આ ટોપી પહેરવાથી માથા પર ઊગી જાય છે વાળ, શોધ કરનારનો દાવો
નવી દિલ્હી, 1 ઓક્ટોબર 2019, મંગળવાર
નાની ઉંમરમાં માથા પરથી વાળ ખરવા તે કોઈપણ વ્યક્તિ માટે ચિંતાજનક બાબત હોય છે. પુરુષ હોય કે મહિલા આધુનિક જીવનશૈલીના પરિણામે અકાળે વાળ સફેદ થવા અને ખરી જવાની તકલીફ સૌને સતાવે છે. ખરતા વાળ અટકાવવા અને તેને ફરીથી ઉગાડવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે. કેટલાક લોકો હજારો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે. પરંતુ આવા પ્રોડક્ટથી પણ ખાસ લાભ તેમને થતો નથી. દવા અને ટોનિક વાળ ઉગાડવાના દાવા કરે છે પરંતુ તેનો ઉપયોગ કરવા છતાં વાળ ફરીથી ઉગતા નથી.
જો કે આ સમસ્યાથી ત્રસ્ત લોકો માટે એવી શોધ થઈ છે જે ખરતા વાળને અટકાવી અને તેને ફરીથી ઉગાડી પણ દેશે. તાજેતરમાં જ દાવો કરવામાં આવ્યો છે કે એક એવું ઉપકરણ બનાવવામાં આવ્યું છે જે વાળ ફરીથી ઉગાડી શકે છે. અમેરિકાના વિસ્કોન્સિન મેડિસન યૂનિવર્સિટીના પ્રોફેસર જૂડોંગ વાંગએ એક એવી ટોપી બનાવી છે જેને પહેરવાથી માથા પર વાળ ફરીથી ઉગવા લાગે છે.
આ ટોપી પહેરનાર વ્યક્તિને આ તેનાથી ખાસ પ્રકારની ઊર્જા મળે છે જે વાળને મૂળમાંથી ઉગાડે છે. આ ટોપીની મદદથી માથામાં ઈલેક્ટ્રિક પલ્સેજને સંદેશ મળે છે અને તે વાળને ફરીથી ઉગાડવામાં મદદ કરે છે. આ ઉપકરણનો પ્રયોગ પહેલા એક ઉંદર પર કરવામાં આવ્યો જેને વાળ ન હતા. આ ઉંદર પર થયેલો પ્રયોગ સફળ રહ્યા બાદ દાવો કરવામાં આવ્યો છે કે આ ટોપી માણસના માથામાં પણ વાળ ઉગાડી શકે છે.