Get The App

તમે તમારા પરિવારનો કોડવર્ડ નક્કી કર્યો છે ?

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
તમે તમારા પરિવારનો કોડવર્ડ નક્કી કર્યો છે ? 1 - image

- ÷kufkuLkk yðksLke nðu ykçkunqçk Lkf÷ ÚkE þfu Au - yuykR xqÕMkLke {ËËÚke

કલ્પના કરો કે તમે તમારી ઓફિસમાં કોઈ મહત્ત્વના કામમાં પરોવાયેલા છો. ત્યાં તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ કૉલની રિંગ રણકે છે. સ્ક્રીન પર તમારી પત્નીનું નામ, ફોન નંબર અને તમે જ સેટ કરેલી ઇમેજ દેખાઈ રહી છે. ‘હાઇ કમાન્ડ’નો ફોન છે એટલે તમે તમારું કામ પડતું મૂકીને ફોન ઉપાડ્યો.

સામે છેડેથી તમારી પત્નીનો ઉચાટભર્યો અવાજ સંભળાયો,  ‘‘આપણા દીકરાને અકસ્માત થયો છે, ઘણું વાગ્યું છે. હું તેને લઇને હોસ્પિટલે પહોંચી છું. પરંતુ હોસ્પિટલ ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં રૂા.૪૦,૦૦૦ ડિપોઝિટ પેટે જમા કરવા કહે છે. મેં ચેક કર્યું, મારા ખાતામાં અત્યારે એટલા રૂપિયા નથી. તમે બને એટલી ઝડપથી રૂપિયા મારા ખાતામાં ટ્રાન્સફર કરો.’’

ખુદ પોતાની પત્નીના અવાજમાં ફોન પર, દીકરાને અકસ્માત થયો હોવાનું સાંભળીને કોઈ પણ વ્યક્તિ બે ઘડી માટે વિચલિત થઈ જાય. તમે પણ થોડા અપસેટ તો થયા પરંતુ પછી તમે પત્નીને કહ્યું, ‘‘હું હમણાં રકમ ટ્રાન્સફર કરું છું, પણ એ પહેલાં મને આપણે નક્કી કરેલો ‘કોડવર્ડ’ જણાવ.’’ હવે ટેન્શનમાં મુકાવાનો વારો તમારી ‘પત્ની’નો છે. તેણે કહ્યું ‘‘અરે આપણા દીકરાને અકસ્માત થયો છે ને તમે કોડવર્ડની વાતો કરો છો? જલ્દી રૂપિયા ટ્રાન્સફર કરો.’’ તમે બિલકુલ ટાઢકથી ‘‘રહેવા દે, રહેવા દે, મારા દીકરાને કંઈ થયું નથી’’એવું કંઈક કહીને ફોન કટ કર્યો.

વાત કાલ્પનિક છે, પરંતુ તમે સમજી જ ગયા હશો કે આ પ્રકારના કિસ્સાઓ હવે વધી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટૂલ્સને કારણે આપણી બિલકુલ નજીકની અને પરિચિત વ્યક્તિના અવાજની પણ ગજબની ચોકસાઈ સાથે બનાવટ થઈ શકે છે. ટેકનિકલ ભાષામાં આને ‘વોઇસ ક્લોનિંગ’ કહે છે. ફોન પર તમે એ અવાજ સાંભળો તો એવું જ લાગે કે આપણું સ્વજન પોતે વાત કરે છે. હવે છેતરપિંડી કરનારા ઠગ એઆઇ ટૂલ્સને કારણે વધુ સ્માર્ટ થઈ ગયા છે. એ કારણે તેઓ કોઈ વ્યક્તિના ફોન નંબર કે વોટ્સએપ એકાઉન્ટને હેક કરે. હેક કર્યા પછી એ વ્યક્તિના અવાજનું ક્લોનિંગ કરીને એ વ્યક્તિના એકાઉન્ટમાં સેવ થયેલા અન્ય વ્યક્તિઓના નંબર પર સાદો મેસેજ નહીં, પરંતુ વોઇસ કૉલ કરીને તેમને છેતરવાની કોશિશ કરે છે.

