Explainer: AI વૈશ્વિક દુકાળ સર્જી શકે છે, જાણો અત્યાધુનિક ટૅક્નોલૉજી કેવી રીતે કરોડો લિટર પાણી ‘ગળી’ જાય છે
AI તસવીર ( ENVATO )
How AI Is Draining Billions of Litres of Water : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો વપરાશ દરેક ક્ષેત્રે ઝડપથી વધી રહ્યો છે. આપણે બધાં જ વત્તે ઓછે અંશે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ટૅક્નોલૉજીને સક્રિય રાખવા મોટા પાયે વીજળીની જરૂર પડે છે અને તેના સંચાલન માટે સતત પાણીનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ડેટા સેન્ટરોને ઠંડા રાખવા માટે પાણીનો ભરપૂર ઉપયોગ થાય છે. આજના સમયમાં વિશ્વની લગભગ અડધી વસ્તી પાણીની અછતનો સામનો કરી રહી છે. આગામી સમયમાં ક્લાયમેટ ચેન્જના કારણે પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. આ સ્થિતિમાં શું AIનો ઝડપથી વધતો ઉપયોગ પાણીની તંગીને વધુ ઉગ્ર બનાવશે એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.
જાણો શું છે તેના કારણ?
AI કેટલું પાણી વાપરે છે?
OpenAIના CEO સેમ ઓલ્ટમેન જણાવે છે કે, ChatGPT એક પ્રશ્નનો જવાબ આપવા લગભગ એક ચમચી પાણીના પંદરમા ભાગનો ઉપયોગ કરે છે, પરંતુ અમેરિકાના કેલિફોર્નિયા અને ટેક્સાસ રાજ્યોમાં કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે GPT-3 મોડેલ 10થી 50 પ્રશ્નોના જવાબ માટે લગભગ અડધો લિટર પાણી વાપરે છે. એટલે કે દરેક જવાબ માટે લગભગ 2થી 10 ચમચી પાણી.
પાણીના વપરાશનો અંદાજ કયા પરિબળો પર આધારિત છે?
પાણીના વપરાશનો અંદાજ ઘણાં પરિબળો પર આધાર રાખે છે. જેમ કે, પ્રશ્નની જટિલતા, જવાબ કેટલો વિસ્તૃત છે, તે કયા ડેટા સેન્ટરમાં અપાયો છે વગેરે. આ અંગે કરાયેલા વિશ્લેષણ પ્રમાણે, ઊર્જાના સર્જન માટે પણ પાણી વપરાય છે. જેમ કે, કોલસો કે પરમાણુ ઊર્જા મેળવવા વપરાતું પાણી. OpenAIએ તેના માપદંડો જાહેર કર્યા નથી, તેથી તેની અંદાજિત ગણતરી કંઈક અલગ હોઈ શકે છે.
એક આખા દેશના કુલ વપરાશ કરતાં વધુ પાણી સ્વાહા!
ChatGPT દરરોજ લગભગ એક અબજ પ્રશ્નોના જવાબ આપે છે અને તે એકમાત્ર AI મોડેલ નથી. સંશોધકો માને છે કે 2027 સુધીમાં AI દર વર્ષે ડેનમાર્ક જેટલા દેશના કુલ વપરાશ કરતાં 4થી 6 ગણું પાણી વાપરશે.
AI પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે?
આપણે ઓનલાઇન જે કંઈ કામ કરીએ છીએ, પછી ભલે તે ઈમેલ મોકલવાનું હોય, વીડિયો જોવાનું હોય કે ડીપફેક મટીરિયલ બનાવવાનું હોય વગેરે. તે માટે વિશાળ ડેટા સેન્ટરોમાં હજારો સર્વર કામે લાગતા હોય છે. આ પૈકીના કેટલાક ડેટા સેન્ટર તો ફૂટબોલના મેદાન જેટલા મોટા હોય છે. સર્વર વીજળીથી કામ કરે છે અને ખૂબ ગરમ થાય છે. તેમને ઠંડા રાખવા માટે શુદ્ધ પાણીની જરૂર પડે છે.
અઘરા કામમાં વધુ વીજળી-પાણી વપરાય છે
આ સર્વરને ઠંડા કરવાના ઉપાયો જુદા જુદા હોઈ શકે છે, પરંતુ ઘણી પદ્ધતિઓમાં વપરાતા પાણીના લગભગ 80% જેટલું પાણી બાષ્પીભવન થઈ જાય છે. ઓનલાઇન સર્ચની સરખામણીમાં ઈમેજ જનરેશન કે વીડિયો સર્જન જેવા વધુ કૌશલ્યસભર AI કામ માટે ઘણો વધુ કમ્પ્યુટિંગ પાવર (એનર્જી) ખર્ચાય છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA)ના અંદાજ પ્રમાણે ChatGPT પર પૂછાતા પ્રશ્ન Google પર કરાતાં સર્ચ કરતાં લગભગ 10 ગણી વધુ વીજળી વાપરે છે, જે વધુ ગરમી ઉત્પન્ન કરતાં હોવાથી વધુ પાણીની જરૂરિયાત રહે છે.
