Get The App

ગુગલ એઆઈ-પાવર્ડ સર્ચ એન્જિનનો ડેમો રજૂ કરશે

Updated: Jan 28th, 2023


Google NewsGoogle News
ગુગલ એઆઈ-પાવર્ડ સર્ચ એન્જિનનો ડેમો રજૂ કરશે 1 - image


નવા સમયના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ ચેટજીપીટી (https://openai.com/blog/chatgpt/) તરફથી સંભવિત તીવ્ર હરીફાઈને ગૂગલમાં ‘રેડ કોડ’ એલર્ટ ગણવામાં આવી રહ્યો છે. ગૂગલ કંપની આ બાબતને એટલી ગંભીર ગણી રહી છે કે અેનો સામનો કેવી રીતે કરવો એ બાબતે માર્ગદર્શન માટે ગૂગલના બંને સ્થાપકોની પણ મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન કંપનીએ તેના સર્ચ એન્જિનનું એઆઇ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે.

આમ તો ગૂગલની જુદી જુદી સંખ્યાબંધ પ્રોડક્ટસમાં એઆઇનો બહોળો ઉપયોગ શરૂ થઈ ગયો છે (આપણે પોતે જીમેઇલ, મેપ્સ, ડ્રાઇવ, ફોટોઝ વગેરેમાં તેનો ઉપયોગ કરીએ છીએ). પરંતુ સર્ચ એન્જિનમાં ગૂગલ એઆઇનો વધુ વ્યાપક ઉપયોગ કરવાની મથામણમાં છે. ગૂગલ ટૂંક સમયમાં એઆઇ આધારિત સર્ચ એન્જિનનો ડેમો રજૂ કરે તેવી પણ શક્યતા છે. તેની સાથોસાથ ગૂગલ ૨૦થી વધુ નવી પ્રોડક્ટસ પણ જાહેર કરે તેવી શક્યતા છે. ગૂગલ કંપની એઆઇ વિકસાવવાની દિશામાં ઘણી આગળ વધી ગઈ છે પરંતુ જાણકારો કહે છે કે એઆઇની સામાજિક અસરો વિશે હજી અસ્પષ્ટતા હોવાથી ગૂગલ તેને જાહેર ઉપયોગ માટે લોન્ચ કરતાં ખચકાઈ રહી છે. બીજી તરફ ઘણા લોકો એવું પણ માને છે કે એઆઇ આધારિત સર્ચ એન્જિનમાંથી કમાણી કઈ રીતે કરી શકાય તેની સ્પષ્ટતા ન હોવાથી ગૂગલ આ દિશામાં વધુ ઝડપથી આગળ વધી રહી નથી! બીજી તરફ ચેટજીપીટીની મૂળ કંપનીમાં રોકાણ કરનારી માઇક્રોસોફ્ટ કંપની તેના ઓફિસ પ્રોગ્રામ્સ તથા બિંગ સર્ચ એન્જિનમાં ચેટજીપીટીની ટેકનોલોજી ઉમેરી દે તેવી શક્યતા છે. આવું કદાચ માર્ચ મહિનાના અંત સુધીમાં થઈ જશે. હાલમાં ચેટજીપીટી દ્વારા મળતા જવાબોમાં ઘણી ભૂલો રહેતી હોવાને કારણે તે બહુ ઝડપથી હાલની પરંપરાગત સર્ચ ટેકનોલોજીનો વિકલ્પ બને તેવી શક્યતા ઓછી છે. પરંતુ આ ટેકનોલોજી જેમ જેમ વધુ સ્માર્ટ બનતી જશે તેમ તેમ તેના ઉપયોગો વધશે અને શાળા-કોલેજોથી માંડીને ઓફિસોમાં કોપી-પેસ્ટનું નવું કલ્ચર શરૂ થઈ જશે તેવું પણ લાગી રહ્યું છે.


Google NewsGoogle News