Get The App

સરકારી મેઇલ ટ્રાન્સફર થયા

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
સરકારી મેઇલ ટ્રાન્સફર થયા 1 - image

પાછલા એકાદ વર્ષથી ભારતીય ટેક કંપની ઝોહો કોર્પોરેશને ડેવલપ કરેલ વોટ્સએપની હરીફ જેવી ‘અરાત્તાઇ’ મેસેજિંગ સર્વિસ ખાસ્સી ચર્ચામાં રહી. લોકોએ વોટ્સએપના વિકલ્પ તરીકે આ એપ ઇન્સ્ટોલ કરી જોઈ, પરંતુ મોટા ભાગે બને છે તેમ તેમાં પૂરતા પ્રમાણમાં પોતાના સ્વજનો કે ક્લાયન્ટ્સની હાજરી ન દેખાતાં ફરી સૌ કોઈ જૂની અને જાણીતી વોટ્સએપ એપ તરફ વળી ગયા!

પરંતુ અરાત્તાઇની ‘વોટ્સએપના સ્વદેશી વિકલ્પ’ તરીકે ઓળખ ઊભી થતાં ઝોહો કોર્પોરેશનની અન્ય સર્વિસ તરફ પણ  લોકોનું ધ્યાન ખેંચાયું. ખરેખર જોવા જઈએ તો, ઝોહો કોર્પોરેશન કંપની ગ્લોબલ લેવલે ગૂગલ અને માઇક્રોસોફ્ટની હરીફ તરીકે ઉભરી રહી છે. આ બંને ગ્લોબલ જાયન્ટ ઇમેઇલ, ઓફિસ પ્રોગ્રામ્સ, સ્ટોરેજ, ટીમ વર્ક વગેરે માટે જે કોઈ સર્વિસ ઓફર કરે છે એ બધી જ સર્વિસ ઝોહો કોર્પોરેશન પણ ઓફર કરે છે.

હવે ભારત સરકારને પણ ટેક સર્વિસિસ માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવાને બદલે ઝોહોની વૈકલ્પિક સર્વિસિસમાં રસ પડ્યો છે. ગયા વર્ષથી જ ભારત સરકારનાં વિવિધ મંત્રાલયોએ પોતાનું કામકાજ ઝોહો કોર્પોરેશનની વિવિધ સર્વિસમાં ડાયવર્ટ કરવાનું શરૂ કર્યું હતું.

હમણાં ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મિનિસ્ટરે સંસદમાં જાણ કરી કે ભારત સરકારે તેનાં લાખો ઓફિશિયલ ઇમેઇલ એડ્રેસ ઝોહો ક્લાઉડ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કર્યાં છે. ભારત સરકારે ઓક્ટોબર ૨૦૨૫માં જ ઓફિશિયલ ઇમેઇલ એકાઉન્ટ્સને કોઈ ક્લાઉડ બેઝડ, સિક્યોર તથા સ્કેલેબલ સિસ્ટમમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી.

અત્યાર સુધીમાં ભારત સરકારના ૧૬.૬૮ લાખ ઇમેઇલ એકાઉન્ટ્સ ઝોહો ક્લાઉડ પ્લેટફોર્મમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાં છે. આ માટે ભારત સરકારે કુલ રૂ. ૧૮૦ કરોડનો ખર્ચ કર્યો છે. ઝોહો કોર્પોરેશન ભારત સરકારના દરેક ઇમેઇલ એકાઉન્ટ માટે  મહિના દીઠ રૂ. ૧૭૦ થી રૂ. ૩૦૦નો ચાર્જ લેતું હોવાનો અંદાજ છે. ઇમેઇલના ઇનબોક્સની સાઇઝ ૩૦ જીબીથી શરૂ કરીને ૧૦૦ જીબી સુધી ઓફર કરવામાં આવી રહી છે.

અલબત્ત અત્યારે ભારત સરકાર તેના પોતાના નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી)એ ડેવલપ કરેલી ઇમેઇલ સર્વિસનો પણ ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું છે.  ભારત સરકારે આ રીતે પહેલી જ વાર, પોતાના વિવિધ મંત્રાલયો અને વિભાગોના ઇમેઇલ કમ્યુનિકેશન માટે કોઈ ખાનગી કંપનીની સર્વિસ પર વિશ્વાસ દર્શાવ્યો છે.