સ્ટારના મૃત્યુ તબક્કે તેમાંથી બહાર ફેંકાયેલાં ૬૦૦ ગામા રે બર્સ્ટ પકડયાં  છે.ખરેખર તો ગામા રે બર્સ્ટની સંખ્યા દર વરસે ૭૦-૮૦ જેટલી વધી રહી છે. આમ ભારતની પહેલી વેધશાળા એસ્ટ્રોસેટની કામગીરી  આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ઉજળી બની રહી છે.આવાં જીઆરબી આપણા  સૂર્યના દળ કરતાં પાંચ ગણું વધુ દળ ધરાવતા મહા વિરાટ સૂર્યના મૃત્યુની પ્રક્રિયા દરમિયાન  અથવા તો કોઇપણ બે ન્યુટ્રોન સ્ટાર્સની મહાભયાનક ટક્કર દરમિયાન બહાર ફેંકાય છે.

અમે હજી ૨૦૨૩ની ૨૭, નવેમ્બરે જ ત્રણ વધુ  જીઆરબી પકડયાં  છે.આ સંશોધનકામગીરીની વિગતો અને તેનાં પરિણામ વિશે ૪૦૦ કરતાં વધુ આર્ટિકલ્સ પ્રસિદ્ધ  થયા છે. 

  આપણા એસ્ટ્રોસેટની ખાસ ટેકનિકલ વિશિષ્ટતા એ છે કે તેની કામગીરી અંતરિક્ષનાં એક  કરતાં વધુ  રહસ્યો અને આશ્ચર્યો શોધવાની છે.આમ છતાં તે આવાં ગામા રે બર્સ્ટને પણ પકડવાની અજીબોગરીબ અને વિશિષ્ટ કામગીરી પણ કરે છે.વળી, આપણી આ વેધશાળા દ્વારા થયેલાં સંશોધનની વિગતોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થાય છે, જે આપણા દેશ અને ઇસરો બંને માટે ગૌરવરૂપ છે.

પ્રોફેસર વરુણ ભાલેરાવે બહુ મહત્વનો મુદો  રજૂ કરતાં કહ્યું હતું કે હવે અમે એસ્ટ્રોનોમી વેધશાળાની ક્ષમતા કરતાં પર વધુ ક્ષમતાવાળું દક્ષ સ્પેસ ટેલિસ્કોપ બનાવી રહ્યા છીએ. દક્ષ સ્પેસ ટેલિસ્કોપ પ્રોજેક્ટમાં ઇસરો,  આઇઆઇટી-બી, ટીઆઇએફઆર. પીઆરએલ, રમણ રિસર્ચ ઇન્સ્ટિટયુટ,  ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આયુકા) વગેરે વિજ્ઞાાન સંસ્થાઓ સંકળાયેલી છે. દક્ષ પ્રોજેક્ટ મૂળ આઇઆઇટી-બીનો છે.

Gujarat