Bodyoids News: બાયોટેકનોલોજીમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી છે, જે આમ તો વિજ્ઞાન કથા જેવું લાગે છે પણ ધીમે ધીમે વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહ્યું છે. મોટા રોકાણકારોના સમર્થનથી સ્ટાર્ટ-અપ્સ મગજ વિનાની જીવિત માનવ જેવી બાયોલોજિકલ સિસ્ટમ 'બોડીઓઈડ્સ' વિકસિત કરી રહ્યા છે. એમાં પીડા અથવા સુખ મહેસૂસ કરવાની ક્ષમતા નથી હોતી, છતાં તે વિકસી શકે છે અને સંભવિતપણે માનવ અંગોને ટેકો આપવાની ક્ષમતા રાખી શકશે. વિજ્ઞાનીઓના મતે આ બોડીઓઈડ્સ ચિકિત્સા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે કારણ કે તેનાથી પ્રાણીઓ પર દવાના પરીક્ષણ કરવાની જરૂર નહિ રહે અને પ્રત્યારોપણ યોગ્ય અંગો માટે નવીન અને વિશાળ સ્રોત તૈયાર થઈ શકશે.
બોડીઓઈડ્સ અગાઉ ઓર્ગેનોઈડ્સ તરીકે ઓળખાતી શોધ પર આધારીત છે જે કેન્સર અને વાયરલ સંક્રમણ જેવી બીમારીઓના અભ્યાસ માટે લેબોરેટરીમાં વિકસિત કરાયેલા માનવ અંગોનું લઘુ સંસ્કરણ છે. એક તરફ ઓર્ગેનોઈડ્સ અલગ રહીને કામ કરે છે ત્યારે બોડીઓઈડ્સ બહુવિધ અવયવોને એક જ પ્રણાલીમાં જોડવાનું લક્ષ્ય રાખે છે. આવા સંકળાયેલા ઢાંચા દ્વારા સંશોધકો અવયવો કેવી રીતે પરસ્પર ક્રિયા કરે છે, દવાનો કેવો પ્રતિસાદ આપે છે અને તણાવ અથવા બીમારીની સ્થિતિ હેઠળ કેવું વર્તન કરે છે તેનું નિરીક્ષણ કરી શકે છે, જેનાથી માનવ શરીરનું એક વધુ વાસ્તવિક મોડલ મળી શકે છે.
આ પ્રોજેક્ટને અબજોપતિ ટિમ ડ્રેપર અને બાયોટેક કંપનીઓ પાસેથી નોંધપાત્ર આર્થિક સમર્થન મળ્યું છે, જેનાથી તેનું ભાવિ ઉજળુ હોવાનો સંકેત મળી રહ્યો છે. વિજ્ઞાનીઓને આ શોધ માટે પ્રેરિત કરનારા મુખ્ય મુદ્દા છે કે પ્રાણીઓ પર દવા અથવા વેક્સિનના પરિક્ષણથી ઘણીવાર મનુષ્ય પર તેના પરિણામ વિશે ચોક્કસ પરિણામનું અનુમાન નથી થઈ શકતું, ઉપરાંત પ્રાણીઓ પર ચકાસણીથી નૈતિક પ્રશ્નો ઊભા થાય છે, તેમજ પ્રત્યારોપણ અંગોની વિશ્વભરમાં તીવ્ર તંગી પ્રવર્તે છે. નિયામક સંસ્થાઓએ પણ વિકલ્પોને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે જેના કારણે આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વેગ મળ્યો છે.
બોડીઓઈડ્સ બનાવવા માટે કોઈપણ પ્રકારના માનવ કોષિકામાં વિકસી શકે તેવા પ્લ્યુરીપોટેન્ટ સ્ટેમ સેલનો ઉપયોગ થાય છે. સંશોધકો રાસાયણિક સંકેતોથી કોશિકાઓને વિશિષ્ટ અવયવ બનવાનો નિર્દેશ આપે છે, પછી તેમને બાયોરિએક્ટરો જેવા નિયંત્રિત વાતાવરણમાં જોડે છે. મહત્વપૂર્ણ છે કે મગજની પેશીઓનો વિકાસ ઈરાદાપૂર્વક બ્લોક કરાયો છે જેથી સમગ્ર સીસ્ટમ અચેતન બની રહે તે સુનિશ્ચિત કરી શકાય. લાંબા ગાળાનું વિઝન છે દર્દીની જરૂર મુજબ અંગ બનાવવા, પ્રત્યારોપણ અસ્વીકૃતિના દરમાં ઘટાડો કરવો અને જીવનપર્યંત દવા માટેની જરૂરીયાત સમાપ્ત કરવી.આ શોધ આશાસ્પદ હોવા છતાં આ ટેકનોલોજી ગાઢ નૈતિક અને વ્યવહારુ ચિંતા પણ ઊભી કરે છે. આલોચકોને ભય છે કે માનવ જીવન એક વસ્તુ બની જશે અને માનવ કોષિકાઓના ઉપયોગ બાબતે માલિકી અને મંજૂરીના પ્રશ્નો ઊભા થશે. સ્થિર રક્તવાહિકા નેટવર્ક અને ઉત્પાદન વધારવા જેવા ટેકનીકલ પડકારો હજી પણ વણઉકેલ્યા છે. નિયમો હજી અસ્પષ્ટ છે અને તેમાં જાહેર સ્વીકૃતિ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આખરે બોડીઓઈડ્સનું ભાવિ વૈજ્ઞાનિક પ્રગતિની સાથે સામાજિક મૂલ્યો પર પણ નિર્ભર રહેશે.


