Aditya L-1ની મોટી સફળતા, સૂર્યની વિરાટ થાળી પર સૌરજ્વાળા અને દુર્લભ પ્લાઝ્માના પરપોટાની તસવીરો મેળવી
ISRO and Aditya L1 : ભારતના સૂર્યના અભ્યાસ માટેના પહેલા આદિત્ય- એલ ૧ અવકાશયાને સૂર્યની વિરાટ થાળી પરથી સર્જાયેલી વિશાળ સૌરજ્વાળા અને ભાગ્યે જ જોવા મળતા પ્લાઝ્માના પરપોટાની ઇમેજ મેળવવામાં સફળતા મેળવી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) 2025ની 14,મે, બુધવારે આ મહત્વની માહિતી આપી છે. આદિત્ય --એલ 1 અવકાશયાન 2023ની 2, સપ્ટેમ્બરે તરતું મૂકાયું છે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે સૂર્યમાંથી સર્જાયેલી વિશાળ સૌર જ્વાળાની અને પ્લાઝ્માના પરપોટાની ઇમેજીસ આદિત્ય-એલ 1 ના સોલાર એલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ(એસયુઆઇટી-- સ્યુઇટ) નામના વૈજ્ઞાાનિક ઉપકરણે ૨૦૨૩ની ૩૧, ડિસેમ્બરે લીધી છે.
સ્યુઇટના નિરીક્ષણ મુજબ સૌરજ્વાળા એક્સ -- શ્રેણીની છે. આ શ્રેણીની સૌરજ્વાળા સૂર્યના એનઓએએ -- 13536 સંજ્ઞાા ધરાવતા હિસ્સામાંથી બહાર ફેંકાઇ છે. સાથોસાથ, સૂર્યમાંના પ્લાઝ્માની ગતિવિધિ પણ અત્યંત સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. આમ તો સૂર્યમાં પ્લાઝ્માનો વિશાળ દરિયો સતત ઉકળતો હોય છે. પ્લાઝ્મા એક ચોક્કસ પ્રકારનો કુદરતી વાયુ છે.
આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરૂઆતના તબક્કે પ્લાઝ્માના પરપોટાની ગતિ 300 કિલોમીટર(પ્રતિ સેકન્ડ)ની હતી. જોકે સમય જતાં તેની ગતિ અત્યંત વધીને 1500 કિલોમીટર(પ્રતિ કલાકની થઇ ગઇ હતી. આટલી અત્યંત તીવ્ર ગતિએ તો પ્લાઝ્માના પરપોટા ફક્ત 30 સેકન્ડ્ઝમાં પૃથ્વીના વિશાળ ગોળાની એક પ્રદક્ષિણા પૂરી કરી શકે. સૂર્યમાં થતાં આ પ્રકારનાં ભયંકર તોફાન ભાગ્યે જ જોવા મળે છે. જોકે આ ઘટનાની સાથોસાથ એ તબક્કે સૂર્યનો ઝળહળાટ પણ થોડોક ઝાંખો થઇ ગયો હતો.
સૂર્યની વિરાટ અને 6000 કેલ્વીન(સૂર્ય સહિત કોઇપણ તારાના તાપમાન માટે કેલ્વીન શબ્દ વપરાય છે) કલ્પનાતીત ઉષ્ણતામાન સાથે ધગધગતી સપાટી પરથી ફેકાતી સૌર જ્વાળાની વિદ્યુત ચુંબકીય થપાટ અત્યંત શક્તિશાળી હોય છે. વળી, આવી સૌરજ્વાળાઓ સાથે આખા બ્રહ્માંડમાં વિપુલ પ્રમાણમાં રેડિયેશન(કિરણોત્સર્ગ) પણ ફેલાય છે. સૌરજ્વાળા કદાચ પણ પૃથ્વી સુધી આવી જાય તો સંદેશા વ્યવહાર, વીજળી પુરવઠો, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ વગેરે ખોરવાઇ જાય.ઉપરાંત, અંતરિક્ષમાં ઘુમતા સેટેલાઇટ્સને પણ ભારે મોટું નુકસાન થઇ શકે.
