Get The App

ગૂગલે તેનો પ્લે સ્ટોર અન્ય પ્લે સ્ટોર માટે ખોલવો પડશે

Updated: Oct 16th, 2024

GS TEAM

Google News
Google News
ગૂગલે તેનો પ્લે સ્ટોર અન્ય પ્લે સ્ટોર માટે ખોલવો પડશે 1 - image


એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ઘણા યૂઝર્સ માટે, નવી એપ મેળવવાનું એક માત્ર જાણીતું સરનામું એટલે ગૂગલ પ્લે સ્ટોર. તેઓ પોતાના ફોનમાં પ્લે સ્ટોર સિવાય અન્ય કોઈ જગ્યાએથી  એપ મેળવી શકે તેવો તેમને અંદાજ પણ હોતો નથી.

વાસ્તવમાં આ બાબતે એપલના આઇફોનની સરખામણીએ એન્ડ્રોઇડ ફોન જુદા પડે છે. તેમાં આપણે ગૂગલના પ્લે સ્ટોર સિવાય ડાઇરેક્ટ કોઈ વેબસાઇટ પરથી પણ એપ ડાઉનલોડ કરી શકીએ છીએ અને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી ઉપયોગ કરી શકીએ છીએ. હજી હમણાં સુધી રિઅલ મની ગેમ્સ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ ન હોવાને કારણે તેને જે તે કંપનીની વેબસાઇટ પરથી મેળવવી પડતી હતી.

આપણે આ રીતે પ્લે સ્ટોર સિવાય અન્ય કોઈ સોર્સમાંથી મેળવીને તેને ઇન્સ્ટોલ કરીએ ત્યારે ફોનની સિસ્ટમ આપણને સૂચવે છે કે આમ કરવું જોખમી બની શકે છે. આમ જુઓ તો આ વાત સાચી પણ છે. ઓફિશિયલ પ્લે સ્ટોરમાંની એપ ઘણી ચાળણીમાંથી પસાર થયા પછી આપણને ઓફર કરવામાં આવે છે. આથી સલામત હોવાની ઘણે અંશે ખાતરી રહે છે. જ્યારે અન્ય કોઈ સોર્સમાંથી ડાઉનલોડ કરેલી એપ, તેને પસંદ કરવામાં આપણે ભૂલ કરેલી હોય તો તે જોખમી કોડ ધરાવતી હોય તેવું બની શકે.

ગૂગલને આવી ચેતવણી આપવાનો બીજો ફાયદો એ હતો કે એ રીતે તે પોતાના પ્લે સ્ટોરની મોનોપોલી જાળવી શકે.

જોકે હવે આ સ્થિતિ બદલાશે. અમેરિકામાં પ્લે સ્ટોરમાં ઓફર કરાતી એપ પર ગૂગલ તોતિંગ ફી વસૂલે છે એ મામલે એપિક ગેમ અને ગૂગલ વચ્ચે એક કેસ ચાલતો હતો, તેમાં ગૂગલની હાર થઈ છે. અદાલતે ચૂકાદો આપ્યો છે કે પહેલી નવેમ્બર ૨૦૨૪થી ગૂગલે તેના પ્લે સ્ટોરમાં અન્ય કંપનીઓના પ્લે સ્ટોર તથા તેમાંની બધી એપ પણ ઓફર કરવી પડશે. હાલમાં આ ચુકાદો અમેરિકા પૂરતો છે, પરંતુ આગળ જતાં વિશ્વમાં તે બધે અમલી બને તો નવાઈ નહીં.

ગૂગલ ઉપરાંત જુદી જુદી મોબાઇલ કંપની તથા એમેઝોન વગેરે પોતાના પ્લે સ્ટોર ચલાવે છે. ભારતમાં ફોનપે કંપનીએ પણ ‘ઇન્ડસ’ પોતાનો પ્લે સ્ટોર શરૂ કર્યો છે. પરંતુ પ્લે સ્ટોર મામલે ગૂગલની મોનોપોલી લગભગ અકબંધ રહી છે. હવે અદાલતના આદેશને પગલે તે તૂટે તેવી શક્યતા છે.

Tags :