TIPS: આ રીતે Microsoft Wordમાં બનાવો ઓટોબેકઅપ ફાઇલ

અમદાવાદ, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
આપણે જ્યારે પણ વર્ડમાં કોઈ ફાઇલમાં કામ કરતા હોઈએ અને કોઈ કારણસર એ ફાઇલ કરપ્ટ થાય ત્યારે જ આપણને તેનું બેકઅપ લેવાનું મહત્ત્વ યાદ આવતું હોય છે. વર્ડમાં ફાઇલનો ઓટોમેટિક બેકઅપ લેવાની સુવિધા હોય છે, પણ આપણે તેનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ અથવા તેની બહુ જરૂર હોતી નથી એવું આપણે વિચારતા હોઈએ.
જો વર્ડના સેટિંગ્સમાં આપણે પહેલેથી ઓટોબેકઅપ લેવાનું સેટિંગ કરેલ હોય તો આવા સંજોગોમાં આપણે બેકઅપ ફાઇલ મેળવી શકીએ. આ પ્રકારની બેકઅપ ફાઇલમાં, આપણે ફાઇલને છેલ્લે સેવ કરી હશે ત્યાર પહેલાંનો ડેટા સચવાઈ જશે.

આ સુવિધાનો લાભ લેવા માટે તમારા વર્ડના વર્ઝન અનુસાર માઇક્રોસોફ્ટ ઓફિસ બટન પર ક્લિક કરીને અથવા ફાઇલમાં જઈને ‘વર્ડ ઓપ્શન્સ’માં જાઓ. હવે તેમાં ‘એડવાન્સ્ડ’ ટેબમાં સેવ વિભાગમાં ‘Always create backup copy’ના બોક્સમાં ટિક કરી ઓકે કરી દો. જે ફોલ્ડરમાં તમે ફાઇલ સેવ કરશો તેમાં જ બેકઅપ કોપી સેવ થાય છે અને તે ફાઇલનું નામ Backup of document name.wbk હોય છે.
આ રીતે વર્ડમાં દરેક ફાઇલની ઓટોમેટિક બેકઅપ કોપી રાખવાની ટેવ પાડશો તો અણધારી મુસીબત વખતે આશીર્વાદરૂપ સાબિત થશે!

