For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગૂગલ આપણા વિશે કેટલું જાણે છે, એ તમે પોતે જાણવા માગતા હો તો આ વિગતો કામ લાગશે

Updated: Aug 31st, 2020


અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર

ફક્ત 10 સરનામાં જાણો ગૂગલની વળતી જાસૂસી કરો

આપણા વિશે ગૂગલ આપણા જીવનસાથી કરતાં પણ વધુ જાણે છે તેમ કહેવામાં હવે જરાય અતિશયોક્તિ નથી. સ્માર્ટફોનનો ઉપયોગ આજના જેટલો પ્રચલિત નહોતો થયો, ત્યારે આપણે ઇન્ટરનેટ પર કંઈક સર્ચ કરવું હોય તો કમ્પ્યુટરમાં ગૂગલને શરણે જતા હતા. ત્યાર પછી આપણે ઇન્ટરનેટ પર જે કંઈ કરીએ લગભગ એ બધું જ ગૂગલની નજરમાં રહેતું હતું. એ ઉપરાંત રોજરોજની એ વિગતો ગૂગલનાં કમ્પ્યુટર યાદ પણ રાખતાં હતાં (વિચાર કરો કે દુનિયાભરના કરોડો લોકોની રોજેરોજની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે અને એ બધાનો રોજરોજનો હિસાબ યાદ રાખી શકે એવાં આ કમ્પ્યુટર કેટલાં પાવરફૂલ હશે!).

સ્માર્ટફોન આવ્યા પછી તો ગૂગલ (અને તેના જેવી બીજી કેટલીય કંપની)ને જાણે જબરજસ્ત નવું હથિયાર મળ્યું.

પહેલાં આપણે કમ્પ્યુટર પાસે જવું પડતું, તેનાથી દૂર હોઇએ ત્યારની આપણી પ્રવૃત્તિઓ ગૂગલની નજરમાં આવતી નહોતી. પરંતુ હવે વાત બિલકુલ બદલાઈ ગઈ છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા દુનિયાના 80-90 ટકા લોકોના ખિસ્સામાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય છે. આવા સ્માર્ટફોનનો ઉપયોગ શરૂ કરવાનું પહેલું પગથિયું તેમાં ગૂગલનું નવું એકાઉન્ટ ખોલવાનું કે આપણા ગૂગલ એકાઉન્ટમાં લોગ-ઇન થવાનું હોય છે. તે ક્ષણથી આપણે ગૂગલને પોતાનો નવો અને વધુ નજીકનો જીવનસાથી બનાવી દઇએ છીએ.

સ્માર્ટફોનમાંના વિવિધ સેન્સર્સ અને કેમેરા તથા માઇક્રોફોનને કારણે સ્માર્ટફોનને જાણે આંખ અને કાન બંને મળે છે. સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે છે. આ કારણે આપણે ઇન્ટરનેટ પર તથા ઇન્ટરનેટની બહાર વાસ્તવિક જગતમાં જે કંઈ કરીએ છીએ લગભગ એ બધું જ હવે ગૂગલની નજરમાં રહે છે. વધુ અકળાવનારી વાત એ છે કે ગૂગલ આ બધી જ વાતના એકમેક સાથે છેડા જોડીને તેમાંથી નવા અર્થો અને તારણો પણ તારવી શકે છે.

એક રીતે જોઇએ તો આપણે સામે ચાલીને ગૂગલ અને તેની જેવી કંપનીઓની ગુલામી સ્વીકારી લીધી છે. ગૂગલ અનેક પ્રકારની સર્વિસ મફત આપે છે. આપણે તેનો લાભ લેવો હોય છે. પરિણામે તેના બદલામાં ગૂગલ આપણી માહિતી મેળવે એ સામે આપણને વાંધો હોતો નથી. એ પણ ચોક્કસ સ્વીકારવું રહ્યું કે ગૂગલ આપણને જે કોઈ સર્વિસ આપે છે તે આપી શકે એ માટે - અને ખરેખર વધુ અસરકારક રીતે આપી શકે એ માટે - તેણે આપણી વધુ ને વધુ માહિતી મેળવવી અને યાદ રાખવી અનિવાર્ય છે. 

સદનસીબે ગૂગલ આપણા વિશે જે કોઈ માહિતી એકઠી કરે છે તેના વિશે કંપની લગભગ પ્રારંભથી જ ઘણે અંશે પારદર્શક રહી છે. હવે ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં આ બાબતને લગતા કાયદા વધુ કડક બની રહ્યા છે એટલે પણ ગૂગલે વધુ પારદર્શી બનવું પડે છે.

