- યોગ અને આયુર્વેદ ઉપરાંત કેટલીક પદ્ધતિઓ પણ છે તેથી રૂઝ આવી જાય છે, શારિરીક અને માનસિક સંતુલન જળવાય છે
નવી દિલ્હી : ભારતનાં યોગ અને આયુર્વેદનો કોઈ પર્યાય નથી. યોગ દ્વારા માનવી પરમ શક્તિ સાથે જોડાણ (યોગ) સાધી શકે છે. જ્યારે આયુર્વેદનો અર્થ જ આયુષ માટેનો વેદ છે. આ ઉપરાંત ભારતે અન્ય પદ્ધતિઓ પણ વિકસાવી છે જેવી કે...
(૧) શિરોધારા : શિરોધારામાં હુંફાળું વનસ્પતિજન્ય તેલ ધીમી ધારે કપાળમાં ત્રીજાં નેત્ર (પીનીયલ બોડી) ઉપર રેડવામાં આવે છે. તેથી જ્ઞાનતંત્ર શાંત બને છે. ચિંતા દૂર થાય છે માનસિક સ્પષ્ટતા મળે છે. લાગણીઓ સંતુલિત થાય છે.
(૨) પંચકર્મ : તે પાંચ રીતે શુદ્ધીકરણ કરે છે. શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે. તેમાં વમન, બસ્તી, નાસિક શુદ્ધી તથા વનસ્પતિજન્ય તૈલ મર્દન કરવામાં આવે છે. તેથી યુવાન જેવી સ્ફુર્તિ પ્રાપ્ત થાય છે.
(૩) મર્મ આરોગ્ય : તેમાં દેહનાં મર્મ સ્થાનો શુદ્ધ કરી શક્તિ કેન્દ્રોને ઉદિપ્ત કરાય છે. જે ચીનની એક્યુપ્રેશર જેવી પદ્ધતિ છે જેમાં કેટલાંક વિશિષ્ટ સ્થાનો પર દબાણ કરીને દેહના શક્તિ સ્રોતને સક્રિય કરે છે. તેથી રૂધિરાભિસરણ સુધરે છે. જે કોઈપણ રૂઝ માટે ઉપયોગી છે. તેથી લાગણીઓનું તલ નિયમિત રહે છે. ઉછાળ ઉતાર આવતા રોકાય છે. આ લાગણીઓના ઉછાળ ઉતાર આરોગ્ય માટે હાનીકારક છે.
(૪) નેતિ ક્રિયા : તે યોગિક ષ્ટકર્મનો ભાગ છે. તેથી નાસિકા શુદ્ધ થાય છે. તેમાં નાસિકા દ્વારા જ્યા અંદર ખેંચી પછી બહાર કાઢવાનું હોય છે. યોગીઓ તે નિયમિત રીતે કરે છે તેથી શ્વસન તંત્ર પણ શુદ્ધ અને સક્રિય રહે છે.
(૫) કટિબસ્તી : તેમાં મોટાં વાસણમાં હુંફાળું પાણી ભરી તેમાં બેસવાથી કમરથી નીચેનો ભાગ શુદ્ધ અને સબળ બને છે. તેમાં આયુર્વેદિક તેલ પણ નાખવું જોઇએ તેથી કરોડરજ્જુને લાભ થાય છે.
(૬) ગંડુશા : તેમાં મોમાં ઔષધીયુક્ત તેલ ભરી રાખવામાં આવે છે. તેથી મોમાં કે દાંતોમાં રહેલાં ઝેરી તત્ત્વો બહાર ખેંચાઈ જાય છે. વળી તેથી ગાલ ફૂલે છે. પરિણામે મોં ઉપર કરચલીયો પડતી પડતી અટકે છે. આ પદ્ધતિની વિશિષ્ટતા તે છે કે તેથી સ્મરણ શક્તિ પણ વધે છે. કારણ કે તેથી તાલુ (તાળવું) હુંફ પામે છે. જેનો સીધો સંબંધ (ઉપલાં તાળવાનો) મગજ સાથે છે. મગજ શાંત અને સ્થિર આ પદ્ધતિથી થાય છે. તેથી સ્મરણ શક્તિ વધે છે.
આમ યોગ, આયુર્વેદ પંચકર્મ વગેરે માનવીને નવજીવન અને નવસ્ફૂર્તિ આપે છે.


