મેપ્સમાં મહત્ત્વનાં લોકેશન સેવ્ડ રાખી શકાય, આ રીતે...
આજના સમયમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, ત્યારે એ લોકેશન સુધી પહોંચવાનો રસ્તો આપણે જાણતા હોઈએ ત્યારે પણ ગૂગલ કે અન્ય મેપ સર્વિસ ઉપયોગી થઈ શકે છે. મેપ્સમાં આપણા રસ્તે ટ્રાફિકની સ્થિતિ લાઇવ જોઈ શકાય છે, એટલે ક્યાં ટ્રાફિક જામ છે એ પહેલેથી જોઈ લઇએ તો બીજો કોઈ રુટ લઈ શકાય.
ટુ-વ્હિલર પર મેપ્સ તો ઠીક, સ્માર્ટફોનનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ બિલકુલ યોગ્ય નથી (છતાં લોકો એમ કરે છે અને પોતાનો તથા બીજાના જીવ જોખમમાં મૂકે છે, તમારા પરિવારમાં કોઈને આવી ટેવ હશે જ, સમયસર ચેતવજો!). પરંતુ જો તમારી કારમાં એન્ડ્રોઇડ કે એપલ ઓટોની સગવડ હોય તો ફોનને કેબલથી કાર સાથે કનેક્ટ કરવાથી મોટા સ્ક્રીન પર મેપ્સનો લાભ લઈ શકાય અને વોઇસ કમાન્ડથી નેવિગેટ પણ કરી શકાય.
મેપ્સની આવી બધી સગવડો આપણે જાણીએ છીએ, છતાં ઘણી વાર તેનો પૂરો લાભ લેવાનું ચૂકી જઈએ છીએ.
જેમ કે આપણે કોઈ બેસણામાં જવાનું હોય કે પછી કોઈ પાર્ટીમાં, જ્યાં જવાનું હોય ત્યાંનું ઇન્વિટેશન આપણને વોટ્સએપમાં આવી ગયું હોય. સામેની પાર્ટી સજાગ હોય તો એ આપણને મેપ્સ પર લોકેશનની લિંક પણ શેર કરે. સજાગ ન હોય, તો મોટા ભાગે એવું થાય કે આપણે એ સ્થળે જવા માટે નીકળીએ ત્યારે જ ફોનમાં મેપ્સ એપ ઓપન કરીને એનું એક્ઝેક્ટ લોકેશન શોધવાની મથામણ કરીએ! કારની સિસ્ટમ સાથે ફોન કનેક્ટ કરીને વોઇસ કમાન્ડથી લોકેશન આપીને તેને રસ્તો બતાવવા કહી શકાય, પણ સિસ્ટમ આપણા ઉચ્ચાર સમજવામાં ગોટા કરે તો આપણો રઘવાટ વધે.
આ બધાથી બચવાનો એક સહેલો રસ્તો છે ગૂગલ મેપ્સમાંનું લોકેશન સેવ કરવાનું ફીચર. આપણે જ્યાં જવું હોય એક સ્થળ અથવા એકથી વધુ સ્થળોને મેપ્સમાં પહેલેથી, ફુરસદ હોય ત્યારે બરાબર સર્ચ કરીને સેવ કરી રાખી શકાય છે. આવાં સ્થળોને જુદાં જુદાં લિસ્ટમાં પણ સેવ કરી શકાય છે. જો પાર્ટીના દિવસે કે આગલા દિવસે તમે લોકેશન સર્ચ કરીને સેવ કરી લેશો તો કારમાં મેપ્સ ઓપન કરતાં, સીધું જ એ સ્થળ જોવા મળશે! બસ ક્લિક કરો અને મેપ્સના માર્ગદર્શન મુજબ આગળ વધો.
ટેકનોલોજીથી આપણો સ્ટ્રેસ ઘટવો જોઈએ, તો જ એ કામની!
