Get The App

શું તમને ઇન્કમ ટેક્સ રીફંડનો ઇમેલ આવ્યો છે? સ્કેમ હોઈ શકે છે, ચેતીને રહેજો...

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
શું તમને ઇન્કમ ટેક્સ રીફંડનો ઇમેલ આવ્યો છે? સ્કેમ હોઈ શકે છે, ચેતીને રહેજો... 1 - image


Income Tax Fraud: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. છેતરપિંડી કરનાર હાલમાં ટેક્સ ભરનારને ટાર્ગેટ કરી રહ્યાં છે. છેતરપિંડી કરનારા ખોટા ઇમેલ મોકલી રહ્યાં છે જે ઓરિજિનલ ઇમેલ હોય એવા જ દેખાય છે. તેઓ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવતાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેવા જ ઇમેલ મોકલી રહ્યાં છે. આ ઇમેલ મોકલી તેઓ પર્સનલ અને નાણાકીય માહિતી ચોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ ખોટા ઇમેલમાં સ્પેલિંગમાં નાની ભૂલ કરવામાં આવી હોય છે અને એ લિંકને યુઝરને મોકલવામાં આવે છે. એના પર ક્લિક કરવાથી ઓળખ ચોરી થઈ શકે છે. નાણાકીય માહિતી ચોરી થઈ શકે છે અને પરિણામે ખાતા ખાલી થઈ શકે છે. ટેક્સ ભરનારની માહિતીનો ખોટી રીતે ઉપયોગ પણ થઈ શકે છે.

ઇમેલ વેરિફિકેશન કરવું  

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે ટેક્સ આધારિત કોઈ પણ ઇમેલ આવે તો સૌથી પહેલાં એને વેબસાઇટ પર જઈને ચેક કરવું. આ માટે સરકારી વેબસાઇટ www.incometax.gov.in છે. એના પર જઈને તમામ માહિતી પહેલાં ચેક કરવી ત્યાર બાદ ઇમેલની લિંક ઓપન કરવી અથવા તો મેસેજમાં આવેલી લિંક ઓપન કરવી. જે પણ વ્યક્તિને કોઈ પણ ઇમેલ આ પ્રકારના આવે તો તેમણે સીધું એને webmanager@incometax.gov.in પર સેન્ડ કરી દેવું. આ સાથે જ સાઇબર સિક્યોરિટીની ટીમને પણ incident@cert-in.org.in સેન્ડ કરવું.

ફિશિંગ એટેક્સમાં થઈ રહ્યો છે વધારો  

ઇન્કમ ટેક્સ રીફંડ કરવાનું જ્યારથી શરૂ થયું ત્યારથી આ પ્રકારના એટેક સામે આવી રહ્યાં છે. આથી ઇન્કમ ટેક્સ દ્વારા લોકોને રીફંડ પ્રોસેસની માહિતીથી દૂર રહી ફક્ત ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડેટા ચેક કરવા માટે વિનંતી કરી છે. છેતરપિંડી કરનાર દ્વારા આ માટે નકામી ઇમરજન્સી ઊભી કરે છે અને યુઝરને વિચારવાનો સમય નથી આપતાં. તેમની પાસેથી વિવિધ માહિતી કઢાવી લેવામાં આવે છે. આથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા કોઈ પણ દિવસ પાસવર્ડ, વન-ટાઇમ-પાસવર્ડ, બેન્ક ડિટેઇલ અને આધારકાર્ડ વિશેની માહિતી માગવામાં નથી આવતી.

છેતરપિંડી કરનાર સામે થઈ રહી છે કાર્યવાહી  

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હવે ટેક્સ ફ્રોડ સામે કરવામાં આવતી કાર્યવાહી વધારી દેવામાં આવી છે. તેઓ હવે સખત પગલાં લઈ રહ્યાં છે. આ રીતે થતી છેતરપિંડી અટકાવવા માટે સાઇબર સિક્યોરિટી પણ કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે? જાણો વિગત...

ટેક્સ ફ્રોડ સામે પણ સરકારની સખતી  

સરકાર દ્વારા હવે ટેક્સ ભરવામાં પણ જે ફ્રોડ કરવામાં આવી રહ્યાં છે એ સામે પણ સખતી દેખાડવામાં આવી રહી છે. સરકારને જાણવા મળ્યું છે કે એક પેન-ઇન્ડિયા નેટવર્ક છે જેઓ લોકોના IT રિટર્ન ભરે છે. તેઓ પૈસા બચાવવા માટે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ ખોટા આંકડા દેખાડે છે. તેઓ હવે રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઓ અને કેટલાક ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટમાં ડોનેશન પણ દેખાડે છે. આથી સરકાર આ લોકો તરફ પણ કડક પગલાં લઈ રહી છે.