ઇસરોનાં સૂત્રોએ બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું છે કે સામાન્ય રીતે તો સૌર જ્વાળાનો સંશોધનાત્મક અભ્યાસ એક્સ -- રેઝ અને એક્સ્ટ્રીમ --એલ્ટ્રાવાયોલેટ લાઇટમાં જ થાય છે. જોકે સ્યુઇટ ઉપકરણે સૂર્યમાં થતી અજીબોગરીબ ગતિવિધિનું નિરીક્ષણ નિયર --અલ્ટ્રાવાયોલેટમાં કર્યું છે તે પ્રક્રિયા ખરેખર બહુ જ વિશિષ્ટ છે.આવી વિશિષ્ટ પદ્ધતિથી ખગોળશાસ્ત્રીઓ ખાસ પ્રકારનાં ડિઝાઇન કરેલાં ૧૧ ફિલ્ટર્સ દ્વારા સૂર્યના વાતાવરણના નીચેના હિસ્સા ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરમાં થતી ગતિવિધિની માહિતી મેળવી શકશે.
ઉપરાંત, આ પ્રકારના સંશોધનાત્મક અભ્યાસ દ્વારા સૂર્યના વાતાવરણમાંથી એનર્જી(ઉર્જા-ગરમી) કઇ રીતે બહાર ફેંકાય છે. સાથોસાથ સૌર જ્વાળાની સ્પેસ વેધર(સૌરજ્વાળાની અસરથી પૃથ્વીના વાતાવરણ,હવામાન,ઋતુચક્ર વગેરેમાં થતી અસરને સ્પેસ વેધર કહેવાય છે) માં કેવી અને કેટલી અસર થાય છે તેની ઉપયોગી માહિતી મેળવી શકશે.
* આદિત્ય -- એલ 1 અવકાશયાનનો હેતુ : ઉપકરણો : વિશિષ્ટતા :
આદિત્ય -- એલ 1 અવકાશયાનમાં વિઝિબલ એમીશન લાઇન કોરોનાગ્રાફ(વીઇએલસી)નામનું આધુનિક ટેકનોલોજીવાળું વૈજ્ઞાાનિક ઉપકરણ છે. આદિત્ય --એલ 1 માં કુલ સાત વૈજ્ઞાાનિક ઉપકરણો છે.
* દરરોજ સૂર્યની 1440 ઇમેજીસ મળે છે :
આ જ વીઇએલસી ઉપકરણ દરરોજ -24 કલાકમાં સૂર્યની 1440ઇમેજીસ પૃથ્વી પર મોકલી રહ્યું છે . એક મિનિટે સૂર્યની એક ઇમેજ મળે છે. ઇસરોના વિજ્ઞાાનીઓ સૂરજની આ તમામ ઇમેજીસનો ગહન અભ્યાસ કરીને સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિ વિશે પાયારૂપ જાણકારી મેળવી રહ્યા છે.
* સ્પેસ વેધરની ઉપયોગી માહિતી મળે છે :
ભારતનુંઆદિત્ય-એલ 1 અવકાશયાન લાગ્રાન્ગ પોઇન્ટ -1 પર રહીને સ્પેસ ઓબ્ઝર્વેટરીની કામગીરી કરી રહ્યું છે. એટલે સૂરજમાં થતાં તોફાન અને ઉગ્ર ગતિવિધિની આગોતરી જાણકારી મેળવે છે. આવી ઉપયોગી માહિતીથી ભારત સરકાર અને હવામાન વિભાગ જરૂરી બધી સલામતી વ્યવસ્થા કરી શકશે. નાગરિકાને સાવધાન રહેવાની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી શકશે.