સેવ્ડ લોકેશનના પેજ પર પહોંચીએ
ફોનમાં મેપ્સ ઓપન કરીને, ઉપર જમણા ખૂણે તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. આથી મેપ્સનાં વિવિધ ફીચર્સ તથા સેિટંગ્સ સુધી પહોંચવાની લિંક્સ ધરાવતી એક વિન્ડો પોપ-અપ થશે.
તેમાં ‘સેવ્ડ’ પર ક્લિક કરો.
સેવ્ડ લોકેશન તપાસીએ
જો તમે મેપ્સમાં તમારા ઘર અને ઓફિસનાં લોકેશન સેવ કર્યાં હશે તો તે અહીં જોવા મળશે (ન કર્યાં હોય તો અહીંથી સેવ કરી શકાશે). એ સિવાય તમે જે તે સ્થળો વિઝિટ કર્યાં હોય તે પણ જોવા મળશે. એક્સ્પ્લોર ટાઇમલાઇન પર ક્લિક કરશો તો ફોન આપણું કેવું પગેરું દબાવે છે એ જોઈને હળવો આંચકો લાગશે!
રેડી-ટુ-યૂઝ લિસ્ટ તપાસીએ
‘સેવ્ડ’ આઇટમ્સના પેજ પર નીચેની તરફ ‘યોર લિસ્ટ્સ’ શીર્ષક સાથે પહેલેથી નિશ્ચિત લિસ્ટ્સ જોવા મળશે. તેમાંથી કોઈ પણ લિસ્ટ ઓપન કરી તેમાં નવું લોકેશન ઉમેરી શકાય. વોટ્સએપમાંની લોકેશન લિંક ક્લિક કરીને મેપ્સમાં કોઈ લોકેશન ઓપન કર્યું હોય તો ત્યાંથી જ તેને સેવ કરી શકાશે.
નવાં િલસ્ટ (બિઝનેસ માટે પણ ઉપયોગી)
તમને મેપ્સમાં પહેલેથી મળતાં લિસ્ટ્સથી સંતોષ ન હોય તો નવાં લિસ્ટ ઉમેરી શકાય. આવાં લિસ્ટને આપણે પ્રાઇવેટ કે પબ્લિક રાખી શકીએ તેમ જ અન્ય લોકો સાથે શેર પણ કરી શકીએ. તમે તમારા બિઝનેસ માટે ગૂગલ મેપ્સ પર ક્લાયન્ટ્સ શોધતા હો તો વિવિધ કેટેગરીનાં લિસ્ટ બનાવી, ટીમ સાથે શેર કરી શકાય!
ઇચ્છો તો લિસ્ટને ઇમોજીથી સજાવો
તમે ઇચ્છો તો નવું લિસ્ટ ક્રિએટ કરતી વખતે, સૌથી ઉપર ‘ચૂઝ આઇકન’ પર ક્લિક કરીને તમારા લિસ્ટ માટે ઇમોજી સેટ કરી શકો. જેમ કે તમારાં ફેવરિટ પિઝા જોઇન્ટ્સનું લિસ્ટ બનાવ્યું હોય તો તેને માટે પિઝાનો ઇમોજી સેટ કરી શકાય. તમે ઇચ્છો તો તમારા લિસ્ટમાં સેવ કરેલ લોકેશનનો ક્રમ બદલી શકો છો.
મન પડે ત્યારે સેવ્ડ લોકેશન તપાસો
આ પછીનું કામ સહેલું છે. તમે ઇચ્છો ત્યારે સેવ્ડ લોકેશનના લિસ્ટ સુધી પહોંચીને તેમાંનાં લોકેશન જોઈ શકો છો. આગળ કહ્યું તેમ, કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમમાં મેપ્સ કનેક્ટ કરશો તો તેમાં મોટા ભાગે તમે નજીકના સમયમાં સેવ કરેલું લોકેશન સીધું સ્ક્રીન પર આવી જશે,તમારે ફક્ત નેવિગેશન સ્ટાર્ટ કરવાનું રહેશે.