Get The App

એપ કેબમાં એડવાન્સ ટિપ ફીચર સામે સરકાર કડક બની

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
એપ કેબમાં એડવાન્સ ટિપ ફીચર સામે સરકાર કડક બની 1 - image


નાનાં મોટાં શહેરોમાં પોતાનું વાહન ન હોય ત્યારે ઓલા-ઉબર જેવી એપકેબ સર્વિસ કે રેપિડો જેવી રાઇડ સર્વિસ આપણે માટે એકદમ સુવિધાજનક બને છે. પોતાના ફોનમાં જે તે એપ ઓપન કરીને આપણે જ્યાં પહોંચવું હોય ત્યાંનું ડેસ્ટિનેશન ઉમેરીએ એ સાથે આપણી નજીકની જે તે સર્વિસની કેબ કે બાઇક રાઇડર આપણી રાઇડ એક્સેપ્ટ કરે અને આપણી પાસે આવી પહોંચે. આપણે સર્વિસનો લાભ લઇએ અને અંતે જે તે સ્થળે પહોંચીને પેમેન્ટ કરીએ એટલે વાત પૂરી થાય.

હકીકતમાં વાત આટલી સાદી નથી. હમણાં સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)એ ઉબરને એક નોટિસ ફટકારી છે અને તેના ‘એડવાન્સ્ડ ટિપ’ ફીચર સામે સામે તપાસ શરૂ કરી છે. આ ફીચરની મદદથી યૂઝર્સ જે તે સર્વિસમાં રાઇડ બુક કરાવ્યા પહેલાં ડ્રાઇવરને વધારાની રકમ તરીકે ટિપ આપી શકે છે.

સમાચારો અનુસાર ગ્રાહકલક્ષી બાબતોના કેન્દ્રિય મંત્રીએ આ બાબતે એક્સ પ્લેટફોર્મ પર વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે યૂઝર હજી તો રાઇડની શરૂઆત કરે તે પહેલાં જ ઝડપી સર્વિસ માટે ટિપ આપવા માટે કહ્યું એ નૈતિક રીતે યોગ્ય નથી. મંત્રીના મતે ટિપ સારી સર્વિસ પછી પ્રોત્સાહનરૂપે હોઈ શકે પરંતુ સર્વિસ મેળવવા માટે તે આપવી જરૂરી ન હોવી જોઇએ. આ પછી કન્ઝ્યૂમર ઓથોરિટીએ આ પદ્ધતિ સામે તપાસ આરંભી છે.

મંત્રીએ એક્સ પ્લેટફોર્મ પર તેમની પોસ્ટ સાથે ઉબર એપનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેમાં ‘‘ટિપ ઉમેરવાથી ડ્રાઇવર આ રાઇડ સ્વીકારે એવી શક્યતા વધી શકે છે.’’ એવો ઉબર કંપનીનો મેસેજ જોઈ શકાય છે. આવા પ્રોમ્પ્ટ સાથે લોકોને બુકિંગની પ્રોસેસ દરમિયાન ડ્રાઇવરને રૂ.૫૦, રૂ.૭૫ કે રૂ.૧૦૦ની ટિપ આપવા સૂચવવામાં આવે છે. મંત્રીએ એક્સ પ્લેટફોર્મ પર આ પોસ્ટ શેર કર્યા પછી અન્ય યૂઝર્સે પણ એડવાન્સ ટિપ ફીચર સામે ઉભરો ઠાલવ્યો છે.

અત્યારે કન્ઝ્યૂમર ઓથોરિટીએ આ બાબતે ઉબરને નોટિસ મોકલી છે અને તેને ૧૫ દિવસમાં જવાબ આપવા કહ્યું છે. ઉબર કંપની પછી હવે ઓલા અને રેપિડો કંપનીએ પણ આ જ મામલે સીસીપીએની નોટિસનો સામનો કરવો પડે એવી શક્યતા છે.

Tags :