એઆઇ ટૂલ્સને કારણે છેતરપિંડી કરનારી ઠગ ટોળકીઓ વધુ સ્માર્ટ બની છે, તો સામી બાજુ આપણે પણ ‘અપની ઇન્ટેલિજન્સ’ કામે લગાડીને તેમનો સામનો કરી શકીએ છીએ. શરૂઆતમાં લખેલા કાલ્પનિક કિસ્સામાં પતિએ પત્નીને ‘‘કોડવર્ડ’’ જણાવવા કહ્યું. એ તરફ તમારું ધ્યાન ગયું હશે. વાત પેલી જૂની ફિલ્મોમાં દાણચોરો માલની આપલે કરતી વખતે કોડવર્ડ પૂછે એના જેવી થઈ, પણ આ કોડવર્ડ એવો, જે પતિ-પત્નીએ આપસમાં નક્કી કરેલો કોઈ પણ પાસવર્ડ કે એક ચોક્કસ વાક્ય, જે તેમના સિવાય બીજું કોઈ જાણતું ન હોય.

હવેના એઆઇ યુગમાં એકાઉન્ટ હેકિંગ અને વોઇસ ક્લોનિંગ બહુ સામાન્ય થવા લાગ્યું છે ત્યારે પરિવારજનોએ આપસમાં એકબીજાની ઓળખ સાબિત કરવા માટે કોઈ ને કોઈ ચોક્કસ કોડવર્ડ નક્કી કરી લેવો પડે એવો સમય આવી ગયો છે. હવેના સમયમાં ફક્ત ફોન પર કોઈની સાથે વાત કરવામાં આવે કે સોશિયલ મીડિયા પર  એ વ્યક્તિના વીડિયો હોય તો તેમાંથી વોઇસ સેમ્પલ્સ મેળવીને એઆઇ ટૂલ્સની મદદથી તેનું વોઇસ ક્લોનિંગ કરી શકાય છે. પછી બરાબર એવા જ અવાજમાં કોઈ વાત કહેવાતી હોય એવી બનાવટ ઊભી કરી શકાય છે.

એકાઉન્ટ હેકિંગ અને વોઇસ ક્લોનિંગના કિસ્સાઓ હવે ફક્ત પરદેશની વાત રહી નથી. ભારતમાં પણ આ પ્રકારે છેતરપિંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ પ્રકારના બધા કિસ્સામાં પરિવારની બહુ નજીકની વ્યક્તિના જ એકાઉન્ટ પરથી કૉલ આવે છે અને તેમના અવાજમાં કોઈને કોઈ ડરામણી વાત ઊભી કરીને શક્ય એટલા રૂપિયા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ડિજિટલ એરેસ્ટ જેવા કૌભાંડમાં નિશાન પરની વ્યક્તિને કલાકો સુધી વીડિયો કૉલમાં પરોવી રાખીને મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરી રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે, જ્યારે અહીં જેની વાત કરી એવા કૌભાંડમાં બધો ખેલ માંડ બે-ચાર મિનિટનો હોય છે. 

આવા કૌભાંડમાં કૉલ કરનારી વ્યક્તિને એ જ નંબર પર વળતો કૉલ કરીને ખાતરી કરવાનો કોઈ અર્થ હોતો નથી કેમ કે એ વ્યક્તિનો ફોન ખોટી વ્યક્તિના હાથમાં આવ્યો હોય કે એકાઉન્ટ જ હેક થઈ ગયું હોય.

હા, કૉલ વોટ્સએપ પર આવ્યો હોય તો સાદો કૉલ કરીને કે પછી એ વ્યક્તિનો બીજો કોઈ નંબર હોય તો તેના પર કૉલ કરીને અથવા સામો વીડિયો કૉલ કરીને, કૉલ કરનાર વ્યક્તિ ખરેખર સ્વજન છે કે કોઈ હેકર તે આપણે નક્કી કરી શકીએ.

એવી બધી પળોજણમાં પડવું ન હોય તો લેખમાં શરૂઆતમાં કહ્યા મુજબ પરિવારના બધા સભ્યોએ આપસમાં નક્કી કરેલા કોડવર્ડથી પણ એકદમ ઝડપથી કૉલરની ખરાઈ થઈ શકે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આવો કોડવર્ડ બીજા કોઈ પણ પાસવર્ડ જેવો ન હોય પણ અન્ય કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી ધારી શકે એવો પણ ન હોવો જોઇએ.

એઆઇનો નવો યુગ આપણી પાસે કેવી કેવી કસરત કરાવશે?!