AI માટે પાણીનો ઉપયોગ અત્યંત ઝડપથી વધી રહ્યો છે
મેટા, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી દિગ્ગજ ટેક કંપનીઓએ વર્ષ 2020 બાદ તેમના કુલ પાણીના વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જેમ કે, ગૂગલનો પાણીનો ઉપયોગ બમણો થઈ ગયો છે. વર્ષ 2024માં ગૂગલે તેના જળસ્ત્રોતોમાંથી 37 અબજ લિટર પાણી ખેંચ્યું હતું, જેમાંનું 29 અબજ લિટર પાણી અત્યાર સુધીમાં વપરાઈ ગયું છે. યુએનના અંદાજ મુજબ આટલું પાણી 16 લાખ લોકોને (50 લિટર પ્રતિ વ્યક્તિ દૈનિક જરૂરિયાતના ધોરણે) એક વર્ષ સુધી ચાલી જાય એમ છે. આ તો ફક્ત એક કંપનીનું ઉદાહરણ થયું. દુનિયામાં હાલમાં 70 હજાર જેટલી AI કંપનીઓ કાર્યરત છે અને એની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે. IEA ભવિષ્યવાણી કરે છે કે 2030 સુધીમાં તમામ ડેટા સેન્ટરોનો પાણીનો વપરાશ બમણો થઈ જશે.
ડેટા સેન્ટરો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કેમ બનાવાય છે?
સૂકા વિસ્તારોમાં જમીન અને ઊર્જા સસ્તી હોવાથી ત્યાં ડેટા સેન્ટરો બનાવાય છે. ભેજયુક્ત વિસ્તારોમાં મશીનરીને કાટ ઝડપથી લાગે છે અને ઇમારતને ઠંડી રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આ કારણસર સૂકા વિસ્તારોમાં ડેટા સેન્ટરો સ્થપાય છે, પરંતુ તેના લીધે પહેલેથી જ ઓછું પાણી ધરાવતા વિસ્તારોનું પાણી આવા ડેટા સેન્ટરો વાપરી લેતા હોવાથી, તે વિસ્તારના લોકોને પાણીની તંગી પડે છે.
કઈ કંપની કેટલા ટકા પાણી સૂકા પ્રદેશમાંથી મેળવે છે?
ગૂગલે સ્વીકાર્યું છે કે તેના વપરાશનું 14 ટકા પાણી પાણીની અછતવાળા વિસ્તારમાંથી આવે છે. મેટા માટે આ આંકડો 26 ટકા અને અને માઇક્રોસોફ્ટના કિસ્સામાં તો આ આંકડો 46 ટકા જેટલો ઊંચો છે.
વિકસિત દેશોમાં તો પ્રજાનો અત્યારથી જ વિરોધ વધી રહ્યો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપ, લેટિન અમેરિકા અને અમેરિકાના એરિઝોના જેવા વિશ્વના ઘણાં સૂકા વિસ્તારોમાં ડેટા સેન્ટરોનો વિરોધ થઈ રહ્યો છે. પાણીના ઉપયોગ અંગે વિરોધ થતાં ગૂગલે ચિલી અને ઉરુગ્વેમાં તેના ડેટા સેન્ટરોની યોજનાઓ અટકાવી દેવી પડી છે. સ્પેનમાં તો ‘યોર ક્લાઉડ ઇઝ ડ્રાઈંગ અપ માય રિવર’ [તમારું ક્લાઉડ (મેમરી સેવ કરતું) અમારી નદીઓ સૂકવી રહ્યું છે] નામનું પર્યાવરણીય જૂથ છે, જે ડેટા સેન્ટરોના વધતા વિસ્તરણનો સખત વિરોધ કરી રહ્યું છે.
પાણી બચાવવા માટે આવા વિકલ્પો અજમાવી શકાય
- પાણીની બચત કરવા એર-કુલિંગનો વિકલ્પ છે, પરંતુ તેમાં વીજળી વધારે વપરાય છે.
- Microsoft, Meta અને Amazon જેવી કંપનીઓ ‘closed-loop’ સિસ્ટમ વિકસાવી રહી છે, જેમાં પાણી સતત ફરતું રહે છે, તેને વારંવાર બહાર કાઢવાની કે બદલવાની જરૂર રહેતી નથી.
- જર્મની, ફિનલૅન્ડ અને ડેનમાર્ક જેવા દેશોમાં ડેટા સેન્ટરમાં ઉત્પન્ન થયેલી ગરમીનો ઉપયોગ નજીકના ઘરોમાં રિસાયકલ એનર્જી તરીકે કરવામાં થઈ રહ્યો છે.
- મોટા ભાગની કંપનીઓ સ્વચ્છ, તાજા પાણીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે કારણ કે તે બેક્ટેરિયા અને કાટનું જોખમ ઘટાડે છે. હાલ કેટલીક કંપનીઓ દરિયાનું પાણી અથવા ફેક્ટરીમાંથી નીકળતા ગંદા પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે AIનો ઉપયોગ થવો ઇચ્છનીય છે
AI આધુનિક જગતમાં અનિવાર્ય છે. તેનો ઉપયોગ સતત વધતો જ જવાનો છે. તેથી એના ઉપયોગ માટે એવી પદ્ધતિઓ શોધવી પડશે જેનાથી પર્યાવરણ પર પ્રતિકૂળ અસર ન થાય અને અત્યારે તોળાઈ રહી છે એવી જળ-કટોકટીની સમસ્યા ન સર્જાય. માનવજાત સમયસર ચેતી જશે તો AI વરદાન સાબિત થશે, નહીંતર એને રાક્ષસ બનતા વાર નહીં લાગે.
જવાબદારી ફક્ત ટેક કંપનીઓની જ નથી, આપણી પણ છે
AI ટૅક્નોલૉજીમાં પાણીના વધતા વપરાશને ઘટાડવાની જવાબદારી ફક્ત ટેક કંપનીઓની નથી. વિશ્વ નાગરિક તરીકે આપણે પણ જવાબદારીપૂર્વક વર્તીએ અને બિનજરૂરી AI ટૂલ્સનો ઉપયોગ ટાળીએ તો આપણે પણ વૈશ્વિક જળસંવર્ધનમાં નાનકડો ફાળો આપી શકીશું.