કારણ ગમે તે હોય, ગૂગલ આપણને જણાવે છે કે તે આપણો કેવો કેવો ડેટા મેળવે છે, કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે. આ સાથે ગૂગલની વિવિધ સર્વિસિસમાં સચવાયેલો આપણો ડેટા પરત મેળવવાની સગવડ પણ તે આપે છે. તેમ, ગૂગલના સર્વર્સ પરની આપણી પ્રવૃત્તિઓની નોંધ ડિલીટ કરવાની સગવડ પણ આપે છે.

આ સ્થિતિમાં આપણે પોતે નક્કી કરવું રહ્યું કે ગૂગલને આપણી કેટલી માહિતી આપવી, કેટલી માહિતી યાદ રાખવા દેવી અને કેટલી માહિતી તેની પાસેથી પરત લઈ લેવી.

આટલું વાંચ્યા પછી, ગૂગલ તમારા વિશે કેટલું જાણે છે એ જાણવામાં તમને રસ હોય તો ક્યારેક ફૂરસદે નીચેનાં 10 સરનામાં તપાસી જુઓ.

આ બધાં સરનામાં એકમેક સાથે સંકળાયેલાં છે અને તમે એક સરનામે પહોંચ્યા પછી, તેમાંથી બીજામાં પણ જઈ શકશો, પણ મુખ્ય મુખ્ય એડ્રેસ જાણી રાખ્યાં હશે તો કામ લાગશે.

એટલી ધરપત રાખી શકાય કે આ બધું, તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન હો ત્યારે જ જોઈ શકશો. તમારા સિવાય બીજી કોઈ વ્યક્તિ આ બધું જોઈ શકતી નથી - સિવાય કે ગૂગલ!

તમને આશ્ચર્યના હળવાથી ભારે આંચકા લાગશે એ અત્યારથી લખી રાખો!

1. ગૂગલ ડેશબોર્ડ

ગૂગલ પરની તમારી આખી કરમકુંડળી ખરા અર્થમાં સાચવતું ઠેકાણું. સર્ચ, જીમેઇલ, ક્રોમ બ્રાઉઝર, કેલેન્ડર, યુટ્યૂબ વગેરે ગૂગલની વિવિધ સર્વિસનો તમે ઉપયોગ કરતા હો તો આ બધા એકાઉન્ટમાંની તમારી બધી એક્ટિવિટી અને ડેટા તમે આ એક સરનામે જોઈ શકો છો. તમે ગૂગલની જેટલી પણ સર્વિસ કે પ્રોડક્ટનો ઉપયોગ કરતા હો, જેટલા અલગ અલગ ડિવાઇસમાં કરતા હો એ બધું જ તમે અહીં જોઈ શકશો. તેની સાથોસાથ દરેક સર્વિસ કે પ્રોડક્ટ માટે નિશ્ચિત સેટિંગ પણ તમે અહીંથી કરી શકશો.

તમે જીમેઇલનો ઉપયોગ શરૂ કર્યો હશે ત્યારથી અત્યાર સુધીમાં કેટલાક મેઇલ્સની આપલે કરી એ પણ અહીં જોઈ શકાશે.  સલામતીની દૃષ્ટિએ પણ આ પેજ થોડા થોડા વખતે તપાસવું સારું.

myaccount.google.com/dashboard

2. વેબ-એપ એક્ટિવિટી

આમ જુઓ તો આ ગૂગલના આપણા ડેશબોર્ડનું એક્સટેન્શન જ છે. અહીં તમે ભૂતકાળમાં ગૂગલ પર એટલે કે ગૂગલ.કોમ વેબપેજ પર જઇને, પીસી કે મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં એડ્રેસબારમાં, કે ગૂગલ એપમાં કે પછી અન્ય બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલ સેટ કર્યું હોય તો તેમાં જે કંઈ સર્ચ કર્યું હશે એ બધું જ અહીં જોવા મળશે.

એ ઉપરાંત ક્રોમ બ્રાઉઝર અને અન્ય એપમાં જે કંઈ સર્ચ કરો એ પણ અહીં સચવાઈ રહે છે. તમારો કયો ડેટા ગૂગલના સર્વર પર સચવાઈ રહે તે તમે નક્કી કરી શકો છો, તેમજ ભૂતકાળની બધી હિસ્ટ્રી ડિલીટ કરી શકો અને ગૂગલ આવી તમારી કોઈ એક્ટિવિટીની નોંધ ન રાખે એ અહીંથી નક્કી કરી શકો છો.  

myactivity.google.com

3. વોઇસ-ઓડિયો

સ્માર્ટફોન પર કંઈ પણ ટાઇપ કરવા માટે હવે અંગૂઠાની કસરત કરવી ફરજિયાત રહી નથી. માઇક્રોફોનના આઇકન પર ત્રાટક્યા પછી આપણે જે કંઈ બોલીએ એ ગૂગલ ટાઇપ કરી આપે છે. એ જ રીતે, ગૂગલ આસિસ્ટન્ટ સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમમાં એન્ડ્રોઇડ ઓટો હોય તો તેમાં પણ આપણે વોઇસ કમાન્ડથી ઘણું કામ કરી શકીએ છીએ - આ બધું જ ગૂગલ પોતાના જમા ખાતે સાચવી રાખે છે!

