Starlink Delay in India: ભારતે Starlinkના ઇન્વેસ્ટમેન્ટ પર તાત્કાલિક ધોરણે બ્રેક લગાવી છે. Elon Muskની કંપનીની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા અંગે સરકાર SpaceXની માલિકીને લગતી બાબતો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની વધુ નજીકથી તપાસ કરી રહી છે. ટેલિકોમ્યુનિકેશન અને સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં વિદેશી ભાગીદારી વિશે ભારત દ્વારા ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે અને આ ઇન્વેસ્ટમેન્ટ એના કારણે જ અટકાવવામાં આવ્યું છે. ભારત નથી ઇચ્છતું કે પોતાના દેશમાં કોઈ પણ સર્વિસ ચાલુ હોય એની કમાન અન્ય દેશ અથવા તો અન્ય દેશની કંપનીના હાથમાં હોય. આથી સરકાર હવે એ વિશે ખૂબ જ ચર્ચા વિચારણા કરી રહી છે.
વૈશ્વિક તણાવ વચ્ચે સરકારે કમર કસી
સ્ટારલિંક દ્વારા સેટેલાઇટ મારફતે હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પૂરી પાડવાની સંભાવનાએ વિશ્વભરમાં ખાસ કરીને ઓછી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં વિશેષ રસ જગાવ્યો છે. જોકે ભારતમાં સરકાર સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. અધિકારીઓ સ્પેસએક્સની માલિકીનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને અંતિમ મંજૂરી પહેલાં ટેકનિકલ તથા ઓપરેશનલ સુરક્ષા પગલાં અંગે સ્પષ્ટતા માંગી રહ્યા છે.
આ સાવચેત વલણ પાછળ વધતા વૈશ્વિક તણાવ પણ એક મુખ્ય કારણ છે. કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હવે સ્ટ્રેટેજિક એસેટ તરીકે જોવામાં આવતું હોવાથી ભારત સરકાર દ્વારા આ સર્વિસને આંધળાની જેમ અપનાવતા પહેલાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
લાઇસન્સ મળ્યા છતાં અંતિમ મંજૂરી બાકી
સ્ટારલિંકને ભારતમાં કામગીરી માટે પ્રાથમિક લાઇસન્સ મળી ચૂક્યા છે, છતાં તેને સ્પેક્ટ્રમ ફાળવણી અને વિદેશી રોકાણ માટે અંતિમ મંજૂરી મેળવવી જરૂરી છે. આ મંજૂરીઓ સંપૂર્ણ સુરક્ષા મૂલ્યાંકન પર આધારિત છે. આ માટે હાલમાં સરકાર ફરી વિચાર કરી રહી છે.
અગાઉના કેટલાક કેસમાં સ્ટારલિંકના સાધનો સંવેદનશીલ અથવા પ્રતિબંધિત વિસ્તારો જેમ કે ઇરાનમાં ઉપયોગમાં લેવાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આવા બનાવોને કારણે સેટેલાઇટ આધારિત સંચાર પ્રણાલીઓના સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વધેલી છે, ખાસ કરીને યુદ્ધ અને ઇમરજન્સી સમયે. ભારત નથી ઇચ્છી રહ્યું કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે સ્ટારલિંકની સર્વિસ ચાલુ હોય અને દુનિયાભરના દેશોને એ વિશે માહિતી પહોંચાડતું રહે. તેમ જ ભારત વિશે અન્ય દેશને માહિતી આપે.
નવી ટેક્નોલોજી અને સુરક્ષા વચ્ચે સંતુલન
ભારતનો અભિગમ આધુનિક ટેક્નોલોજી અપનાવવાની સાથે-સાથે રાષ્ટ્રીય હિતોને પણ ધ્યાનમાં રાખવાનો છે અને એમાં સુરક્ષા સૌથી પહેલાં આવે છે. સેટેલાઇટ ઇન્ટરનેટ ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં ડિજિટલ સેવાની અછતને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ વિદેશી કંપની દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવતું હોવાથી તેને લઈને ઘણાં જોખમો ઊભા થવાનો ડર પણ એટલો જ રહેલો છે.
સ્ટારલિંક ભારતમાં હવે શું કરશે?
સ્ટારલિંક હવે બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા માટે ભારતીય અધિકારીઓ સાથે વધુ ચર્ચાઓ કરશે તેવી શક્યતા છે. આ ચર્ચાઓ પારદર્શિતા, નિયમોનો અમલ અને ટેકનિકલ ખાતરીઓ પર કેન્દ્રિત રહેશે. જોકે ભારત દ્વારા જે બ્રેક લગાવવામાં આવી છે તેને કારણે સ્ટારલિંકના રોલઆઉટમાં વધુ સમય લાગી શકે છે. આ પગલું દર્શાવે છે કે ભારતમાં કોઈ પણ સંવેદનશીલ ક્ષેત્રોમાં પ્રવેશતા દરેક નવા ખેલાડી કે કંપની દેશની સુરક્ષા અને નિયમનકારી માપદંડો સાથે સુસંગત રહે. જો આ તમામ ચિંતાઓ સફળતાપૂર્વક ઉકેલાશે, તો સ્ટારલિંક ભારતભરમાં ઇન્ટરનેટ પહોંચ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.


