Tips & Tricks : વેબ પેજમાં લાંબા સ્ક્રીનશોટ લેવા છે તો સેટિંગમાં જઇ સિલેક્ટ કરો આ ઓપ્શન
સ્માર્ટફોનમાં આપણે ઘણા કારણસર સ્ક્રીનશોટ લેવાની જરૂર ઊભી થતી હોય છે. ક્યારેક ફોનમાં કંઈક અડચણ ઊભી થતી હોય અને કોઈ વધુ જાણકારની મદદ લેવા માટે આપણે સ્ક્રીનશોટ લઈને તેમને પ્રોબ્લેમ સમજાવવાની જરૂર ઊભી થાય અથવા ક્યારેક આપણા પોતાના રેકોર્ડ માટે કોઈ વેબપેજનો સ્ક્રીનશોટ લેવાનો થાય.
આવી સામાન્ય જરૂરિયાત માટે સ્માર્ટફોનમાં સ્ક્રીનશોટ લેવાનું બહુ સહેલું છે. એન્ડ્રોઇડના કિસ્સામાં દરેક કંપની અને ફોનના મોડેલ અનુસાર પદ્ધતિ જરા જુદી હોઈ શકે. કોઈમાં હોમ બટન + વોલ્યૂમ ડાઉનનું બટન પ્રેસ કરવાથી સ્ક્રીનશોટ લેવાય. કોઈમાં પાવર બટન પ્રેસ કરવાથી સ્ક્રીનશોટ લેવાનો વિકલ્પ મળે. તો કોઈમાં ક્વિક સેટિંગ્સના શટરમાં આ વિકલ્પ મળે. ગૂગલ આસિસ્ટન્ટને એક્ટિવેટ કરીને તેની મદદથી પણ સ્ક્રીનશોટ લઈ શકાય છે.
આટલે સુધીની વાત તો સહેલી છે પણ જ્યારે ફોનના સ્ક્રીન પર જેટલું સમાતું હોય એથી નીચે દબાયેલી રહેલી બાબતો પણ સ્ક્રીનશોટમાં આવરી લેવી હોય ત્યારે વાત થોડી મુશ્કેલ બને. જેમ કે આપણે કોઈ લાંબા વેબપેજનો સ્ક્રીનશોટ લેવો હોય ત્યારે સાદી રીતે સ્ક્રીનશોટ લેવાથી ફક્ત સ્ક્રીન પર જેટલું દેખાતું હોય એ જ કેપ્ચર થાય. વેબપેજનો બાકીનો ભાગ કેપ્ચર થાય નહીં.
કેટલીક ફોન મેન્યુફેકચરિંગ કંપની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં પોતાની રીતે ફેરફાર કરીને લાંબા (કે ઊંડા!) સ્ક્રીનશોટ લેવાની સગવડ આપે છે. જો તમારા ફોનમાં આવી સુવિધા હોય તો તમે સ્ક્રીનશોટનો વિકલ્પ પસંદ કર્યા પછી ‘ટેક લોંગ સ્ક્રીનશોટ’ નો વિકલ્પ પસંદ કરી શકો અને પેજ નીચેની તરફ સ્ક્રોલ કરતા જઇને એક પછી એક સ્ક્રીનશોટ લઈ શકો. આ બધા સ્ક્રીનશોટ એકમેક સાથે સ્ટિચ થઈને આપણને એક લાંબો સ્ક્રીનશોટ મળે છે.
જો તમારા ફોનમાં આવી સુવિધા ન હોય પરંતુ તમારે લાંબા સ્ક્રીનશોટની જરૂર હોય તો તમે Stitch & Share એપ ઇન્સ્ટોલ કરીને તેની મદદથી લાંબો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ એપ લગભગ ઉપર દર્શાવ્યા મુજબની પદ્ધતિથી જ સ્ક્રીનશોટ લે છે.