નીચેના એડ્રેસ પર જઇને તમે ગૂગલને શું શું સંભળાવ્યું છે એ તપાસી શકો છો અને પોતે ફરી સાંભળી શકો છો. તેમાંથી ઇચ્છો તે ડિલીટ કરી શકો છો.

myactivity.google.com/activitycontrols/webandapp

4. યુટયૂબ હિસ્ટ્રી

યુટ્યૂબના વીડિયો જોતી વખતે ઇનકોગ્નિટો મોડમાં, એટલે કે આપણી પ્રવૃત્તિ ઘણે અંશે (પૂરેપૂરી નહીં) ખાનગી રહે એ રીતે વીડિયો જોવાની સગવડ હોય છે. પરંતુ મોટા ભાગના લોકો એવી પરવા કરતા નથી.

તમે ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન હો ત્યારે યુટ્યૂબ પર જે કંઈ સર્ચ કરો અને જુઓ એ બધું જ ગૂગલમાં હિસ્ટ્રી સ્વરૂપે સ્ટોર થતું હોય છે. નીચેના સરનામા પર જઇને તમે તમારી સર્ચ અને વોચ હિસ્ટ્રી તપાસી શકો છો, તેમજ ડિલીટ કરી શકો છો. અહીંથી તમે વોચ હિસ્ટ્રી પોઝ પણ કરી શકો છો.

યુટ્યૂબ પર તમે કમેન્ટ્સ લખતા હો કે બીજા લોકો તમારા વીડિયો પર કમેન્ટ આપતા હોય એ પણ અહીં જોઈ શકાશે.  

youtube.com/feed/history

5. લોકેશન હિસ્ટ્રી

બે-ત્રણ મહિના કે ચાર-પાંચ વર્ષ પહેલાં, સવારે કે સાંજે તમે ક્યાં ગયા હતા એ તમને યાદ નહીં હોય પણ ગૂગલને હશે.

સ્માર્ટફોનને પ્રતાપે ગૂગલ આપણા દરેક પગલાંનો હિસાબ રાખી શકે છે. તમે  ઇચ્છો તો અને લોકેશન હિસ્ટ્રી ક્યારેય ડિલીટ કરી ન હોય તો તમે પહેલો સ્માર્ટફોન ખરીદ્યો હોય ત્યારથી કોઈ પણ વર્ષે કોઈ પણ તારીખે, તમે ક્યાં, કેટલા વાગ્યે, કઈ રીતે અને ક્યા રસ્તે ગયા હતા એ પણ જાણી શકો છો. જે ગૂગલ મારફત બીજી ઘણી કંપની પણ જાણતી હશે. અહીંથી તમે ક્યા સ્થળે વારંવાર જાઓ છો એ પણ જોઈ શકો છો. આ બધી હિસ્ટ્રી અહીંથી તમે મેનેજ કરી શકો છો.  

અને હા, યુટ્યૂબની જેમ, હવે મેપ્સમાં પણ ઇનકોગ્નિટો મોડની સગવડ આવી ગઈ છે.

google.com/maps/timeline

6. ડિવાઇસ ઇન્ફર્મેશન

હવે આપણે લેપટોપ, ટેબલેટ, સ્માર્ટફોન વગેરે એકથી વધુ ડિવાઇસમાં ગૂગલનો ઉપયોગ કરતા હોઇએ છીએ. જે તે ક્ષણે તમે જે જે ડિવાઇસમાં ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા હો તે બધા ડિવાઇસ આ એક પેજ પર જોઈ શકો છો. સ્માર્ટફોન ખોવાય તો આ પેજ પહોંચીને તમે એ ડિવાઇસમાંના તમારા ગૂગલ એકાઉન્ટમાંથી સાઇન આઉટ થઈ શકો છો.

ફોન ખોવાયો હોય તેવા સંજોગમાં અહીંથી જ તમે ફોન શોધવાના અને તેને લોક કરવા જેવાં વિવિધ પગલાં લઈ શકો છો.

તમે જેનો ઉપયોગ ન કરતા હો એવું કોઈ ડિવાઇસ અહીં દેખાય તો તાબડતોબ ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ બદલવા જેવાં સલામતીના પગલાં લેવાનું ભૂલશો નહીં.

google.com/devices

7. પાસવર્ડ સેવર

ગૂગલ વિવિધ સર્વિસમાંના આપણા પાસવર્ડ સેવ કરી રાખવાની સગવડ આપે છે.

