ગૂગલ વેરિફિકેશન માટે SMSથી ઓટીપી મોકલવાનું બંધ કરશે
જો તમે વિવિધ ઓનલાઇન સર્વિસમાં તમારા એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ
વેરિફિકેશનનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે આ બધી સર્વિસમાં આપણે પોતાનું
યૂઝરનેમ અને પાસવર્ડ આપીએ તે પછી એ સર્વિસમાં આપણે આપેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર
એસએમએસમાં વનટાઇમ પાસવર્ડ (ઓટીપી) આવે છે. એ ઓટીપી આપ્યા પછી જ આપણે જે તે
સર્વિસમાં લોગઇન થઈ શકીએ. આ પદ્ધતિ હવે બદલાશે. ઇન્ટરનેટ પરની ઘણી બધી ઓનલાઇન
સર્વિસમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનની સલામતી લાંબા સમયથી મળવા લાગી છે. નવાઈની વાત એ
હતી કે ભારતની ઘણી બેંકની વેબસાઇટ પર નેટબેંકિંગમાં લોગઇન થતી વખતે ઓટીપી આપવો
જરૂરી બને તેવી સલામતીની વ્યવસ્થા ઘણી મોડેથી રજૂ થઈ.
જોકે ટુ-સ્ટેપ વેરિફિકેશન માટે એસએમએસમાં ઓટીપી મેળવવાની પદ્ધતિ ઓછી સલામત છે.
હેકર જુદી જુદી ટ્રિક અજમાવીને આપણા પર આવતો ઓટીપી આંતરી શકે છે. આથી ઓટીપી મેળવવા
માટે કે વેરિફિકેશન કરવા માટે એસએમએસ ઉપરાંત બીજી વિવિધ પદ્ધતિ પણ અમલમાં આવી.
જેમ કે આપણે ગૂગલમાં ડેસ્કટોપ પર કે અન્ય ડિવાઇસમાં લોગઇન થવાનો પ્રયાસ કરીએ
તો આપણા સ્માર્ટફોનમાં તમે જ લોગઇન થવાનો પ્રયાસ કરી
રહ્યા છો ને? એવો એક સવાલ ઝબકે. આપણે હા
કહીએ તો લોગઇન થઈ શકીએ.
એ ઉપરાંત ગૂગલ કે માઇક્રોસોફ્ટની ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરીએ તો તેમાં
ટીઓટીપી (ટાઇમ-બેઝ્ડ ઓટીપી) જનરેટ થતા રહે અને આપણે તેની સાથે કનેક્ટેડ ઓનલાઇન
સર્વિસમાં લોગઇન થતી વખતે ઓથેન્ટિકેટર એપ ઓપન કરીને તેમાં એ સમયનો ટાઇમ બેઝ્ડ
ઓટીપી આપીએ તો એ સર્વિસમાં લોગઇન થઈ શકીએ.
આ બધા ઉપરાંત હવે નવી પાસકી વ્યવસ્થા પણ આવી ગઈ છે. તેને માટે પ્રારંભિક
સેટિંગ્સ કર્યા પછી આપણે ડેસ્કટોપ કે સ્માર્ટફોનમાં કોઈ સર્વિસમાં લોગ-ઇન થવું હોય
તો, એ ડિવાઇસમાં સ્ટોર્ડ પાસકીને
કારણે, એ ડિવાઇસના પાસવર્ડ કે
ફિંગરપ્રિન્ટની મદદથી લોગઇન થઈ શકાય - જે તે સર્વિસનો અલગ પાસવર્ડ આપવાની જરૂર
નહીં.
આમ, હવે એસએમએસ પર ઓટીપી મેળવવાની
ઓછી સલામત પદ્ધતિ ઉપરાંત બીજી ઘણી, વધુ સલામત પદ્ધતિઓ અમલમાં આવી
ગઈ છે. એ ધ્યાનમાં રાખીને, ટૂંક સમયમાં ગૂગલ એસએમએસ પર
ઓટીપી મોકલવાની વ્યવસ્થા સદંતર બંધ કરી દે તેવી શક્યતા છે. તેના બદલે હવે ક્યૂઆર
કોડને સ્કેન કરવાનો રહેશે.