વાત ઘરની હોય, લિફ્ટની હોય, બસની હોય, ટ્રેનની હોય કે પછી પ્લેનની -
આપણી બાજુમાં રહેલી વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાં ફુલ વોલ્યૂમમાં રીલ્સ કે વીડિયો
જોવાનું શરૂ કરે ત્યારે આપણને ત્રાસ થઈ જતો હોય છે. ખાસ કરીને લાંબી મુસાફરી વખતે
બાજુમાં આવો કોઈ મુસાફર ભટકાઈ જાય તો વાત ખરેખર મુશ્કેલ બને. તેને વિનંતી કરવાનો
કોઈ અર્થ નહીં. કેમ કે આપણી વિનંતીને માન આપવાની સભ્યતા તેનામાં હોય તો તો તેણે
ફુલ વોલ્યૂમમાં કન્ટેન્ટ જોવાનું શરૂ જ ન કર્યું હોય!
હવે ખાસ કરીને પ્લેનના મુસાફરોને આ બાબતે થોડી રાહત મળવાની શક્યતા છે.
અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સ આવી પહેલ કરી રહી છે. લોકો આ એરલાઇન્સની ટિકિટ ખરીદે
ત્યારે તેમણે એરલાઇન્સની જે શરતો અને નિયમો સ્વીકારવી પડે છે તેમાં એક નવી શરત
ઉમેરાઈ રહી છે - પ્લેનની મુસાફરી દરમિયાન પોતાના સ્માર્ટફોન કે લેપટોપમાં મ્યુઝિક, મૂવીઝ કે સોશિયલ મીડિયા ફીડનો ઉપયોગ કરતી વખતે મુસાફરે ફરજિયાતપણે હેડફોનનો
ઉપયોગ કરવો પડશે. જે મુસાફર આ શરતનું પાલન નહીં કરે તેની સામે એરલાઇન કડક પગલાં
ભરશે.
આ કડક પગલાં એટલે કેવાં એ પણ જાણી લો. એરલાઇનની શરતો અનુસાર હવાઇ મુસાફરી દરમિયાન હેડફોનનો
ધરાર ઉપયોગ ન કરતા મુસાફરને એરલાઇન્સ પ્લેનમાંથી કોઈ પણ એરપોર્ટ પર ઉતારી દેવાનો
અધિકાર રાખે છે! આવા મુસાફરની આગામી હવાઈ મુસાફરી પર એરલાઇન્સ પ્રતિબંધ પણ મૂકી
શકે છે. એરલાઇન પ્લેન મુસાફરી દરમિયાન મુસાફરોને ફ્રી વાયર્ડ હેડફોનની સુવિધા
આપશે.
મોટા ભાગની એરલાઇન મુસાફરોને હવાઈ મુસાફરી દરમિયાન હેડફોનનો ઉપયોગ કરવાની સલાહ
આપે છે, પરંતુ એ વિનંતીના સૂરમાં હોય
છે. હવે યુનાઇટેડ એરલાઇન્સે કદાચ પહેલી વાર હેડફોનનો ઉપયોગ ફરજિયાત બનાવવાની પહેલ
કરી છે.
આશા રાખીએ કે આવી પહેલનો લાભ આપણને ભારતની બધી એરલાઇન્સ તથા બસ, રેલવેની મુસાફરી દરમિયાન પણ મળે!