આપણે કોઈ પણ વેબસર્વિસ કે એપમાં પહેલી વાર એકાઉન્ટ ખોલી રહ્યા હોઇએ ત્યારે આ સર્વિસ આપણને એકદમ જટિલ એવો નવો પાસવર્ડ સૂચવી પણ શકે છે. આ પાસવર્ડ આપણે પોતે યાદ રાખવાની જરૂર હોતી નથી કેમ કે તે આપણા ગૂગલ એકાઉન્ટમાં સચવાયેલો રહે છે અે તેના મારફત આપણા જુદા જુદા ડિવાઇસમાં આપણને જોવા મળે છે. તમે આ સર્વિસનો સક્રિય રીતે ઉપયોગ ન કરતા હો તો પણ ક્યારેક ને ક્યારેક આ સર્વિસે તમને તમારો પાસવર્ડ સેવ કરવા વિશે પૂછ્યું હોઈ શકે છે અને તમે યસ પર ક્લિક કર્યું હોય એવું બની શકે છે. તમારા એકાઉન્ટમાં સેવ થયેલા બધા પાસવર્ડ અહીં જોઈ શકાશે.

passwords.google.com

8. એપ પરમિશન

આપણા ફોનમાં વિવિધ એપ ઇન્સ્ટોલ કર્યા પછી આપણે જે પરમિશન્સ આપીએ છીએ તેના કરતા આ જુદી પરમિશનની વાત છે. આપણે અલગ અલગ એપ કે વેબસાઇટમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી સાઇનઇન કર્યું હોય એવું બની શકે છે. ઘણી ખરી સાઇટ્સ કે એપ્સ આવી સગવડ આપતી હોય છે. આવી સર્વિસ આપણા ગૂગલ એકાઉન્ટની અમુક કે ઘણી વિગતોની એક્સેસ મેળવી શકે છે. તેના પર આપણે પહેલી વાર ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન કરીએ ત્યારે તે આપણી કઈ વિગતો જોઈ શકે તે કહેવામાં આવે છે. ત્યારે ધ્યાન આપ્યું ન હોય તો આ સરનામે જઇને તમે જોઈ શકશો કે કઈ કઈ એપને તમે તમારા ગૂગલ એકાઉન્ટની એક્સેસ આપી છે.

myaccount.google.com/permissions

9. એડ સેટિંગ્સ

ગૂગલ આપણા વિશે વધુમાં વધુ માહિતી એકઠી કરે છે તેનું એક મોટું કારણ એ છે કે તેના આધારે તે કમાણી કરી શકે છે અને ઘણી ખરી સર્વિસ આપણને ‘મફત’ આપી શકે છે.

ગૂગલ પરની આપણી તમામ પ્રવૃત્તિને આધારે ગૂગલ આપણી જુદી જુદી જાતની પસંદ-નાપસંદ નક્કી કરે છે. આ પેજ પર જઇને તમે જોઈ શકશો કે તમારા વિશે ગૂગલ શું ધારે છે.

તમારી વૈવાહિક સ્થિતિ, તમારી આવક (આંકડામાં નહીં, પરંતુ ઊંચી કે ઓછી), તમારી ઉંમર, બાળકો છે કે નહીં વગેરે બધાનો ગૂગલ અંદાજ બાંધી, એ મુજબ તમને જાહેરાતો બતાવે છે. આ બધું જ સચોટ ન પણ હોય, પરંતુ ગૂગલ આપણી પ્રવૃત્તિને આધારે કેવી કેવી ધારણા બાંધે છે એ જાણવું રસપ્રદ બનશે.  

adssettings.google.com

10. ડેટા ટેકઆઉટ

આપણા માટે સૌથી મહત્ત્વનો મુદ્દો. જીમેઇલ, ડ્રાઇવ, ફોટોઝ તથા ગૂગલની અન્ય ઘણી સર્વિસમાં તમે પોતાનો પાર વગરનો ડેટા જમા કર્યો હોય એવું બની શકે છે.

આમ તો જો તમે પોતાનું ગૂગલ એકાઉન્ટ ટુ-સ્ટેપ વેરિફિકેશન જેવી પદ્ધતિની મદદથી સલામત રાખી શકતા હો તો તમારો આ બધો ડેટા ગૂગલના ક્લાઉડમાં વધુ સલામત રીતે સચવાઈ રહે છે. પરંતુ કોઈ કારણસર તમે પોતાનો ડેટા પરત મેળવવા ઇચ્છતા હો તો નીચેના સરનામા પર જઇને ગૂગલની વિવિધ સર્વિસમાંનો તમારો ડેટા ડાઉનલોડ કરી શકો છો.

જીમેઇલ જેવી સર્વિસની બાબતમાં, તમે ડાઉનલોડ કરેલો ડેટા ફરી ઉપયોગમાં લેવાનું થોડું અટપટું છે એ ધ્યાનમાં રાખશો.  

https://takeout.google.com

Gujarat